Abtak Media Google News

હજારથી વધુ કલાકારોએ બે દિવસીય  કાર્યક્રમમાં કર્યું કલા પ્રદર્શન

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ગીર સોમનાથ સંચાલિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રભાસ પાટણ સેન્ટમેરી હાઈસ્કૂલ ખાતે સાંસદ  રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને દબદબાભેર પ્રારંભ થયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ  રામીબહેન વાજાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બે દિવસ ચાલનારા આ કલા મહાકુંભમાં આશરે 1000 કરતા વધુ કલાકારો પોતાનું હીર ઝળકાવશે. કલા મહાકુંભમાં શણગારાયેલો સેલ્ફી ઝોન પણ કલાકારો અને કલાપ્રેમી જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

Kala Mahakumbh 2

સૌ પ્રથમ જિલ્લા કક્ષાએ અનેક પારિતોષિક મેળવી ચૂકેલા સેન્ટમેરી સ્કૂલના બેન્ડની મનમોહક સૂરાવલીથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પછી સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પ્રેરક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે, કલા અને સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે અને નવી પેઢીમાં આ વારસાનું સિંચન થાય તે માટેનો આ કાર્યક્રમ છે. દુર-સુદુરના ગામડાઓમાં ધરબાઈ ગયેલી પ્રતિભાઓને બહાર લાવવાની અમૂલ્ય તક આ કલા મહાકુંભ આપે છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટેનો આ સરકારનો નમ્ર પ્રયાસ છે.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાએ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર કરતા કહ્યું હતું કે, શક્તિ, સામર્થ્ય અને સાધનાનો સરવાળો એટલે કલા મહાકુંભ. શિક્ષણ ઉપરાંતની વિદ્યાર્થીઓમાં છૂપાઈ રહેલી ઈત્તર પ્રવૃત્તિ બહાર આવે તે માટેનો આ પ્રયાસ છે. વિવિધ કલાકારોના પ્રદર્શન વડે નવી પેઢીને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને વારસા વિશેની સમજ આ કલા મહાકુંભ આપે છે.

Kala Mahakumbh 6

જ્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી મકવાણા સાહેબે કહ્યું હતું કે, કલા મહાકુંભનો મુખ્ય હેતુ જાગૃતિ પ્રતિભાશોધ અને યોગ્ય તક આપવાનો તેમજ સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ કરવાનો છે. આ માટે જ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ કલાકારોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવી યોગ્ય પ્રતિભાઓને શોધી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આ સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

કલા મહાકુંભના પ્રથમ દિવસે લોકનૃત્ય. રાસ, ગરબા, સમૂહગીત, વકૃત્વ સ્પર્ધા, નિબંધ, ચિત્રકલા, વેસ્ટમાંથી બેસ્ટ સર્જનાત્મક કારીગરી, ભરતનાટ્યમ, કથ્થક, લોકવાર્તા તેમજ દુહા,છંદ અને ચોપાઈ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે રાજ્યકક્ષાએ સંગીત, નૃત્ય, વાદન, અભિનયની કુલ 37 કૃતિઓનું આયોજન છે. જ્યારે તાલુકાકક્ષાએ 14 કૃતિઓ અને પ્રદેશકક્ષાની 7 કૃતિઓનું આયોજન થશે.

આ કલા મહાકુંભના કાર્યક્રમને જિલ્લા વિકાસ અધિકારી  રવિન્દ્ર ખતાલે, રમતગમત અધિકારી શ્રી વિશાલ દિહોરા, સીનિયર કોચ કાનજીભાઈ ભાલિયા તેમજ નિર્ણાયક ઓ ઉપરાંત ગીર સોમનાથની કલાપ્રેમી જનતાએ પણ બહોળી સંખ્યામાં મનભરીને માણ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.