Abtak Media Google News

ભારતનાં રાજકારણમાં આઝાદી કાળથી એપીક સેન્ટર રહેલા મહારાષ્ટ્રમાં હાલ ભારે રાજકીય સળવળાટ ચાલી રહ્યો છે. ગમે ત્યો ગમે તેવા ઉભરા આવે છે અને થોડીવારમાં આ ઉભરા શાંત પણ થઈ જાય છે અહિ વિધાનસભાની ચૂંટણીને હજી ઘણો સમય બાકી રહ્યો છે. પરંતુ અઘાડી સરકારનાં ભાવી સામે પ્રશ્ર્નાર્ચ ઉભા થઈ રહ્યા છે.ઉધ્ધવ ઠાકરના ખુરશી પ્રત્યેના અપાર મોંહે હાલ શિવસેનાની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી કરી નાંખી છે. હિન્દુત્વની દુહાઈ દેતી શિવસેના માટે હવે ભાજપ સાથે બેસવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. બીજી તરફ ભાજપ પણ યોગ્ય તકની રાહ જોઈ રહ્યું છે. શિવસેના ઝડપી કોઈ નિર્ણય નહી લ્યે તો ભાજપ એનસીપીની ઘડીયાળ બાંધી લેશે. હાલ દેશની આર્થીક રાજધાનીનું રાજકારણ જો અને તોના સમીકરણો વચ્ચે રમણભમણ થઈ રહ્યું છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ગત ચૂંટણીમાં રાજયની જનતાએ ભાજપ અને શિવસેનાના ગઠબંધનને તોતીંગ બહુમતી આપી હતી જોકે એક પક્ષને સ્પષ્ટ બહુમત પ્રાપ્ત ન થતા શિવસેના ચૂંટણી પરિણામ બાદ આડૂ ફાટયું હતુ. અને મુખ્યમંત્રી પદ માટે અઢી-અઢી વર્ષની રોટેશન પધ્ધતી રાખવાની શરત મૂકી હતી. આ વાત ભાજપને ગળે ન ઉતરતા બંને વચ્ચે દોસ્તી તુટી ગઈ હતી કોઈપણ ભોગે મુખ્યમંત્રી બનવાના સપના નિહાળી રહેલા ઉધ્ધવ ઠાકરેએ એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મીલાવી રાજયમાં અઘાડી સરકારનું સામ્રાજય ઉભુ કર્યું જેમાં શિવસેના એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન છે. ત્રણેય વચ્ચે વિચારોની સામ્યતા ન હોવાના કારણે છાશવારે સોની કજીયા થાય છે. આ અઘાડી સરકારથી એનસીપીને ખૂબ મોટો ફાયદો થયો. શિવસેના પોતાનો જનાધાર ધીમેધીમે ગુમાવી રહી છે. અને કોંગ્રેસ સંપૂર્ણ પણે હાંસિયામાં ધકેલાય ગઈ છે. ભારતની રાજનીતિમાં મહારાષ્ટ્રનું અલગ જ મહત્વ છે. જેના કારણે માત્ર એક જ રાજયનાં મજબૂત હોવા છતાં એનસીપીનું વજન છેક દિલ્હી સુધી પડે છે. અને શરદ પવારે ધારે તે કરાવી શકે છે.

છૂટાછેડા લીધા બાદ પણ શિવસેના ભાજપ સાથે લીવ ઈન રિલેશનમાં રહેવા ઈચ્છે છે: ભારતનાં રાજકારણનાં એપીક સેન્ટર મહારાષ્ટ્રની રાજનીતિ પર હાલ દેશની નજર

છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપ પ્રત્યેની દોસ્તીનો રાગ આલોપી રહી છે બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતુ કે ભાજપ અને શિવસેના વચ્ચે માત્ર મતભેદ છે. દોસ્તી હજી કાયમ છે. આ નિવેદનને રાજકીય પંડિતો અલગ રીતે નિહાળી રહ્યા છે. દરમિયાન ગઈકાલે શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે એવું નિવેદન આપ્યું હતુ કે, ભાજપ અને શિવસેનાના સંબંધો આમીરખાન અને કિરણ રાય જેવા છે. ભલે છૂટાછેડા લઈ લીધા હોય પરંતુ દોસ્તી કાયમ જ રહેશે.

હવે સ્થિતિ એવી થવા પામી છે કે શિવસેનાએ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપ સાથે બેસવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. એનસીપી અને કોંગ્રેસ સાથે ફાવતું નથી. આવા માહોલમાં હવે જૂના દોસ્તની ફરી યાદ આવી રહી છે. ભાજપ પણ લોકસભા અને વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી શિવસેના સાથે ફરી ભાઈ બંધી પાકી કરવા માટે તલપાપડ થઈ રહ્યું છે. પણ બહાર ઉત્સાહ દેખાડતુ નથી. જો શિવસેના ટુંક સમયમાં ફરી ભાજપ સાથે ગઠબંધન કરવા અંગે કોઈ સત્તાવાર નિર્ણય નહી લેતો ભાજપ પણ એનસીપીનાં વડા શરદ પવારને રાષ્ટ્રપતિ બનાવવાની ઓફર કરી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-એનસીપી વચ્ચે ગઠબંધનની તૈયારી કરી રહ્યું છે.

જયારે અઘાડી સરકાર અસ્તિત્વમા આવી ત્યારે જે સ્થિતિ કોંગ્રેસની મહારાષ્ટ્રમાં હતી તે સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી. અઘાડી સરકારનો સૌથી વધુ ફાયદો માત્રને માત્ર શરદ પવારને થયો છે. આમ પણ પવારને ખંધા રાજકારણી માનવામાં આવી રહ્યા છે. તેઓ કયો દાવ કયાં સમીકરણો સાથે ફેંકે છે. તે કળવામાં મોટામોટા રાજકારણીઓ પણ માથા ખંજવાળતા થઈ જાય છે. હજી સમય છે. જો ઉધ્ધવ પોતાની અકકડાઈ છોડી ભાજપ સાથે દોસ્તીનો હાથ લંબાવવામાં મોડુ કરશે તો શિવસેના પોતાની રાજકીય અસ્તિત્વ ગુમાવી દે તેવી દહેશત પણ રાજકીય પંડિતો વ્યકત કરી રહ્યા છે. ઉધ્ધવની ધુતરાષ્ટ્રની ભૂમીકા શિવસેનાની નૈયા ડુબાડી રહી છે. હજી નાવડીમાં નાનું કાણું જ પડયું છે. જેને સાંધી દરિયો પાર કરી શકાય તેટલો સમય છે. સમય પારખીને ચાલવાના બદલે આપડો જ સમય છે. તેવુંમાની ચાલનારા માટેનું ભવિષ્ય ધુંધળું બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.