Abtak Media Google News

ઓલમ્પિક માટે કુલ ૧૯૦ સભ્યોની ટીમ મોકલશે ભારત: નરિંદર બત્રા

૨૩ જુલાઇથી ટોકીઓ ખાતે શરૂ થનારી ઓલમ્પિક માટે ભારતીય ટીમની જાહેરાત ગુરુવારે સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે. હાલ સુધીમાં ભારતના ૧૦૦ જેટલા ખેલાડીઓ ઓલમ્પિક માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે. જેમાં ૫૬ પુરુષ અને ૪૪ મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

ભારતીય ઓલિમ્પિક સંઘ(આઈઓએ)ના પ્રમુખ નરેન્દ્ર બત્રાએ ગુરુવારે કહ્યું હતું કે, આગામી ટોક્યો ઓલમ્પિક માટે ભારતના લગભગ ૧૯૦ જેટલા સભ્યો ટોકિયો જનાર છે જેમાં ૧૦૦ વધુ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. આ તકે રમત-ગમત મંત્રી કિરણ રિજિજુએ તમામ ખેલાડીઓને કીટનું વિતરણ કર્યું હતું. હાલ સુધીમાં ૧૦૦ જેટલા એથ્લેટીક્સ ઓલમ્પિક માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે અને હજુ ૨૫ થી ૩૫ જેટલા એથ્લેટીક્સનો ઉમેરો થઇ શકે છે.

બત્રાએ ઓનલાઇન સમારોહ દરમિયાન કહ્યું હતું કે, આગામી બે થી ત્રણ સપ્તાહમાં ક્વોલિફીકેશન પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. જેમાં ૧૨૫ થી ૧૩૫ જેટલા એથ્લેટીક્સ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થાય તેવી આશા છે. એટલે કે અધિકારી, સહયોગી સ્ટાફ સહિત ભારતીય ટીમમાં ૧૯૦ જેટલા સભ્યો હશે.

રમત-ગમત મંત્રાલયના નિયમો અનુસાર એથ્લેટીક્સની સંખ્યાના એક તૃતીયાંશ અધિકારીઓ ઓલમ્પિક માં હાજર રહી શકે છે. જો કે, વધુ અધિકારીઓની હાજરી માટે સ્વીકૃતિ આપી શકાય છે પરંતુ તેમનો ખર્ચ ચુકવવામાં આવતો નથી.  બત્રાએ કહ્યું હતું કે, ટોકિયો ઓલમ્પિકમાં ભારતીય એથ્લેટ્સનું પ્રદર્શન અભૂતપૂર્વ રહેશે. અગાઉના ઓલમ્પિકમાં ભારતને મળેલા મેડલોની સરખામણમાં ટોકિયો ઓલમ્પિકમાં ભારત બમણા મેડલ હાંસલ કરે તેવી પ્રબળ શક્યતા છે. ભારતે વર્ષ ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં  સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં ભારતને બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા હતા.

બત્રાએ ઉમેર્યું હતું કે, ઓલિમ્પિક માટે કવોલિફાઇ થયેલા તમામ એથ્લેટ્સને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. બત્રાએ કિરણ રિજિજુને દરખાસ્ત કરી છે કે, ટોકિયો જતાં પહેલા તમામ ખેલાડીઓ, અધિકારીઓ અને સહયોગી કર્મચારીઓનું વેક્સિનેશન કરી દેવામાં આવે જેથી સંક્રમણનો ભય ન રહે.

કિરણ રિજિજુ એ કહ્યું છે કે, ઓલમ્પિક એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં વિશ્વભરના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સ્પર્ધામાં ઊતરે છે. હું આશા રાખું છું કે, ભારતીય એથ્લેટ્સ ઓલમ્પિકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને પદક જીતીને દેશને ગૌરવાંન્વીત કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓલમ્પિક અંગે દેશની તૈયારી અંગે સમીક્ષા કરીને તમામ ખેલાડીઓને આશ્વાસન આપ્યું હતું કે સમગ્ર દેશ તેમની સાથે છે.

ટોકિયો ઓલમ્પિકમાં છવાઈ જવા તમામ સવલતો આપવા વડાપ્રધાન મોદીનું આહવાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦ દિવસ બાદ શરૂ થનારી ટોકિયો ઓલમ્પિક માટે ગુરુવારે ભારતની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકના અધ્યક્ષ સ્થાને રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓના રસીકરણથી માંડી ટ્રેનિંગ સુવિધા સહિતની તમામ જરૂરિયાતને પ્રાથમિકતા આપી પૂર્ણ કરવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, રમત-ગમત આપણા સૌના હૃદયમાં છે અને દેશના યુવાનો રમતગમતની સંસ્કૃતિને મજબૂત બનાવી રહ્યા છે.

ટીમને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન જુલાઈ માસમાં વિડીયો કોન્ફરન્સ મારફત ટીમ સાથે જોડાઈને શુભેચ્છાઓ આપશે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય ખેલાડીઓની સાથે ૧૩૫ કરોડ ભારતીય પ્રજાની શુભેચ્છાઓ છે. તેમણે કહ્યું હતું કે, એક ખેલાડીના શ્રેષ્ઠ પ્રદર્શનથી પ્રેરિત થઈને હજારો યુવાનો રમત-ગમત ક્ષેત્રમાં ઝંપલાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓના વેકસીનેશન અંગેની પણ સમીક્ષા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.