Abtak Media Google News

લોકોની નાણાકિય ખેંચ દુર કરવા બેંક સોના ઉપર ૯૦ ટકા લોન આપશે: ૧૫ ટકાનો વધારો કરાયો

વૈશ્વિક મહામારી બાદ વિશ્વ આખાનું અર્થતંત્ર ડામાડોળ બન્યું છે તો બીજી તરફ ભારતને પણ તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે. આ તકે બજારમાં તરલતા લાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંક લોનને રીસ્ટ્રકચર કરવા માટેની મંજુરી આપી છે જેથી એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, રૂપિયાની લીકવીડીટી વધતાની સાથે જ સોનાનો ચળકાટ પણ વધશે. આરબીઆઈનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સોના પર જે ૭૫ ટકા લોન આપવામાં આવતી હતી તેમાં વધારો કરી સરકાર ૯૦ ટકા લોન આપશે. આ કાર્યથી લોકોની નાણાકિય ખેંચ પણ દુર થશે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વૈશ્ર્વિક મહામારીથી બચવા લોકોને લોનના હપ્તા ચુકવવામાંથી મુકિત આપતી યોજનાને ૬ ઓગસ્ટે બંધ કરી છે જેથી લોકોને ફરી સપ્ટેમ્બર માસથી હપ્તા ભરવા પડશે પરંતુ રીઝર્વ બેંકે તમામ લોકોને ધ્યાને લઈ અને જે યોગ્ય રીતે બેંકોની લોનના હપ્તા ભરતા હતા તેઓની લોનને રીસ્ટ્રકચર કરવાની માંગ કરી છે અને તે અંગેની મંજુરી પણ આપવામાં આવી છે.

લોન રીસ્ટ્રકચરીંગમાં પર્સનલ લોનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે નિષ્ણાંતોનાં જણાવ્યા મુજબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એમએસએમઈ અને કોર્પોરેટ લોનની સાથો સાથ પર્સનલ લોન માટેની જોગવાઈઓ પણ નકકી કરી છે જે લોન લેનાર લોકો ડિફોલ્ટર થયા છે તેઓને આ યોજનાનો લાભ મળશે નહીં. આરબીઆઈ દ્વારા વ્યકિતગત લોનમાં વન ટાઈમ રીસ્ટ્રકચરીંગને પણ મંજુરી આપી છે જોકે બેંકો અથવા નાણાકિય સંસ્થાઓ તેમના પોતાના સ્ટાફને અપાયેલી રીટેલ લોનનું રીસ્ટ્રકચરીંગ નહીં કરી શકે.

વૈશ્વિક મહામારી કોરોના જે રીતે વિશ્ર્વ આખાને હંફાવી રહ્યું છે ત્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોનાને ગીરવી મુકીને લોન લેવા માંગતા લોકોને મોટી ભેટ આપી છે જેથી હવે કોમર્શિયલ બેંકો સોનાના ધિરાણ ઉપર તેના મુલ્યનાં ૯૦ ટકા સુધીની લોન આપી શકશે. આ પૂર્વે તમામ બેંકો સોનાના મુલ્યનાં ૭૫ ટકા જેટલી જ લોન આપતા હોવાનું સામે આવ્યું હતું. હાલ બજારમાં જે તરલતાનો અભાવ જોવા મળી રહ્યો છે તેને દુર કરવા માટે બજારમાં તરલતા હોવી એટલી જ જરૂરી છે. જો તેને યોગ્ય રીતે ન્યાય આપવામાં નહીં આવે તો વિકાસલક્ષી યોજના થકી બજારમાં નાણા નહીં ફરે તો આવનારો સમય આર્થિક રીતે ખુબ જ ડામાડોળ થશે તેવી આશા પણ સેવવામાં આવી રહી છે. કોવિડ-૧૯નાં કારણે આવી પડેલા સંકટને પહોંચી વળવા માટે ઘણા લોકો ગોલ્ડ લોન લઈ રહ્યા છે. અત્યાર સુધી એક લાખ સોના ઉપર રૂા.૭૫ હજારની લોન લોકોને મળવાપાત્ર હતી પરંતુ હવે નવા નિયમો લાગુ પડતાની સાથે જ ૯૦ હજાર સુધીની લોન લોકોને મળવાપાત્ર રહેશે. નોન બેન્કિંગ ફાયનાન્સ કોર્પોરેશન તથા અનેકવિધ બેંકો સોના પર ધિરાણ આપી રહી છે તેમાં આઈસીઆઈસીઆઈ બેંક સોના પર ૧૦ હજારથી લઈ ૧ કરોડ સુધીનું ધિરાણ આપે છે તો બીજી તરફ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ૨૦ હજારથી માંડી ૨૦ લાખ રૂપિયાનું ધિરાણ આપે છે. અંતમાં મુથુટ ફાયનાન્સની વાત કરવામાં આવે તો મીનીમમ ૧૫૦૦ રૂપિયાની લોનથી શરૂઆત થઈ ત્યારે કોઈ લીમીટ હજુ સુધી બાંધવામાં આવી નથી. આપતિના સમયમાં લોકો માટે સૌથી વધુ ઉપયોગી અને કારગત હોય તો તે સોનું છે ત્યારે સોના પર સરકારે લોકોને વધુ લોન આપી બજારમાં તરલતા લાવશે જેના કારણે સોનાનાં ચળકાટમાં પણ વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.