- બંને ફ્લેટ બંધ હતા તો ડિલિવરી બોય છઠ્ઠા માળે શું કરતા’તા?: સો મણનો સવાલ
રાજકોટ શહેરમાં હજુ ટીઆરપી ગેમઝોનની ગોઝારી દુર્ઘટનાને એક વર્ષ પણ થયું નથી ત્યારે વધુ એક આગની દુર્ઘટના સામે આવી છે. ગેમઝોન દુર્ઘટનામાં 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થયાં હતા અને રાજકોટ આખું હિબકે ચડ્યું હતું. કાળજુ કંપાવે તેવી ઘટનાને લીધે ધ્રુજારી ઉઠાવી દયે તેવી મરણચિસો આખા રાજકોટવાસીઓએ સાંભળી છે અને તેના પગલે પ્રજાજનોમાં રોષનો માહોલ ઉભો થયો હતો. હજુ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક આગની દુર્ઘટનામાં ત્રણ માનવ જિંદગી હોમાઈ ગઈ છે. એટલાન્ટિસ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે કથિત શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં ત્રણ ડિલિવરી બોય ભૂંજાઈ ગયા હતા પણ છઠ્ઠા માળે લાગેલી આગના અનેક મુદ્દા તદ્દન શંકાના દાયરામાં છે. છઠ્ઠા માળે આવેલા બંને ફ્લેટ બંધ હતા તો પછી ડિલિવરી બોય ત્યાં શું કરતા હતા? નેપાળી પરિવારની સગીરા પણ આગમાં દાઝી હતી તો પછી જે માળે ફલેટ બંધ હતા ત્યાં સગીરા શું કરતી હતી? આવા અનેક મુદ્દા આગની ઘટનાને શંકાના દાયરામાં લાવી રહી છે.
સમગ્ર ઘટના પર એક નજર કરવામાં આવે તો શહેરના 150 ફિટ રીંગ રોડ પર બિગ બજાર સામે આવેલ એટલાન્ટિસ એપાર્ટમેન્ટના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી હતી. જેમાં અજયભાઇ મકવાણા તથા કલ્પેશભાઈ લેવા અને મયૂરભાઈ લેવા નામના બે પિતરાઈ ભાઈના મોત થયા છે. સ્વિગીના ડિલિવરી મેન અજયભાઈ બિલ્ડિંગમાં પાર્સલ ડિલિવરી કરવા ગયા હતા અને આગની ચપેટમાં આવી જતા મોત નીપજ્યું હતું અને છેલ્લે પત્ની અને સાડા ત્રણ વર્ષની દીકરીને રડતાં છોડી ગયાં હતા. મૃતક અજયભાઇ સ્વિગીમાં ડિલિવરી બોય તરીકે કામ હતા. જ્યારે કલ્પેશભાઈ લેવા બ્લિન્કીટ કંપનીમાં રાઇડર તરીકે કામ કરતા હતા અને તેમનો પિતરાઈ ભાઈ મયુર રાજકોટમાં જ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સવારના સમયે કલ્પેશભાઈ 10.10 વાગ્યે સ્ટોર પરથી એલ્યુમિનિયમ ફોઈલ 72 મીટર કિંમત રૂપિયા 464ની લઈ ડિલિવરી માટે ગયા હતા પરંતુ તેઓનો ઓર્ડર ડિલિવરી થઈ શક્યો ન હતો.
હવે આગની ઘટનામાં શંકાસ્પદ બાબતોની જો વાત કરવાના આવે તો પ્રથમ બાબત એવી છે કે, આગ છઠ્ઠા માળે લાગી હતી પણ તે માળ પર આવેલ ફ્લેટ બંધ હાલતમાં હતા. તો પછી સ્વીગી અને બ્લીનકીટના ડિલિવરી બોય છઠ્ઠા માળે માળે શું કરવા પહોંચ્યા હતા? ઉપરાંત ગઈકાલે છઠ્ઠા માળે કોઈ કામ ફર્નિચરનું કામ પણ ચાલુ ન હતું તો પછી છઠ્ઠા માળે પહોંચેલા ત્રણેય યુવક ત્યાં શું કરતા હતા? અત્યંત ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, છઠ્ઠા માળે ફક્ત પેસેજ એરિયામાં જ આગ લાગી હતી, જે આગ ફ્લેટમાં પ્રસરે તે પૂર્વે જ કાબુમાં લઇ લેવામાં આવી હતી તો પછી ત્રણેય યુવકો કેમ ભાગી શક્યા નહીં?
