Abtak Media Google News

કેબિનેટમાં ડીએ વધારાને અપાઈ લીલીઝંડી : હવે 38 ટકા લેખે ડીએ મળશે

કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી આજે મોટી ભેટ મળી છે. મોદી કેબિનેટમાં જુલાઈ 2022 માટે મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી છે.હવે કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ વધીને 38 ટકા થઈ ગયો છે.

મોંઘવારી ભથ્થું 1લી જુલાઈ 2022થી લાગુ થશે. એટલે કે જુલાઈથી જ કેન્દ્રીય કર્મચારીઓને 38 ટકા ડીએનો લાભ મળશે. આ માટે 2 મહિના (જુલાઈ અને ઓગસ્ટ)નું ડીએ એરિયર પણ આપવામાં આવશે.  અગાઉ, સરકારે માર્ચ 2022 માં ડીએમાં વધારાને મંજૂરી આપી હતી, જે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થુ વધારશે. પ્રથમ જાન્યુઆરીથી અને બીજી જુલાઈથી લાગુ થશે.

7માં પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ ઉપરાંત પેન્શનધારકોને પણ મોંઘવારી રાહતનો લાભ મળશે.  કેન્દ્રીય પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો જેટલો જ લાભ મળે છે. તેમના માટે મોંઘવારી રાહતમાં પણ 4 ટકાનો વધારો થયો છે. હવે પેન્શનધારકોને પણ 38 ટકાના દરે પેન્શન મળશે. જો કોઈનું પેન્શન 20,000 રૂપિયા છે, તો 4 ટકાના દરે, તેનું પેન્શન એક મહિનામાં 800 રૂપિયા વધી જશે.

આજે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ડીએ વધારવાનો નિર્ણય લેવાનાર હોય, કર્મચારીઓ આતુરતા પૂર્વક તેની મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા. ડીએ વધારા માટે કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

કોરોના રોગચાળા દરમિયાન, સરકારે લગભગ 29 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી અને તે દરમિયાન ભંડોળના અભાવને કારણે કર્મચારીઓનું ડીએ બંધ કરી દેવામાં આવ્યું હતું.  સરકારી કર્મચારીઓને 18 મહિનાથી મોંઘવારી ભથ્થું આપવામાં આવ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.