Abtak Media Google News

ભારતે રોહિત શર્માની વિકેટ ગુમાવી: શુભમનગીલ અને ચેતેશ્વર પુજારા દાવમાં

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટમાં મહેમાન ટીમ ઓસ્ટ્રેલીયાના જંગી સ્કોર સામે ભારતે વળતી લડત આપી રહ્યું છે. જો ભારત પ્રથમ દાવમાં લીડ મેળવી લેશે તો ટેસ્ટ જીતવાના ચાન્સીસ વધી જશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં પ્રવેશ મેળવી શકશે.

ભારતના બન્ને ઓપનર મક્કમતાપૂર્વક ઓસી બોલરોનો સામનો કર્યો હતો. ચોથી ટેસ્ટ ડ્રોમાં પરિણમે તેવી શક્યતાઓ વધી રહી છે. ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાના સુકાની સ્ટીવન સ્મીથે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર ઉસ્માન ખ્વાજા ઉપરાંત કેમરૂન ગ્રીનની સદીની મદદથી ઓસ્ટ્રેલીયાની ટીમે પ્રથમ દાવમાં 480 રનનો તોતીંગ જુમલો ખડક્યો હતો. ભારતવતી રવિચંદ્રન અશ્ર્વિને 6, મહમદ શામીએ બે, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે એક-એક વિકેટ ખેડવી હતી. ટેસ્ટના બીજા દિવસે ભારતની ટીમે વિના વિકેટે 36 રન બનાવી લીધા હતાં.

આજે બન્ને ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલે ત્રીજા દિવસની રમત ધપાવી હતી. ટીમનો સ્કોર 74 રને પહોંચતા ભારતની પ્રથમ વિકેટ રોહિત શર્માના રૂપમાં પડી હતી. રોહિત 35 રન બનાવી આઉટ થયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે ભારતે એક વિકેટ ગુમાવી 74 રન બનાવી લીધા છે અને હજી ઓસ્ટ્રેલીયાની ટીમથી 406 રન પાછળ છે.આજે મેચનો ત્રીજો દિવસ છે. જે રિતે પીચનો મિજાજ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ચોથી ટેસ્ટ ડ્રોમાં પરિણમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.