ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી કોરોના સંક્રમિત

ભાજપના વધુ એક નેતા કોરોનાની ઝપટે

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતાની સાથે જ કોવિડના સંકજામાં સપડાયા: હોમ આઈસોલેશન હેઠળ

 

અબતક-રાજકોટ

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરે આરંભ સાથે જ ખળભળાટ મચાવવાનું શરૂ કરી દીધું છે. રાજકીય પક્ષોના નેતાઓને હવે કોરોના વળગી રહ્યો છે. ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી કોરોનાથી સંક્રમીત થયા છે. તેઓ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. યુપીના પ્રવાસેથી પરત ફરતાની સાથે જ તેઓ કોરોનાના સંકજામાં સપડાયા છે. હાલ હોમ આઇસોલેશન હેઠળ છે અને તેઓની તબીયત સારી હોવાનું જાણવા છે.

રાજકોટમાં ગત 31મીએ યોજાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના રોડ-શો બાદ રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. મુખ્યમંત્રીના રોડ-શોમાં હાજર રહેવા પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ ગત સપ્તાહે કોરોનાના સંકજામાં ઝડપાયા હતા. દરમિયાન તાજેતરમાં ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયેલા ગુજરાત મ્યુનીસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી યુપીના પ્રવાસેથી પરત ફરતાની સાથે જ તેઓને તાવ, શરદી-ઉધરસ જેવા કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. તેઓ હાલ હોમ આઇસોલેશન હેઠળ છે અને તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અગાઉ તેઓના સાથીદાર અને પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ પણ કોરોનાથી સંક્રમીત થયા છે અને હાલ હોમ આઇસોલેશન હેઠળ છે.

રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના રોડ-શો બાદ શહેરમાં કોરોના કેસમાં વધારો થયો છે. રોડ-શોમાં ઉપસ્થિત રહ્યા કેટલાક નેતાઓ અને કાર્યકરો કોરોનાથી સંક્રમિત થાય છે પરંતુ તેઓ મગનું નામ મરી પાડવાનું નામ લેતા નથી. મ્યુનીસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અલગ-અલગ બે તબક્કામાં 10-10 દિવસ માટે ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયા હતાં.

જ્યાં તેઓએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. પ્રથમવાર સાંગોપાંગ પરત ફર્યા બાદ બીજીવારના રાઉન્ડમાં તેઓને કોરોના વળગી ગયો છે.