ભારત પાસે મજબૂત વિદેશી મુદ્રાભંડાર, દેશ આગામી 5થી 6 વર્ષમાં તમામ જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ : પિયુષ ગોયલ

સરકારના પ્રયાસોથી ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ મળી, રિઝર્વ બેંકે છેલ્લી નાણાકીય સમીક્ષા બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો તે રાહતની વાત

ભારત પાસે મજબૂત વિદેશી મુદ્રા ભંડાર છે.  વિદેશી હૂંડિયામણ ભંડાર સૌથી ખરાબ સંજોગોમાંથી પસાર થઈને આગામી પાંચ-છ વર્ષમાં દેશની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા સંતોષકારક સ્થિતિમાં છે. તેમ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જાહેર કર્યું છે.

ભારતીય રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, 12 મે, 2023ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 3.55 બિલિયન ડોલરના ઉછાળા સાથે 599.53 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. આરબીઆઇના ફોરેક્સ રિઝર્વમાં છેલ્લા બે સપ્તાહમાં 11.7 બિલિયન ડોલરનો વધારો થયો છે.  અગાઉ, 5 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડાર 595.97 બિલિયન ડોલર હતો.

કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના વાર્ષિક સત્રને સંબોધતા ગોયલે કહ્યું કે સરકારના પ્રયાસોથી ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ મળી છે.  તેમણે કહ્યું કે મને ખુશી છે કે રિઝર્વ બેંકે આને ‘માન્યતા’ આપતાં છેલ્લી નાણાકીય સમીક્ષા બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

વિદેશી મુદ્રા ભંડાર વિશે વાત કરતા ગોયલે કહ્યું કે આપણી પાસે મજબૂત વિદેશી મુદ્રા ભંડાર છે.  આજે, તેના વિદેશી હૂંડિયામણના ભંડારને લીધે, ભારત સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ આગામી પાંચ-છ વર્ષની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંતોષકારક સ્થિતિમાં છે.  તેમણે કહ્યું કે દુનિયામાં અન્ય કોઈ વિકાસશીલ દેશ આટલી સારી સ્થિતિમાં નથી.  આ પ્રથમ વખત છે જ્યારે વેપારીઓ વિકસિત દેશોની સમકક્ષ વ્યાજ દરો જોઈ રહ્યા છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ કહ્યું કે, ઉદ્યોગોને ગુણવત્તા, નવીનતા અને કુશળ માનવબળ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કરવું જોઈએ.  મારું માનવું છે કે આ રોકાણ માટે, વૃદ્ધિ માટે અને આપણી આંતરરાષ્ટ્રીય પહોંચને વિસ્તારવા, ટેક્નોલોજી લાવવા, દેશમાં નવીનતા લાવવાની તક છે.

તેમણે વધુમાં કહ્યું કે ભારતના વેપારી ભાગીદારો ઈચ્છે છે કે ભારત મુક્ત વેપાર કરારો પર ઝડપથી વાટાઘાટો કરે.  હાલમાં ભારત કેનેડા, યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન, યુકે અને યુરોપિયન યુનિયન  સાથે આવા કરારો પર વાટાઘાટો કરી રહ્યું છે.

દેશની નિકાસ 2030 સુધીમાં 2 ત્રિલિયન ડોલરે પહોંચશે

પિયુષ ગોયલે કહ્યું કે આ વૈશ્વિક વ્યવસ્થા ભારતનું વધતું મહત્વ સ્પષ્ટ દર્શાય છે. અત્યારે વિશ્વના અનેક દેશો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે હકારાત્મક વલણ દર્શાવી રહ્યા છે. આ એ ભારત છે જે વિશ્વ સાથે સંપૂર્ણ શક્તિ અને સંપૂર્ણ વિશ્વાસ સાથે જોડાય છે. મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2030 સુધીમાં દેશ માલ અને સેવાઓની નિકાસમાં 2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે.