ત્રીજી વન ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું : ઓસ્ટ્રેલિયા સિરીઝ જીત્યું 

ભારતે ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યુ છે. શ્રેણીમાં 2-1 સુધી પહોંચી શકાયું છે. અગાઉની બે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને કચડ્યું હતું. ભારતના 302 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની ટિમ 3 બોલ બાકી હતા ત્યાં ઓલાઉટ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે પોતાના વનડે કરિયરની 22મી ફિફટી ફટકારતા 38 બોલમાં 3 ફોર અને 4 સિક્સની મદદથી 59 રન કર્યા હતા. તેમજ એસ્ટન અગર સાથે સાતમી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. મેક્સવેલને બુમરાહે બોલ્ડ કર્યો હતો. એલેક્સ કેરી વિરાટ કોહલી/ લોકેશ રાહુલ દ્વારા રનઆઉટ થયો હતો. તેણે 42 બોલમાં 4 ફોરની મદદથી 38 રન કર્યા હતા.

આરોન ફિન્ચે શાનદાર બેટિંગ કરતા પોતાના વનડે કરિયરની 29મી ફિફટી મારી હતી. તે જાડેજાની બોલિંગમાં લોન્ગ-ઓન પર ધવનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 82 બોલમાં 7 ફોર અને 3 સિક્સની મદદથી 75 રન કર્યા હતા.

મોઝેઝ હેનરિક્સ શાર્દુલ ઠાકુરની બોલિંગમાં મીડવિકેટ પર ધવનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 31 બોલમાં 3 ફોરની મદદથી 22 રન કર્યા હતા. તે પહેલાં સ્ટીવ સ્મિથ શાર્દુલ ઠાકુરની બોલિંગમાં ડાઉન ધ લેગ કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 15 બોલમાં 7 રન કર્યા હતા.

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં કેનબરા ખાતે 50 ઓવરમાં 5 વિકેટે 302 રન કર્યા હતા. ભારત માટે હાર્દિક પંડ્યા (92*), રવિન્દ્ર જાડેજા (66*) અને વિરાટ કોહલી (63) એ ફિફ્ટી મારી. હાર્દિક અને જાડેજાએ 108 બોલમાં 150 રનની ભાગીદારી કરી, બંનેએ છેલ્લી સાત ઓવરમાં 93 રન ફટકાર્યા. ઓસ્ટ્રેલિયા માટે એસ્ટન અગરે 2 વિકેટ લીધી. જ્યારે એડમ ઝામ્પા, સીન એબોટ અને જોશ હેઝલવુડે 1-1 વિકેટ લીધી.