Abtak Media Google News

દુબઈમાં સપ્ટેમ્બર માસથી એશિયા કપનો પ્રારંભ

સમગ્ર વિશ્ર્વમાં ક્રિકેટનું આગવું સ્થાન અને એક અલગ જ રોમાંચ જોવા મળે છે ત્યારે જે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની વાત આવે તો બંને દેશોનાં ક્રિકેટ રસિકોમાં એક અનેરો ઉત્સાહ નજરે પડતો હોય છે ત્યારે એશિયાકપની યજમાની પાકિસ્તાન કરતું હોવાનું સામે આવતાની સાથે જ ભારતીય ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાનું જાહેર કર્યું હતું પરંતુ બીસીસીઆઈનાં નવા પ્રમુખ અને ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ એશિયાકપ ટુર્નામેન્ટ દુબઈમાં રમાવવાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર માસમાં એશિયાકપ ટુર્નામેન્ટ યોજાશે જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમ રમશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ શુક્રવારે જણાવ્યું છે કે આગામી એશિયા કપનું આયોજન દુબઈમાં થશે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન પણ આમને સામને થશે. સપ્ટેમ્બરમાં રમાનારી ટુર્નામેન્ટ અગાઉ પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની હતી. જોકે, બીસીસીઆઈએ સ્પષ્ટ કહ્યું હતું કે સુરક્ષાના કારણોને લીધે ભારતીય ટીમ પાકિસ્તામાં રમવા જશે નહીં. ત્યારબાદ ટુર્નામેન્ટને દુબઈમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલની ૩ માર્ચે યોજાનારી બેઠક માટે દુબઈ રવાના થતા પહેલા સૌરવ ગાંગુલીએ ઈડન ગાર્ડન્સ પર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે એશિયા કપ દુબઈમાં રમાશે અને ભારત તથા પાકિસ્તાન બંને તેમાં ભાગ લેશે. નોંધનીય છે કે બીસીસીઆઈએ પાકિસ્તાનની યજમાની સામે કોઈ જ વાંધો ઉઠાવ્યો ન હતો પરંતુ ભારતીય ટીમને ત્યાં મોકલવાની ના પાડી હતી. ભારત અને પાકિસ્તાને ૨૦૧૨-૧૩ બાદ કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. ત્યારે પાકિસ્તાની ટીમ મર્યાદિત ઓવર્સની શ્રેણી રમવા માટે ભારતના પ્રવાસે આવી હતી. બંને દેશો વચ્ચેના રાજકિય સંબંધો તણાવ ભરેલા છે અને તેના કારણે બંને વચ્ચે કોઈ શ્રેણી રમાતી નથી. આ દરમિયાન ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં બંને આમને સામને થતા રહે છે.

બોર્ડ અધ્યક્ષ અને ભૂતપૂર્વ સુકાની ગાંગુલીએ હાલમાં ઓસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપ રમી રહેલી ભારતીય મહિલા ટીમની સુકાની હરમનપ્રીત કૌરને ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. ભારતે ગુરૂવારે ન્યૂઝીલેન્ડ સામે વિજય નોંધાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ગાંગુલીએ કહ્યું છે કે મહિલા ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. વર્લ્ડ કપમાં કોઈ ફેવરિટ હોતું નથી. ટીમ શ્રેષ્ઠ છે અને જોવાનું એ રહેશે કે ટીમ ક્યાં જઈને અટકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.