આગની ઘટનામાં નેપાળી પરિવારની 15 વર્ષીય સગીરા પણ દાઝી જતાં તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.તો જે ફ્લોર પર ફ્લેટ જ બંધ હતા ત્યાં નેપાળી પરિવારની દીકરી પણ શું કરતી હતી?
આગના બીજા જ દિવસે ત્રણેય સિક્યુરિટી ગાર્ડને તાબડતોબ બદલાવી કેમ નખાયા?
હાઈફાઈ એપાર્ટમેન્ટમાં એક ખાનગી સિક્યુરિટી કંપનીના ત્રણ ગાર્ડ ફરજ બજાવે છે. ગઈકાલે આગ લાગ્યા બાદ આજે ત્રણેય સિક્યુરિટી ગાર્ડને તાબડતોડ બદલાવી નાખી નવા ત્રણ ગાર્ડને ફરજ પર મૂકી દેવામાં આવ્યા હતા. તો પછી તાબડતોડ સિક્યુરિટી ગાર્ડ બદલાવી નાખવા પાછળનું કારણ શું? ધુળેટી પર્વે એપાર્ટમેન્ટમાં થયેલી મુવમેન્ટના વટાણા વેરાઈ ન જાય તેના માટે ગાર્ડને બદલાવી નાખવામાં આવ્યા હતા? જો કે, આ બધી બાબતો હાલ ફક્ત લોકમુખે ચર્ચાઈ રહી છે એટલે આ વાતોમાં તથ્ય કેટલું છે તે હવે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
પોલીસે સીસીટીવી કેમેરાનું ડીવીઆર કબ્જે કર્યું : શંકાસ્પદ હિલચાલ સામે આવશે?
રાજકોટ શહેર પોલીસે એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર કબજે કર્યું છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ જોતાં ત્રણેય મૃતકો અને જે એક યુવતી ઈજાગ્રસ્ત થઇ છે એ તમામ લોકો લિફ્ટમાં ઉપર જતાં પણ સીસીટીવીમાં દેખાયા હોવાનું સામે આવ્યું છે. તો હવે આ લોકો છઠ્ઠા માળે શા માટે પહોંચ્યા હતા? ભોગ બનનારા ચારેય છઠ્ઠા માળે પહોંચ્યા એ પહેલા કોઈ છઠ્ઠા માળે ગયું હતું કે કેમ? આ તમામ બાબતો તપાસનો વિષય છે.
ફરી ફાયર એનઓસી અંગે ચેકીંગ શરૂ કરાશે
- રેસીડેન્સી પણ આવરી લેવાશે: નોટીસો અપાશે:ફાયરના સાધનો ચેક કરાશે
ગઈકાલે એટલાન્ટીસ બિલ્ડીંગમાં આગ લાગ્યાની ઘટના બન્યા બાદ એવું માલુમ પડ્યું છે કે બિલ્ડીંગમાં દ્ છેલ્લા દસ વર્ષથી ફાયર એનઓસી રીન્યુ કરવામાં આવ્યૂ ન હતું.ફાયર બ્રિગેડ શાખા દ્વારા ગત વર્ષે જે રીતે શહેરભરમાં ફાયર એનઓસી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે રીતે ફરીથી ચેકિંગ હાથ ધરાશે.ગત વખતે ચેકિંગ માત્ર કોમર્શિયલ મિલકતોને લેવામાં આવી હતી હવે રહેણાંક હેતુને મિલકતોમાં પણ ફાયર સેફટીક અંગે ચેકિંગ હાથ ધરવામાં આવશે. જો નિયમ મુજબ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધન નહીં હોય તો રેસીડેન્સ હેતુની મિલકતને પણ નોટિસ ફટકારવામાં આવશે ત્યારબાદ યોગ્ય કાર્યવાહી પણ કરાશે. જો ફાયર એનઓસી હશે તો બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનોની પણ ચકાસણી કરાશે.
