બીજા વનડેમાં દીપકે ‘બાજીગર’ બની લંકાને ધૂળ ચાટતું કર્યું: સિરીઝ અંકે કરતું ભારત

ચહર અને ભુવીની ઇનિંગ જોઈ લંકાના કોચ ‘મૂંઝાયા’: શ્રીલંકાને સૌથી ખરાબ હાર મળી

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન ડે કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. શ્રીલંકન ઓપનરો આવિષ્કા ફર્નાન્ડો અને મિનોદ ભાનુકાએ સારી શરુઆત કરી હતી. ટીમ ઈન્ડીયાએ બીજી વન ડેને રોમાંચક સ્થિતી વચ્ચે ભારતે જીતી લીધી હતી. શિખર ધવન, પૃથ્વી શો અને ઈશાન કિશનની વિકેટો ઝડપથી ગુમાવતા મુશ્કેલ સ્થિતી સર્જાઈ હતી.

ભારતીય ટીમ એક સમયે મુશ્કેલ સ્થિતીમાં આવી ચુકી હતી. શ્રીલંકને ડ્રેસીંગ રુમમાં વિજયી ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. પંરતુ દિપક ચાહર અને ભૂવનેશ્વર કુમારે બાજી પલ્ટીને ફરીથી ભારતને રોમાંચક રીતે મેચમાં પરત લાવી દીધુ હતુ. દિપક ચાહર અને વાઈસ કેપ્ટન ભૂવનેશ્વર કુમારે શાનદાર રમત રમી હતી. સાતમા અને આઠમા ક્રમાંકે આવેલા બંને બોલરોએ જે ધમાકેદાર ઇનિંગ રમી તે જોઈને જાણે શ્રીલંકાના કોચે માનસિક સ્થિતિ ગુમાવી દીધી હોય તેવી રીતે ભાગાભાગી કરતા નજરે પડયા હતા.

ભારતીય ટીમ 276 રનના પડકારનો પીછો કરવાની શરુઆતથી જ મુશ્કેલ સ્થિતીમાં રહી હતી. ભારતે પ્રથમ વિકેટ 28 રનના સ્કોર પર ગુમાવી હતી. પૃથ્વી શોના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 13 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈશાન કિશનની વિકેટ ભારતે 39 રને પાંચમી ઓવરમાં ગુમાવી હતી. ઈશાન 1 જ રન નોંધાવી શક્યો હતો. કેપ્ટન શિખર ધવન 29 રન કરીને પેવિલિયન પરત ફર્યો હતો.

મનિષ પાંડે સેટ થયા બાદ કમનસીબે રન આઉટનો ભોગ બન્યો હતો. તેણે 31 બોલમાં 37 રન કર્યા હતા. સૂર્યકુમારે 44 બોલમાં 53 રન કર્યા હતા. આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફીફટી હતી. હાર્દિક પંડ્યા શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે કૃણાલ પંડ્યાએ 35 રનની ઈનીંગ રમી હતી. તેની પર જીતનો ભરોસો માનવામાં આવતો હતો. જોકે દિપક ચાહરે મુશ્કેલ સ્થિતીની જવાબદારી પોતાના ખભે સ્વિકારી હતી. તેણે અણનમ 69 રન બનાવ્યા હતા. જ્યારે ભૂવનેશ્વરે 19 રન બનાવ્યા હતા.

વાનીન્દુ હસારંગાએ 10 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી, જે ત્રણેય વિકેટો મોટી હતી. જેનાથી જ ભારત સતત મુશ્કેલ સ્થિતી અનુભવી રહ્યુ હતુ. લક્ષન સંદાકને 10 ઓવરમાં 71 રન આપી એક વિકેટ ઝડપી હતી. દશ્મંથા ચામિરાએ 10 ઓવર કરીને 65 રન આપ્યા હતા. આ ઝડપી બોલરને એક પણ વિકેટ મળી શકી નહોતી. દાસુન શનાકાએ 3 ઓવર કરીને 1 વિકેટ મેળવી હતી.

ઓપનર આવિષ્કા ફર્નાન્ડો અને મિનોદ ભાનુકાએ શાનદાર શરુઆત કરી હતી. બંનેએ શરુઆત મક્કમતા પૂર્ણ કરી હતી. સાથે જ ભારતીય બોલરો પર દબાણ વધારવા રુપ બેટીંગ કરી હતી. બંનેએ 77 રનની ભાગીદારી રમત રમી હતી. ચહલે તેમની જોડી તોડવામાં સફળ નિવડ્યો હતો. ફર્નાન્ડોએ 71 બોલમાં 50 રન કર્યા હતા. જ્યારે ભાનુકાએ 42 બોલમાં 36 રન કર્યા હતા. ત્યારબાદ ભાનુકા રાજપક્ષે શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો.

કેપ્ટન દાસુન શનાકા 24 બોલમાં 16 રન કરીને ક્લીન બોલ્ડ થયો હતો. ચરિથ અસલંકાએ પ્રથમ આંતરરાષ્ટ્રીય અર્ધશતક કરવામાં સફળ રહ્યો હતો. અસલંકાએ 68 બોલમાં 65 રનની ઈનીંગ રમી હતી. ચામિકા કરુણારત્નેએ શાનદાર રમત અંતિમ ઓવરો દરમ્યાનન રમીને સ્કોરને આગળ વધાર્યો હતો. તેણે 33 બોલમાં 44 રન કર્યા હતા. આ માટે તેણે 5 બાઉન્ટ્રી લગાવી હતી.

યુઝવેન્દ્ર ચહલે જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. ચહલે શાનદાર વિકેટો મેળવી હતી, જોકે ચહલ હેટ્રીક ચૂક્યો હતો. પરંતુ પોતાના પ્રદર્શનથી તેને સંતોષ હશે. ચહલે 10 ઓવર કરીને 50 રન આપી 3 વિકેટ ઝડપી હતી. વાઈસ કેપ્ટન ભૂવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી. દિપક ચાહરે 2 વિકેટ ઝડપી હતી. તેણે 8 ઓવરમાં 53 રન આપ્યા હતા. કૃણાલ પંડ્યાએ પ્રથમ મેચની માફક કરકસર ભરી બોલીંગ કરી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવર કરીને 20 રન આપ્યા હતા.