- ગોઝારો રવિવાર
- હૈદરાબાદમાં લાગેલી આગે ત્રણ પેઢીના 17 લોકો અને મહારાષ્ટની કાપડ ફેક્ટરીની આગે 8 લોકોના ભોગ લીધા
રવિવારે પરિવાર સાથે હળવાશનો સમય વિતાવતા પરિવારે ક્યારેય નહીં વિચાર્યું હોય કે આ ગોઝારો રવિવાર તેમના પરિવાર માટે કાળ બનીને આવશે. જીવનનો કોઈ જ ભરોસો નથી, ત્યારે આવી જ હૈદારાબાદ અને મહારાષ્ટ્રમાં બનેલી ગોઝારી ઘટનાઓએ લોકોના કાળજા કંપાવી દીધા છે. હૈદરાબાદના ચારમીનાર નજીક આવેલી એક સદી જૂની ત્રણ માળની ઇમારતમાં રવિવારે વહેલી સવારે આગ લાગતાં એક જ ઝવેરી પરિવારના ત્રણ પેઢીના 17 સભ્યો ભડથું થઈ ગયા. રજાઓમાં પોતાના પૈતૃક ઘરે ભેગા થયેલા આ લોકોમાં 2 વર્ષથી લઈને 73 વર્ષના લોકો અને આઠ બાળકોનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે તેઓ દાઝી જવાથી અથવા ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામ્યા. તો બીજી ઘટનામાં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં અક્કલકોટ રોડ એમ.આઇ.ડી.સી. સ્થિત એક ટુવાલ બનાવવાની કાપડ ફેક્ટરીમાં રવિવારે વહેલી સવારે આગ લાગતાં દોઢ વર્ષના બાળક અને 87 વર્ષીય માલિક સહિત આઠ લોકોનાં મોત નીપજ્યાં.
હૈદરાબાદમાં સવારે 6 વાગ્યે લાગેલી આ આગમાં પરિવારના ચાર સભ્યો અને તેમના કેટલાક કામદારો બચી ગયા છે, જે આગનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. ફાયર બ્રિગેડને આગ કાબૂમાં લેતા બે કલાકથી વધુ સમય લાગ્યો ત્યાં સુધીમાં રહેણાંક અને વ્યાપારિક હેતુ માટે વપરાતી આ ઇમારતનો મોટો ભાગ નાશ પામ્યો હતો. ફાયર બ્રિગેડે ગ્રાઉન્ડ ફ્લોર પરની મુખ્ય ઇલેક્ટ્રિકલ પેનલને આગનું મૂળ કારણ ગણાવ્યું છે, જ્યાં પરિવારની ત્રણ પેઢીથી ચાલતી જ્વેલરીની દુકાનો આવેલી છે, જેમાંથી એક 1906થી કાર્યરત હતી.
ફાયર સર્વિસના ડીજી વાય નાગી રેડ્ડીએ જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે નીકળેલી તણખી લાકડાના પેનલમાં ફેલાઈ અને એસીના કોમ્પ્રેસર યુનિટમાં વિસ્ફોટ થયો, જેના કારણે આગ વધુ ભયાનક બની. તેમણે વધુમાં જણાવ્યું કે ઇમારતમાં માત્ર એક જ પ્રવેશ અને બહાર નીકળવાનો સાંકડો રસ્તો હોવાથી અને સીડી પણ સાંકડી હોવાથી લોકો બહાર નીકળી શક્યા નહીં અને ધુમાડાના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ.
બચાવ કામગીરી માટે 11 ફાયર એન્જિન, એક ફાયર ફાઇટિંગ રોબોટ અને 70 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને સમયસર પહોંચીને આગ બુઝાવી દેવામાં આવી હતી. દુર્ઘટનામાં અસરગ્રસ્ત થયેલા 17 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ કોઈને બચાવી શકાયા નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને પ્રત્યેક મૃતકના પરિવારજનોને અનુક્રમે 2 લાખ અને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
સોલાપુરની સેન્ટ્રલ ટેક્સટાઇલ કંપનીમાં વહેલી સવારે 3.30 થી 4 વાગ્યાની વચ્ચે લાગેલી આગનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. મૃતકોમાં માલિક ઉસ્માન મન્સુરીના પરિવારના ચાર અને ત્યાં રહેતા એક કામદારના પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. મુખ્ય પ્રવેશદ્વાર પાસે ધાર્મિક બાંધકામને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી હતી. ફાયર ફાઇટરોએ સીડી અને પાછળની દિવાલ તોડીને પ્રવેશ કર્યો અને ત્રણ લોકોને જીવતા બચાવ્યા, પરંતુ ગાઢ ધુમાડો અને જ્વાળાઓને લીધે વધુ લોકોને બચાવી શકાયા નહીં. આગમાં ત્રણ ફાયર ફાઇટરોના હાથ અને ચહેરા પણ દાઝી ગયા હતા. લાંબા પ્રયત્નો બાદ આઠ મૃતદેહો મળી આવ્યા. મિલકતનું અંદાજિત નુકસાન રૂ. 1 કરોડ છે અને આગ લાગ્યા પહેલાં રહેવાસીઓએ જોરદાર અવાજ સાંભળ્યો હતો. આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં અને બચાવ કામગીરી પૂરી કરવામાં 12 કલાકથી વધુ સમય લાગ્યો હતો.
આગથી બચાવવા ચાર બાળકોને બાથમાં લઈને બેઠેલ ી‘ર્માં ’ના મૃતદેહે હૃદય કંપાવ્યું !!
હૈદરાબાદમાં ગુલઝાર હૌઝમાં રવિવારે લાગેલી આગની ભયાનકતાનું વર્ણન કરતાં સ્વયં સેવકોએ જણાવ્યું કે તેમણે એક વૃદ્ધ મહિલાને ચાર મૃત બાળકોને ગળે લગાવેલી હાલતમાં જોઈ, જે દર્શાવે છે કે તેણીએ બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હશે. સ્વયંસેવક મીર ઝાહિદે જણાવ્યું કે મહિલાએ ટોર્ચ ચાલુ રાખીને મોબાઇલ પકડ્યો હતો, જે સૂચવે છે કે ધુમાડાને કારણે તે જોઈ શકતી નહોતી. સાથી સ્વયંસેવક મોહમ્મદ અઝમતે આ દ્રશ્યને અસહ્ય ગણાવ્યું અને જણાવ્યું કે તે ક્ષણે તેમને ખબર પડી ગઈ હતી કે કોઈ બચશે નહીં. તેમને તે જ રૂમમાં બીજા બે મૃતદેહ પણ મળ્યા હતા. આ દર્દનાક દ્રશ્ય આગની ભયાનકતા અને તેમાં ફસાયેલા લોકોની લાચારીની સાક્ષી પૂરે છે.