Abtak Media Google News

શરદ એમ.રાવલ, હડિયાણા

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરના માર્ગદર્શન હેઠળ જોડિયા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ બી.આર.સી. ભવન, જોડિયા ખાતે યોજવામાં આવ્યો. ચિત્ર, નિબંધ લેખન, વક્તૃત્વ અને કાવ્યગાન સ્પર્ધામાં ક્લસ્ટર કક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શક શિક્ષકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં બી.આર.સી.કો.ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ દ્વારા ભાગ લેનાર બાળકોને કલા ક્ષેત્રે આગળ વધવા માટે રહેલી તકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. કેળવણી નિરીક્ષક કિશોરભાઈ ગજેરા દ્વારા બાળકોને શિક્ષણની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ અંગે પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

દરેક બાળકોએ અલગ અલગ સ્પર્ધામાં સુંદર રજૂઆત કરી. જેમાં ચિત્ર સ્પર્ધામાં લક્ષ્મીપરા શાળાના આધ્રોજીયા સંતોષ , નિબંધ લેખનમાં વાવડી પ્રા. શાળાના મકવાણા રીના , વક્તૃત્વ સ્પર્ધામાં ટીંબડી પ્રા. શાળાના પટેલ દક્ષ અને કાવ્યગાનમાં લિંબુડા પ્રા. શાળાના મારવાણીયા પ્રાચી પ્રથમ નંબર મેળવેલ છે.

ચારેય સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનારને 500, બીજો નંબર મેળવનારને 300 અને ત્રીજો નંબર મેળવનારને 200 રૂ. રોકડ પુરસ્કાર અને ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિજેતા થયેલ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે. સમગ્ર સ્પર્ધાનું આયોજન અને સંચાલન બી.આર.સી.કો.ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પેશિયલ એજ્યુકેટર ઝહિદભાઈ હિંગોરજાએ જહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.