ડેપ્યૂટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સૌથી પહેલા પહોંચ્યા: બપોર સુધી ખડેપગે રહ્યા
એટ્લાન્ટિસ બિલ્ડીંગના છઠ્ઠા માળે ભીષણ આગ લાગી હોવાના સમાચાર મળતાની સાથે જ ડેપ્યૂટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સૌથી પહેલા સ્થળ પર પહોંચી ગયા હતા. એટલું જ નહિં તેઓ બપોર સુધી ખડેપગે રહ્યા હતા અને રાહત તથા બચાવની કામગીરીમાં અધિકારીઓને યોગ્ય સંકલન પણ કરાવ્યું હતું. ફાયર બિગ્રેડની ટીમ જ્યારે બચાવ કાર્યમાં કામ કરી રહી હતી ત્યારે તેઓ સતત માર્ગદર્શન આપતા રહ્યા હતા. હોસ્પિટલે પણ તેઓ ઇજાગ્રસ્તોની વ્હારે આવ્યા હતા. સવારથી લઇ બપોર સુધી તેઓ સતત ખડેપગે રહ્યા હતા.
ચાર પૈકી માત્ર બે વિંગ્સમાં જ ફાયર એનઓસી લેવાયું હોવાનું ધડાકો: 10 વર્ષથી રિન્યૂ પણ કરાયું ન હતું
- ફાયરના તમામ સાધનો પણ નોન વર્કિંગ ક્ધડીશનમાં હતા: નોટિસ ફટકારવા કોર્પોરેશનની તજવીજ
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા એન્ટ્લાન્ટિસ એપાર્ટમેન્ટમાં ગઇકાલે એક ફ્લેટમાં લાગેલી ભીષણ આગમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખાએ કરેલા પ્રાથમિક ચેકીંગમાં એવું જાણવા મળી રહ્યું છે કે બિલ્ડીંગને વર્ષ-2014માં બીયુપી આપવામાં આવ્યું હતું. એપાર્ટમેન્ટમાં અલગ-અલગ ચાર વિંગ આવેલી છે. જે પૈકી માત્ર બે જ વિંગમાં ફાયર એનઓસી લેવામાં આવ્યું હતું. એટલું જ નહિં 2015માં ફાયર એનઓસી રિન્યૂ કરાવવાની મુદ્ત વિતી જવા છતાં છેલ્લા 10 વર્ષથી એનઓસી રિન્યૂ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી. બિલ્ડીંગમાં જે ફાયર એનઓસીના સાધનો હતા તે મોટાભાગના બંધ હાલાતમાં જોવા મળ્યા હતા. 12 માળના બિલ્ડીંગમાં ફાયરના સાધનો સામાન્ય આગ લાગે તો પણ તે ઠારવામાં સંપૂર્ણપણે અસમર્થ હતા. બિલ્ડીંગના એસોસિએશનની ગુન્હાહીત બેદરકારીના કારણે ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ એવું કહી રહ્યા છે કે વર્ષ-2021 અને 2023માં બિલ્ડીંગને ફાયર એનઓસી મામલે નોટિસ આપવામાં આવી હતી. જો કે, નોટિસ આપ્યા બાદ કોર્પોરેશનનું તંત્ર કોઇ જ પ્રકારની કામગીરી કરતું ન હોવાના કારણે છાશવારે આવા અકસ્માતો સર્જાતા હોય છે. કરોડો રૂપિયાનો નફો રળતા બિલ્ડરો પણ માનવ જીવન સાથે રિતસર ચેડાં કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ચાર વિંગ પૈકી બે વિંગમાં જ ફાયરના સાધનો રાખવા અને બે વિંગને ફાયર સેફ્ટી વિહોણી રાખવી તે પણ મોટી બેદરકારી ગણાવી શકાય. ગત વર્ષે સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ કોર્પોરેશનને માત્ર કોમર્શિયલ બિલ્ડીંગોમાં જ ફાયર એનઓસી સંદર્ભે ચેકીંગ હાથ ધર્યું હતું. રહેણાંક હેતુની મિલકતોમાં કોઇ જ પ્રકારનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું ન હતું. જો કે, રેસિડેન્સ મિલકતમાં ફાયર એનઓસી ન હોય તો પણ તેને સીલ કરી શકાતી નથી. કારણ કે ત્યાં લોકો વસવાટ કરતા હોય છે. નિયમોની પળોજણ અને તંત્રની બેદરકારીના કારણે સતત આવી જીવલેણ દુર્ઘટના સર્જાતી રહે છે.