૧૯મીએ ‘આપ’ની ૪૩૦૦૦ બુથો પર આઝાદી સભા

AAP | indepence meeting
`AAP | indepence meeting

૨૬મીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી મુખ્યમંત્રી વિજય રૂપાણીને લોક પ્રશ્ર્નો અંગે આવેદન આપશે: આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મ્હાત આપવા આમ આદમી પાર્ટીએ રણનીતિ ઘડી

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસન હેઠળ લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે તેવો આક્ષેપ આમ આદમી પાર્ટી લગાવી રહી છે. રાજકોટ-સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતભરમાં સરકારી નિયમોનો તંત્ર દ્વારા જ ઉલાળ્યો કરવામાં આવે છે. ત્યારે ગુજરાતની જનતાને સુશાસન આપવા આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી મેદાને ઉતરી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ગાંધીના ગુજરાતમાં લોકોને દયનીય પરિસ્થિતિમાં મુકયા છે.

ગુજરાતના ભાજપ રાજમાં થયેલા નલિયાકાંડના છાટા દેશભરમાં ઉડયા છે. ગુજરાતમાં દલિતો પર થયેલા અત્યાચાર, બેરોજગારી ઉપરાંત અન્ય અનેક સમસ્યા બાબતે ગુજરાત આમ આદમી પાર્ટી ૧૯મી માર્ચે ગુજરાતના ૪૩૦૦૦ બુથો પર આઝાદીસભા સંબોધશે. ત્યારબાદ ૨૬મી માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવીને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને લોકમાંગ પત્ર આપી લોકોના પ્રશ્ર્નો હલ કરવા આવેદન આપશે. ૧૯મીએ યોજાનાર સભા અંગે રાજકોટમાં ‘આપ’ના વિધાનસભાના કાર્યકરોની બેઠક મળી હતી. દિલ્હી ‘આપ’ના કેબિનેટ મંત્રી ગોપાલરાય અને ગુજરાતના પ્રભારી ગુલાબભાઈ યાદવની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કઈ રીતે મ્હાત આપવી તે અંગે રણનીતિ ઘડવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી રાજકોટના સંયોજક અજિત લોખીલે જણાવ્યું હતું કે ગુજરાત આમ આદમી પાર્ટીના હોદેદારોને તા.૨૬મીએ ગાંધીનગર ખાતે યોજાનાર રેલી અંગે શું રણનીતિ બનાવવી તે અંગે ચર્ચા કરાઈ હતી. ગુજરાતમાં નલિયાકાંડ, ખેડુતો પર થતા અત્યાચાર વિરોધમાં કેવી રણનીતિ ઘડવી તે અંગે ચર્ચા વિચારણા અંગે તેમના સુજાવ લેવા માટેની આજની મીટીંગ હતી. ૧૯ માર્ચે દરેક બુથ લેવલે આઝાદી સભા યોજાશે અને ૨૬મી માર્ચે મુખ્યમંત્રી સમક્ષ લોક માંગણી પત્ર રજુ કરશું. આમ આદમી પાર્ટીની વિચારધારાથી લોકો પ્રભાવિત છે. લોકોને આમ આદમી પાર્ટીથી ઘણી ઉમ્મીદો છે. એટલે આ વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાત ભારતીય જનતા પાર્ટીને જરૂરથી મ્હાત આપશે.

દિલ્હી આમ આદમી પાર્ટીના કેબિનેટ મંત્રી ગોપાલરાયે જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનો માહોલ છે. તેનાથી ગુજરાતના લોકોને આઝાદ કરાવવા આમ આદમી પાર્ટીએ અભિયાન છેડયું છે. ગુજરાત રાજયની ૧૮૨ વિધાનસભાના આમ આદમી પાર્ટીના પ્રભારી અહીં ઉપસ્થિત છે. તેઓ બધા સાથે મળીને ગુજરાતમાં વિધાનસભા અને લોકસભાની ચુંટણીમાં ભાજપને મ્હાત આપવાની રણનીતિ ઘડશે. હાલ દેશના પાંચ રાજયોની ચુંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તેમાં પરીણામ જ ભાજપ માટે કપરા સાબિત થશે. રાજકોટ મહાત્મા ગાંધીજીની કર્મભૂમી રહી છે. સેવાએ તેમનો ધર્મ હતો પરંતુ હાલ તેમની જ કર્મભૂમીમાં તબીબી સારવાર, શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે. લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ખેડુતોને ઉભા પાકનો પુરો ભાવ મળતો નથી. હાલના નલીયા દુષ્કર્મ કાંડ દેશભરમાં ભારતીય જનતા પાર્ટીની છબીને ખરડાવી છે. સૌરાષ્ટ્રમાં દલિતો પર જે રીતે અત્યાચાર કરવામાં આવ્યા છે. તેને ધ્યાને લેતા અમારી લોકોને અપીલ છે કે ગુજરાત રાજકીય બદલાવ માંગી રહ્યો છે. જો બદલાવ થાશે તો દરેક સમસ્યાનું ચોકકસ નિવારણ આવશે. ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠન કાર્યકર ગુલાબસિંઘે જણાવ્યું હતું કે ૨૬ માર્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વિશાળ જનસભાને સંબોધન કરશે. તેમની તૈયારી સંદર્ભે આજે ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભાની સીટના આમ આદમી પાર્ટીના પ્રભારીઓને બોલાવવામાં આવ્યા છે. તમામ ૧૮૨ વિધાનસભાના ઈન્ચાર્જ, ઓબ્ઝર્વર, સચિવ તથા અન્ય સભ્યો અહીં ઉપસ્થિત છે. આપ ધોળકાના યોગેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે હાલ ગુજરાતની જે દયનીય પરિસ્થિતિ છે તેમાં ભાજપ કોંગ્રેસનો સંયુકત ફાળો છે. ગુજરાતમાં કંઈક બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીએ આજે તમામ વિધાનસભાના સભ્યોને બોલાવ્યા છે.