પશુ આહારની આયાત કરતુ ભારત; સોયામીલનો 4.5 લાખ ટનનો જથ્થો કેમ મંગાવવો પડ્યો..?

અબતક, નવી દિલ્હી

ભારતમાં હાલ પશુ આહાર પણ મોંઘો થયો છે. સોયામિલના ભાવ પુરવઠાની ખામીના કારણે વધતા જઈ રહ્યા છે. ત્યારે હવે પશુ આહારનો પુરવઠો વધારી ભાવને નિયંત્રિત કરવા સરકારે આયાત વધારી છે. ભારતે છેલ્લા કેટલાક અઠવાડિયામાં સોયામિલની આયાત વધુ વધારી વધારાની 4.5 લાખ ટન જથ્થો બહારથી મંગાવ્યો છે. જેમાંથી સૌથી વધુ આયાત પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી કુલ મળી 1.25 લાખ ટન થવાની છે.

ઉલ્લેખનીય છે કે, જીએમ સોયામીલના ભાવમાં થોડા મહિનાઓમાં તીવ્ર વધારો થયો છે.જીએમ સોયામીલની આયાતમાં વધારો સ્થાનિક બજારમાં તેના ભાવ ઘટાડવામાં મદદ કરશે. સ્થાનિક બજારમાં સોયામિલના ભાવ છેલ્લા કેટલાક મહિનામાં રૂ .35 પ્રતિ કિલોથી વધીને રૂ .100 થઈ ગયા હતા. જો કે, આયાત થતા હવે ભાવ  થોડો નરમ થઈને 85 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આનુવંશિક રીતે ઉન્નત સોયામીલની આયાત કરી (જીએમ સોયમીલ) કે તેનો ઉપયોગ પોલ્ટ્રી ફીડ ઉદ્યોગમાં કાચા માલ તરીકે થાય છે. કેન્દ્ર સરકારે અગાઉ ઓગસ્ટમાં ઘરેલુ પુરવઠો વધારવા અને આસમાને પહોંચતા ભાવોને નિયંત્રિત કરવા માટે 1.2 મિલિયન ટન જીએમ સોયામીલની આયાતને મંજૂરી આપી હતી. જો કે, પર્યાવરણ મંત્રાલય અને વિદેશી વેપાર મહાનિર્દેશક  દ્વારા જીએમ મુદ્દે નિયમો સ્પષ્ટ કર્યા બાદ આ મંજૂરી આપવામાં આવી હતી.

ડીજીએફટીએ 24 ઓગસ્ટ 2021ના રોજ બ્રાઝિલ-અમેરિકાથી 4.5 લાખ ટનના વધારાના કરાર માટે જીએમ સોયામીલની આયાત માટે જરૂરી સૂચના પણ જારી કરી હતી. આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે, વેપારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 7,500 ટન જીએમ સોયામીલની આયાત કરવામાં આવી છે, મુખ્યત્વે બાંગ્લાદેશમાંથી થઈ છે. વેપારીઓએ બાંગ્લાદેશ, બ્રાઝિલ અને અમેરિકા સાથે વધારાના 4.5 લાખ ટન જીએમ સોયામીલ માટે જોડાણ કર્યું છે. કુલ 4.5 લાખ ટનના ઓર્ડરમાંથી 1.25 લાખ ટન જીએમ સોયામીલ બાંગ્લાદેશથી આવવાની ધારણા છે. તે જ સમયે, બ્રાઝિલમાંથી 75 હજાર ટન અને બાકીના 2.5 લાખ ટન અમેરિકાથી આયાત કરવામાં આવશે.