Abtak Media Google News

ન્યૂઝીલેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં ભારતને 4-5થી હરાવ્યું: ભારત મેડલની દાવેદારીમાંથી બહાર

હોકી વર્લ્ડકપમાં ભારત ‘ચોકર’ સાબિત થયું છે. ન્યૂઝીલેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં ભારતને 4-5થી હરાવ્યું હતું. અગાઉ બન્ને ટીમ નિર્ધારિત સમય સુધી 3-3થી બરાબરી પર હતી.હોકી વર્લ્ડ કપમાં ભારત મેડલની દાવેદારીમાંથી બહાર થઈ ગઈ છે.

પેનલ્ટી શૂટઆઉટમાં બન્ને ટીમએ 9-9 પ્રયાસો કર્યા હતા. જેમાં ન્યૂઝીલેન્ડે 5 અને ભારતે 4 ગોલ કર્યા હતા. શૂટઆઉટની શરૂઆત ભારતીય કેપ્ટન હરમનપ્રીતે કરેલા ગોલથી થઈ હતી. જે બાદ ન્યૂઝીલેન્ડના નિક વૂડે બરાબરીનો ગોલ કર્યો હતો. ત્યારબાદ રાજકુમાર પાલે ગોલ કરીને ભારતને 2-1થી આગળ કર્યું હતું. ત્યાર બાદ સીન ફિન્ડલેએ સ્કોર 2-2ની બરાબરી કરી હતી. અભિષેક ત્રીજા પ્રયાસમાં ગોલ ચૂકી ગયો અને હેડન ફિલિપ્સે ગોલ કરીને કિવીઝને 3-2થી આગળ કરી દીધા. ત્યારબાદ પીઆર શ્રીજેશે 3 શાનદાર સેવ કરીને ભારતને હારથી બચાવ્યા હતા.

આ દરમિયાન શમશેર સ્કોર કરવાનું ચૂકી ગયો અને સુખજીતે સ્કોર કર્યો હતો. 5 પ્રયાસો બાદ સ્કોર 3-3ની બરાબરી પર રહ્યો હતો. આમ પેનલ્ટી શૂટઆઉટ ચાલુ રહ્યો. વુડ, નિક અને હરમનપ્રીત સિંહ છઠ્ઠા પ્રયાસમાં ગોલ કરવાનું ચૂકી ગયા હતા. જ્યારે સીન ફિન્ડલે અને રાજકુમાર પાલે 7માં ગોલ કર્યા હતા. હેડન અને સુખજીત 8મા પ્રયાસમાં ગોલ કરી શક્યા ન હતા. સેમ લીને 9મા પ્રયાસમાં ગોલ કર્યો હતો. જ્યારે શમશેર ચૂકી ગયો.

પેનલ્ટી શૂટઆઉટ દરમિયાન પીઆર શ્રીજેશ ઘાયલ થયા હતા. જે બાદ કૃષ્ણ બહાદુર પાઠક બે વખત ગોલ રોકવામાં નિષ્ફળ રહ્યો હતો અને ભારતને મેચ ગુમાવવી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.