એસજીએસટી આકારણીમાં ‘ઉતાવળે આબા નહીં પાકે’; અપીલના કેસો વધશે

છેલ્લા ત્રણ વર્ષની આકારણી માટેનો ટૂંકો સમય મુશ્કેલી સર્જશે: રાજકોટ ચેમ્બરની નાયબ મુખ્યમંત્રીને રજુઆત

એસ.જી.એસ.ટી. આકારણી ઉતાવળે કરાશે અને વેપારીઓને પુરતો સમય નહીં અપાય તો અપીલના કિસ્સા વધવાની દહેશત વ્યકત કરી રાજકોટ ચેમ્બર ઓફ કોમસર્ર્ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે છેલ્લા ત્રણ વર્ષની આકારણી માટે યોગ્ય નિર્ણય લેવા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને રજુઆત કરી છે.

રાજકોટ ચેમ્બરે નાયબ મુખ્યમંત્રીને આવેદન પાઠવી જણાવાયું છે કે, વર્ષ ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭ ની આકારણી પૂર્ણ કરવાની અંતિમ તા. ૩૧-૩-૨૦૨૧ અને ૨૦૧૭-૧૮ ની આકારણી ૩૧ ડીસેમ્બર પહેલા પુરી કરવા ભાર મુકવામાં આવે છે.

કોરોના કાળમાં લોકડાઉનની અસરને કારણે વેપાર ધંધા પડી ભાંગ્યા છે. અને જો એક તરફી આકારણી કરાશે તો વેપારીઓ પર બોજો પડશે. એસ.જી.એસ.ટી. વિભાગની અધિકારીઓ દ્વારા આકારણી માટે વેપારીઓને ફોન કરી હાજર થવા માટે કહેવામાં આવે છે. પરંતુ એસેસમેન્ટની કાર્યવાહી માટે વેપારી, વકીલ, સીએ, મેતાજી તથા વેટ વિભાગના કર્મચરીઓ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી શકે તેવી કોઇ સંભાવના નથી. અને આકારણી માટે જો ઉતાવળે અને વેપારીઓને પુરતો સમય આપ્યા વગર એસેસમેન્ટ કરવામાં આવશે તો અપીલ થવાના કિસ્સાઓ પણ વધી શકે તેમ છે. સાથો સાથ ઘણા કેસો ઓનલાઇન સી-ફોર્મ આપેલા હોવા છતાં ઓનલાઇન દેખાતા નથી. જેથી વેપારીઓને પ્રિન્ટ કોપીવાળા ફોર્મ રજુ કરવા માટે સમય આપવો જોઇએ એમ ચેમ્બરે જણાવ્યું છે.

હાલ વેપાર ધંધાએ માંડ માંડ વેગ પકડયો હોય ત્યારે વેપારીઓએ ધંધો સંભાળવાને બદલે એસેસમેનટની  કામગીરી માટે પુરતો સમયના હોય, વેટ કાયદાની બન્ને વર્ષ માટેની આકારણી તાત્કાલીક પૂર્ણ કરવાનો આગ્રહ મોકુફ રાખી આકારણી કેસોમાં મુદત આપવી જોઇએ જેથી વેપારીઓ અને અધિકારીઓ રાહતની લાગણી અનુભવી શકે તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવી છે.