ભારત મેરીટાઈમ ક્ષેત્રના વિકાસ માટે ખુબ જ ગંભીર: વડાપ્રધાન

વડાપ્રધાનના હસ્તે મેરીટાઈમ ઈન્ડિયા સમિટ-2021નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન: મંત્રી મનસુખ માંડવીયા રહ્યાં ઉપસ્થિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મેરિટાઈમ ઈન્ડિયા સમિટ 2021નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના પરિવહન મંત્રી બેન્ની એંગ્લેબ્રેક્ટ, ગુજરાત અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ માટેના કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રધાન (સ્વતંત્ર હવાલો) મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના સ્વાગત સંબોધનમાં મનસુખ માંડવિયાએ કહ્યું કે, 100થી વધુ દેશોના 1.7 લાખથી વધારે નોંધાયેલા સહભાગીઓની સહભાગિતા સાથે મેરિટાઈમ ઈન્ડિયા સમિટ એ વિશ્વની સૌથી મોટી વર્ચ્યુઅલ સમિટ્સમાંની એક છે. આ ત્રણ દિવસીય શિખર બેઠકમાં 8 દેશોના પ્રધાનો, 50થી વધારે વૈશ્વિક સીઈઓ અને 24 દેશોના 115 આંતરરારાષ્ટ્રીય વક્તાઓ સહિત 160થી વધારે વક્તાઓ હશે.

માંડવિયાએ વધુમાં આ ક્ષેત્રોના તમામ હિતધારકો અને વિશ્વભરના રોકાણકારોને ખાતરી આપી હતી અને કહ્યું હતું કે ભારત સરકાર મેરિટાઈમ ક્ષેત્રે રોકાણને સુગમ્ય અને નક્કર કરવા માટે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નમાં અમારી ભૂમિકા માટે સંપૂર્ણ સજ્જ છે.

પ્રધાનમંત્રીએ મેરિટાઈમ ઈન્ડિયા વિઝન-2030ની ઈ-બુકનું વિમોચન કર્યું હતું. મેરિટાઈમ ઈન્ડિયા વિઝન 2030નો હેતુ આગામી દસ વર્ષોમાં ભારતીય મેરિટાઈમ ઉદ્યોગને ટોચના વૈશ્વિક માનદંડની સમકક્ષ લાવવાનો છે.

પ્રધાનમંત્રીએ સાગર-મંથન: મર્કન્ટાઈલ, મેરિટાઈમ ડોમેઈન અવેરનેસ સેન્ટરની ઇ-તક્તીનું અનાવરણ પણ કર્યું હતું. આ મેરિટાઈમ સલામતી, સર્ચ અને બચાવ ક્ષમતાઓ, સુરક્ષા અને દરિયાઇ પર્યાવરણ સુરક્ષા વધારવા માટેની માહિતી પ્રણાલિ છે.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ વિશ્વને ભારત આવીને ભારતના વિકાસ પથનો ભાગ બનવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત મેરિટાઈમ ક્ષેત્રમાં વિકાસ વિશે અતિ ગંભીર છે અને વિશ્વમાં અગ્રણી બ્લુ ઈકોનોમી તરીકે ઊભરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે ટુકડે ટુકડે અભિગમ અપનાવવા કરતા સમગ્ર ક્ષેત્ર પર એક અભિગમ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. તેમણે માહિતી આપી હતી કે મુખ્ય બંદરોની ક્ષમતા 2014માં 870 મિલિયન ટન હતી તે હવે વધીને 1550 મિલિયન ટન થઈ છે. ભારતીય બંદરોનો વિસ્તાર  હવે આ રીતનો છે: સરળ ડેટા પ્રવાહ માટે સીધી પોર્ટ ડિલિવરી, સીધી પોર્ટ એન્ટ્રી અને અપગ્રેડેડ પોર્ટ કમ્યુનિટિ સિસ્ટમ (પીસીએસ). આપણા બંદરોએ આવતા અને જતા કાર્ગો માટેનો વેઈટિંગ સમય ઘટાડી દીધો છે. તેમણે એવી માહિતી પણ આપી કે વઢવાણ, પારાદિપ અને કંડલામાં દીનદયાળ પોર્ટમાં વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મેગા પોર્ટ્સ વિક્સાવાઈ રહ્યાં છે.વૈશ્વિક રોકાણકારોને આમંત્રણ આપતા પ્રધાનમંત્રીએ સમાપન કર્યું કે, ભારતનો લાંબો દરિયાકાંઠો આપની રાહ જોઈ રહ્યો છે. ભારતના મહેનતુ લોકો આપની રાહ જોઈ રહ્યા છે. અમારા બંદરોમાં રોકાણ કરો. અમારા લોકોમાં રોકાણ કરો. ભારતને આપનું પસંદગીનું વેપાર સ્થળ બનવા દો. વેપાર અને વાણિજ્ય માટે ભારતીય બંદરોને આપના પોર્ટ ઑફ કોલ બનાવીએ.