સૂર્યના ઉગ્ર તાપમાં લૂથી બચવા ડુંગળીનું સેવન વધારો

ડુંગળી શરીરની સાતેય ધાતુઓને બળ આપી થાક દૂર કરે છે, પાચન શકિત વધારે છે

લગભગ દરેક લોકો ડુંગળી ખાતા જ હોય છે. સલાડના રૂપમાં ખવાતી ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે. કાચી ડુંગળીમાં સલ્ફર તત્વ અને જરૂરી વિટામીન હોય છે. ડુંગળીનો વપરાશ રસોડામાં બનતી વિવિધ વાનગીઓમાં પણ મોટા પ્રમાણમાં કરવામાં આવતો હોય છે. નિયમિત ડુંગળી ખાવાથી ઘણા રોગો દૂર થાય છે. ખાસ કરીને હાલ ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે. ત્યારે ઉગ્ર તાપમાં લૂ થી બચવા ડુંગળી ખાવી ખૂબ ફાયદાકારક છે.

ડુંગળી ખાવાથી લૂ નથી લાગતી સાથે સૂર્યના ઉગ્ર તાપની શરીર પર માઠી અસર પણ નથી થતી. ડુંગળીનો શ્રેષ્ઠ આહારમાં સમાવેશ કરાયો છે. શિયાળામાં તે શરીરને પોષણ આપે છે. ચોમાસામાં આહારના પાચનમાં સહાય કરે છે. આ રીતે ડુંગળી દરેક ઋતુમાં એકસરખી રીતે ઉપયોગી છે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ ડુંગળી અત્યંત ગુણકારી છે. ડુંગળી શરીરની સાતેય ધાતુઓને બળ આપી થાક દૂર કરે છે. અને પાચન શકિત વધારે છે. ડુંગળી કેન્સર સામે રક્ષણ આપે છે. ડાયાબીટીસ માટે ફાયદાકારક તેમજ હૃદયની સુરક્ષા કરે છે.

 

શા માટે ડુંગળી સાથે દુધ કે ગોળ ન લેવા જોઈએ?

દરેક લોકો કહેતા હોય છે કે ડુંગળી સાથે દુધ કે ગોળ લેવા ન જોઈએ પરંતુ તેનું કારણ એ છે કે તે વિરૂધ્ધ આહાર છે. જો ખોરાક યોગ્ય રીતે સમજણપૂર્વક ન લેવામા આવે તો રાસાયણિક વિકૃતીઓ પેદા થાય અને આપણુ શરીર અવનવા રોગોનું ઘર બને છે. વિરૂધ્ધ આહાર ગણાતા ડુંગળી સાથે દુધ કે ગોળ ખાવાથી રકતપિત, વિસર્પ, ઉદરરોગ અને ગળાના રોગો થાય છે.