Abtak Media Google News

અબતક, નવી દિલ્હી :

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા યુપીમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું ધરી દીધુ છે. સ્વામી પ્રસાદ મૌર્યનું કેબિનેટમાંથી રાજીનામું આપવું એ ભાજપ માટે મોટા આંચકા સમાન છે. મળતી માહિતી મુજબ સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપનો સાથ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

સ્વામી પ્રસાદ મૌર્યએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘દલિતો, પછાતો, ખેડૂતો, બેરોજગાર, યુવાઓ અને નાના લઘુ તથા મધ્યમ શ્રેણીના વેપારીઓ માટે ઘોર ઉપેક્ષાત્મક વલણના કારણે ઉત્તર પ્રદેશના યોગી મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું.’

યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલેલા રાજીનામા પત્રમાં સ્વામી પ્રસાદ મૌર્યએ લખ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મંત્રિમંડળમાં શ્રમ અને સેવાયોજન તથા સમન્વય મંત્રી તરીકે વિપરિત પરિસ્થિતિઓ તથા વિચારધારામાં રહીને પણ ખુબ જ મનોયોગ સાથે જવાબદારી નીભાવી છે. પરંતુ દલિતો, પછાતો, ખેડૂતો બેરોજગાર યુવાઓ તથા નાના- લઘુ તથા મધ્યમ શ્રેણીના વેપારીઓ માટે ઘોર ઉપેક્ષાત્મક વલણના કારણે ઉત્તર પ્રદેશના મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું.

સ્વામી પ્રસાદ મોર્યએ કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે તેમની સાથે એક તસવીર શેર કરીને લખ્યું કે સામાજિક ન્યાય અને સમતા-સમાનતાની લડત લડનારા લોકપ્રિય નેતા શ્રી સ્વામી પ્રસાદ મૌર્યજી અને તેમની સાથે આવનારા અન્ય તમામ નેતાઓ, કાર્યકરો અને સમર્થકોનું સપામાં સહસન્માન હાર્દિક સ્વાગત અને અભિનંદન. સામાજિક ન્યાયનો ઈન્કલાબ થશે. બાવીસમાં બદલાવ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.