Abtak Media Google News

આવક અને જમીનના દસ્તાવેજની ચકાસણીમાં હેરાનગતિ ન કરવાના બદલામાં રૂ.૬.૫૦ લાખની માંગણી કરી

નોટબંધી બાદ પેટ્રોલ પંપમાં જુનીનોટનું ચલણ ચાલતું હોવાથી પેટ્રોલ પંપના સંચાલકોએ મોટી ગરબડ કરી હોવાથી રાજયભરમાં પેટ્રોલ પંપ પર ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્વેને કામગીરી ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના લીંબડી ગામના પેટ્રોલ પંપના સર્વે દરમિયાન ઇન્કમટેક્ષ વિભાગના અધિકારી દ્વારા હેરાનગતિ ન કરવામાં આવે તે માટે રૂ.૬.૫૦ લાખની માગણી કર્યા બાદ રૂ.૮૦ હજારની લાંચ ઇન્કમટેકસ વિભાગના અધિકારી વતી સ્વીકારતા સીએને એસીબી સ્ટાફે ઝડપી લીધો છે.

ઝાલોદ તાલુકાના લીંબડી ગામે મહેશકુમાર રમણલાલ મોરીના પેટ્રોલ પંપ પર ઇન્કમટેકસ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવાનું હોવાથી પેટ્રોલ પંપના જમીનના દસ્તાવેજની અને આવકની ગડબડ અંગે હેરાનગતિ ન કરવાના બદલામાં ઇન્કમટેકસ વિભાગના દિનેશ લખનલાલ મીનાએ રૂ.૬.૫૦ લાખની માગણી કરી હતી. મહેશકુમાર મોરીએ તે પેટે રૂ.૭૦ હજાર ચુકવી દીધા બાદ રૂ.૮૦ હજારનો બીજો હપ્તો ઇન્કમટેકસ વિભાગની કચેરી સીએ ભરતકુમાર કેદારમલ અગ્રવાલને આપવાનું નક્કી થયું હતું.

આથી મહેશકુમાર મોરીએ એસીબીમાં લાંચ અંગેની ફરિયાદ નોંધાવતા પી.આઇ. જે.એમ.ડામોર સહિતના સ્ટાફે દાહોદ ખાતે આવેલી ઇન્કમટેકસ વિભાગની કચેરીએ છટકુ ગોઠવ્યું હતું. મહેશભાઇ મોરી પાસેથી લાંચ સીએ ભરત અગ્રવાલને ૮૦ હજારની રોકડ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા અને તેની પૂછપરછ દરમિયાન તેને ઇન્કમટેકસ અધિકારી દિનેશ મીના વતી લાંચ સ્વીકારી હોવાની કબૂલાત આપી હતી. લાંચમાં અન્ય એક અજાણી વ્યક્તિ પણ સંડોવાયેલાનું બહાર આવતા તેની શોધખોળ હાથધરી છે. અને દિનેશ મીના સામે પણ લાંચ અંગેની કાર્યવાહી હાથધરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.