Abtak Media Google News

મોસ્કોમાં આજે 10 દેશોની મહત્વપૂર્ણ બેઠક : અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ઉપર ચર્ચા-વિચારણા થશે અને તાલિબાન તેમના વચનો પુરા કરે તેના ઉપર ભાર મુકાશે

અબતક, નવી દિલ્હી : રશિયાએ આજે અફઘાનિસ્તાન ઉપર બેઠક બોલાવી છે. જેમાં ભારત પણ હાજરી આપવાનું છે. આ બેઠકમાં તાલિબાન પોતાના વચનો પુરા કરે તે માટે વિશેષ ભાર આપવામાં આવનાર છે. બીજી તરફ ભારતે અફઘાનિસ્તાનમાં લોકોની સરકાર બને તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે તે જ દિશામાં ચાલવા રશિયાએ પણ સુર પુરાવ્યાં છે.

અફઘાનિસ્તાન મુદ્દે મોસ્કોમાં યોજાનારી બેઠકમાં 10 દેશોના પ્રતિનિધિઓ અને ઉચ્ચ સ્તરીય તાલિબાન પ્રતિનિધિમંડળ ભાગ લેશે. રશિયાએ આજે બુધવારે બેઠક બોલાવી છે. તે અફઘાનિસ્તાનમાં લશ્કરી અને રાજકીય પરિસ્થિતિ, એક સર્વસમાવેશક સરકારની રચના અને દેશને માનવીય સંકટમાંથી બચાવવા આંતરરાષ્ટ્રીય પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવશે.

રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, 20 ઓક્ટોબરે અફઘાનિસ્તાન પર વાતચીત માટે મોસ્કો ફોર્મેટની ત્રીજી બેઠક મળશે. એવી અપેક્ષા છે કે, તેમાં આ ક્ષેત્રના 10 દેશોના પ્રતિનિધિઓ તેમજ અફઘાનિસ્તાનનું પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિમંડળ સામેલ થશે. રશિયન વિદેશ મંત્રી લવરોવ પ્રતિનિધિઓને સંબોધિત કરશે. બેઠક દરમિયાન અફઘાનિસ્તાનમાં લશ્કરી-રાજકીય પરિસ્થિતિના વિકાસ અને સમાવેશી સરકારની રચનાની સંભાવનાઓ અંગે ચર્ચા કરવાનું આયોજન છે.

વિદેશ મંત્રાલયે કહ્યું, ‘બેઠકમાં તમામ પ્રતિનિધિઓ આ દેશમાં માનવીય કટોકટી રોકવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયત્નોને મજબૂત કરવાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. એક સંયુક્ત નિવેદન અપનાવવાનું આયોજન છે. જ્યારે તાલિબાન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વચગાળાની અફઘાન સરકારના નાયબ વડાપ્રધાન અબ્દુલ સલામ હનાફી કરશે.

આ માહિતી અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ કહાર બલ્ખીએ ટ્વિટર પર આપી હતી. બાલ્ખીના નિવેદન મુજબ તાલિબાન પ્રતિનિધિઓ મોસ્કોની મુલાકાત દરમિયાન વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે સામાન્ય હિતના મુદ્દાઓ પર વાતચીત કરશે.

મોસ્કો ફોર્મેટની શરુઆત વર્ષ 2017 માં છ પક્ષોના મિકેનિઝમના આધારે શરૂ થયું હતું. જે અંતર્ગત રશિયા, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન, ઈરાન અને ભારતના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે પરામર્શ યોજાય છે. બીજી બાજુ ભારતે પણ પુષ્ટિ કરી છે કે, તે મંત્રણામાં ભાગ લઈ રહ્યો છે. વિદેશ મંત્રાલયે એક દિવસ પહેલા જણાવ્યું હતું કે, ભારતને 20 ઓક્ટોબરે અફઘાનિસ્તાન મોસ્કો ફોર્મેટની બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમાં ભાગ લેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.