ભારતની પ્રથમ કોરોનાગ્રસ્ત વિધાર્થીની ફરી કોવિડ-19ની ઝપેટમાં, દેશમાં પહેલીવાર કોને થયો હતો કોરોના..?

વરસાદના પાણીના ટીપાં કરતાં પણ અનેકગણા નાના એવા કોરોના વાયરસને આવ્યાને એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે. છત્તા તેની તીવ્રતા ઓછી અંકાઇ રહી નથી. અતિ સૂક્ષ્મ એવા વાયરસે મોટા કદના માનવીને ઘૂંટણીયે લાવી દીધો છે. કોવિડ-19એ વિશ્વ આખાને બાનમાં લઈ તમામ દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. ચીનના વુહાનમાંથી ફેલાયેલ કોરોનાએ વર્ષ 2019ના ડિસેમ્બર માસથી આંતક મચાવવાનું શરૂ કર્યું હતું. ભારતમાં સૌપ્રથમ કેસ માર્ચ-2020માં સામે આવ્યો હતો.

કાચિંડાની જેમ કલર બદલતા કોરોનાને કારણે દેશમાં બીજી લહેર અતિ ઘાતકી નીવડેલી. ત્યારે હવે ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. ફરી કેસ નવા આંકડા પાર કરે, અગાઉ સ્વાસ્થય કટોકટી જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે સરકાર પણ આગવા આયોજનરૂપી ચાલી રહી છે. સંભવિત ત્રીજી લહેર આવ્યા પહેલા ખરાબ સમાચાર એ છે કે કોરોના પોઝિટિવ થયેલા લોકો ફરી ઝડપભેર સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશમાં જે યુવતીને પ્રથમ કોરોના થયો હતો તે ફરી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

ભારતમાં પ્રથમ કોને થયો હતો કોરોના..?

દેશના પ્રથમ કોરોના દર્દીને ફરીથી ચેપ લાગ્યો છે. દેશનો પહેલો કોવિડ પોઝિટિવ કેસ મેડિકલ વિદ્યાર્થીનો હતો. ચીનના વુહાનથી પરત આવેલ કેરળની વિદ્યાર્થીની, જે ગયા વર્ષે જાન્યુઆરીમાં ચીનના વુહાનથી તેના વતન થ્રિસુર આવી હતી. અહેવાલ મુજબ દોઢ વર્ષ બાદ તે ફરી એકવાર કોરોના પોઝિટિવ થઈ છે.સ્વાસ્થય અધિકારીઓના મતે તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની આરટી-પીસીઆર સકારાત્મક છે, એન્ટિજેન નકારાત્મક છે.

કેરળના થ્રિસુરના ડીએમઓ ડો. કે. જે. રીનાએ કહ્યું કે ‘તેનો આરટી-પીસીઆર રિપોર્ટ સકારાત્મક છે જ્યારે એન્ટિજેન નેગેટિવ. તેને એસિમ્પ્ટોમેટિક ચેપ લાગ્યો છે. તબીબી અધિકારીઓના જણાવ્યા અનુસાર તે હવાઇ માર્ગે દિલ્હી જવા ઇચ્છતી હતી અને આ માટે તેણે કોવિડ પરીક્ષણ કરાવ્યું હતું. પરીક્ષણ પોઝિટિવ આવ્યા પછી દરેકને આશ્ચર્ય થયું. તબીબી અધિકારીઓએ કહ્યું કે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. કારણ કે લક્ષણો હળવા છે. વુહાનથી પરત ફર્યા પછી, તેણી પાછી ફરી ન હતી. અને કેરળ સ્થિત તેના ઘરેથી ઓનલાઇન તેના વર્ગ લઈ રહી હતી.