Abtak Media Google News

 

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનનું એલાન : માર્જીન વધારાની માંગ સાથે કાલે બપોરે બે કલાક સીએનજીનું વેંચાણ બંધ

ચૂંટણીના વર્ષમાં ઉઘરાણીવાળાઓ સરકારને પજવશે : હજુ અનેક સંગઠનો મેદાને ઉતરશે

અબતક, રાજકોટ :

ચૂંટણીના વર્ષમાં ઉઘરાણીવાળાઓએ સરકારને પજવવાનું શરૂ કરી દીધુ છે. એક પછી એક સંગઠનો પોતાની પડતર માંગણીઓને લઈને મેદાનમાં ઉતરશે. જો કે આની શરૂઆત થઈ ગઈ છે. સીએનજી પંપો અને સસ્તા અનાજના પરવાનેદારોએ ખાંડા ખખડાવ્યા છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનનું એલાન કર્યું છે કે માર્જીન વધારાની માંગ સાથે કાલે બપોરે બે કલાક સીએનજીનું વેંચાણ બંધ રાખવામાં આવશે. આ સાથે સસ્‍તા અનાજના દુકાનદારોએ ફરી લડતનું બ્યુન્ગલ ફુંકયુ છે. જેમાં 3 માંગણી સાથે શનિવારે રાજયવ્‍યાપી પ્રતિક હડતાલ જાહેર કરવામાં આવી છે.

ઓઈલ કંપનીઓ દ્વારા છેલ્લા અઢી વર્ષથી સીએનજીનાં વેંચાણ બદલ ડિલરોને ચૂકવવામાં આવતા કમિશનમાં કોઈજ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. એસોસીએશન દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં ઓઈલ કંપનીઓનાં પેટનું પાણી પણ હલતુ નથી આવામાં ફરી એક વખત ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશન દ્વારા આવતી કાલે ગૂરૂવારે બપોરે 2 કલાક સુધી રાજય ભરમાં સીએનજીનું વેંચાણ બંધ રાખવામાં આવશે તેવી ઘોષણા કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠકકરે જણાવ્યું હતુ કે, ઓઈલ કંપનીઓ દ્વારા સીએનજીનું ડીલર માર્જીન તા.1.7.2019ના રોજ વધારવાનું નકકી કરવામાં આવ્યું હતુ જેને આજે 30 મહિના વીતી ગયા હોવા છતાં ડીલરના માર્જીનમાં એક પૈસાનો પણ વધારો કરવામાં આવ્યો નથી. હાલ પ્રતિ કિલો સીએનજીનાં વેંચાણ બદલ ડીલરોને 1 રૂપીયો અને 70 પૈસા કમિશન ચૂકવવામાં આવે છે.

જે વધારીને બે રૂપીયા અને 50 પૈસા કરવા માટે ઓઈલ કંપનીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. છતા ઓઈલ કંપનીઓ દ્વારા ડિલરોની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નથી.જેના કારણે હવે સીએનજી પંપના સંચાલકો દ્વારા ના છૂટકે આંદોલન શરૂ કરવાનું નકકી કરવામાં આવ્યું છે.આવતીકાલે ગુરૂવારે રાજયનાં તમામ 1200 સીએનજી પંપ બપોરે 1 થી 3 વાગ્યા સુધી એમ બે કલાક સીએપનજીનું વેંચાણ બંધ રાખશે આ આંદોલનથી ગ્રાહકોને જે તકલીફ પડશે તેની જવાબદારી ઓઈલ કંપનીઓની રહેશે નનો સેલથ આંદોલન અંગે ત્રણેય ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ અને ભારત પેટ્રોલીયમને જાણ કરી દેવામાં આવી છે.ઓઈલ કંપનીઓ દ્વારા ક્રુડ બેરેલના ભાવ વધતા ગમે ત્યારે સીએનજીની કિંમતોમાં વધારો કરી દેવામાં આવે છે. પરંતુ ડિલરોના માર્જીનમાં અઢી વર્ષથી કોઈ જ પ્રકારનો વધારો કરવામાંઆવ્યો નથી.

ડિલરોના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં હવે સીએનજીનાં વેંચાણ બદલ અપાતુ માર્જીન ખૂબજ ઓછું પડી રહ્યું છે. જેના કારણે હવે આંદોલનનું હથીયાર ઉપાડવામાં આવ્યું છે. જો કાલે બે કલાક સીએનજીનું વેંચાણ બંધ રાખ્યા બાદ પણ માર્જીનમાં વધારો કરવામા નહી આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ વેગવાન બનાવવાની પણ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ પણ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશન દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં માર્જીન વધારવાની માંગણી સાથેના પરચેજ આંદોલન ચલાવ્યું હતુ હવે સીએનજીમાં કમિશન વધારવાની માંગણી સાથે કાલે બપોરે બે કલાક સીએનજીનું વેચાણ બંધ રાખવામાં આવશે.

સસ્‍તા અનાજના દુકાનદારોએ ફરી લડતનું બ્યુન્ગલ ફુંકયુ : 3 માંગણી સાથે શનિવારે રાજયવ્‍યાપી પ્રતિક હડતાલ જાહેર

રાજયભરના સસ્‍તા અનાજના દુકાનદારોએ લડતનું એલાન આપ્યું છે. મહત્‍વના ૩ મુદા તથા અન્‍ય માંગણીઓ સાથે ૧૯ મીએ શનિવારે રાજયવ્‍યાપી ૧ દિ’ની પ્રતિક હડતાલનું એલાન આપ્‍યું છે. જુનાગઢમાં દુકાનદારોનું સંમેલન મળ્‍યું હતું. અને તેમાં નવા હોદેદારોની વરણી સાથે લડતનું નકકી કરાયું હતું. કોરોનાને કારણે સસ્‍તા અનાજના કુલ ૬૮ દુકાનદારોના કરૂણ મોત થયા છે, તેમાંથી માત્ર પ ને સહાય મળી છે, ૬૩ દુકાનદારો બાકી છે. હડતાલમાં આ મુખ્‍ય મુદો છે, આ ઉપરાંત ગોડાઉનથી અપૂરતો આવતો માલ, તથા તુટેલા બારદાનને કારણે આવતા જથ્‍થામાં ઘટ પડતી હોવાની અને આ ઘટ પહેલા અપાતી પરંતુ હવે તે બંધ કરાઇ હોય તે અંગે પણ લડત છે. આ ઉપરાંત સર્વર નિયમીત ચાલે, ખાંડના જથ્‍થાનું રિફંડ સીધુ વેપારીના ખાતામાં જમા કરવામાં આવે, તથા એક કરતા વધુ દુકાન હોય ત્‍યાં સમાન કાર્ડ રાખવાનો મુદો પણ લડતમાં આવરી લેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.