Abtak Media Google News

ક્લાઇમેટ ચેન્જ: રેસ ટુ નેટ ઝીરો’ દ્વારા ભારત શૂન્ય કાર્બન ધરાવતો દેશ બનશે

સમગ્ર માનવજાતના તમામ મોરચે તોળાઈ રહેલું એક સંકટ એટલે ક્લાઇમેટ ચેન્જ: આજે ઝડપી ક્લાઇમેટ ચેન્જ જોવા મળે છે તેની પાછળ માનવજાત દ્વારા ઑઇલ (ઈંધણ તેલ)નો ઉપયોગ, ઘરો, ફેક્ટરી, વાહન-વ્યવહારમાં ગેસ અને કોલસાનો ઉપયોગ કારણભૂત છે.

નેટ શૂન્ય ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનો ખ્યાલ સૌપ્રથમ પેરિસ કરાર દ્વારા લોકપ્રિય થયો હતો, જે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનની અસરને મર્યાદિત કરવા યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં સંમત થયો હતો જે હવે દર વર્ષે સી.ઓ.પી.માં આ જ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણા અને તમામ રાષ્ટ્રો દ્વારા

મેળવાયેલ પરિણામોને ધ્યાન પર લેવામા આવશે.

હાલમાં જ ગ્લાસગો ક્લાઈમેટ કોન્ફરન્સમા પીએમ મોદીએ કહ્યું હતું કે 2070 સુધીમાં ભારત શૂન્ય કાર્બન ઉત્સર્જન ધરાવતો દેશ બની જશે. તેમણે કહ્યું કે 2030 સુધીમાં ભારત તેની 50 ટકા ઊર્જા રિન્યુએબલ સ્ત્રોતોમાંથી પેદા કરશે. ગ્લોબલ થિંક ટેન્ક ‘ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ ના એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારત ચોખ્ખા શૂન્ય કાર્બન ઉત્સર્જન લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, દેશની જીડીપી 2050 સુધીમાં  406 બિલિયન ડોલરનો વધારો કરશે અને 43 મિલિયનથી વધુ રોજગારીની તકોનું સર્જન કરશે.

આ ઉપરાંત એશિયાને શુન્ય કાર્બન ઉત્સર્જન પર ઉચ્ચ સ્તરીય નીતિ આયોગ (પોલિસી કમિશન) દ્વારા હાથ ધરવામાં આવેલ સંશોધનમાં એમ જણાવવામાં આવ્યું કે, 2070 સુધીમાં ચોખ્ખું શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાની ભારતની કામગીરીને લીધે અર્થવ્યવસ્થાને જી.ડી.પી.માં સારો વધારો મળી શકે તેમ છે. ભારતે સાથોસાથ બિન-અશ્મીભૂત ઊર્જા સ્રોતોમાંથી એટલે કે પવન, સૂર્ય અને જળવિદ્યુતમાંથી વધારે પ્રમાણમાં વીજળી પેદા કરવાની ખાતરી પણ આપી છે. 2019માં આવા સ્રોતોમાંથી વીજળી ઉત્પાદનનું પ્રમાણ વધીને 23 ટકા સુધી પહોંચ્યું હતું. જોકે હજીય ભારતની વીજળીની જરૂરિયાતના 70 ટકા કોલસા આધારિત એકમોથી પૂરી થાય છે.

ગ્લાસગોમાં યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ કોન્ફરન્સમાં, દેશો અને કંપનીઓના જૂથે 2040 સુધીમાં ઉત્સર્જન-મુક્ત કારનું લક્ષ્ય હાંસલ કરવાની યોજનાની જાહેરાત કરી. કેનેડા, ચિલી, ડેનમાર્ક, ભારત, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, સ્વીડન, તુર્કી અને યુકે જેવા દેશોએ તેને સમર્થન આપ્યું હતું. ફોર્ડ, જનરલ મોટર્સ, મર્સિડીઝ બેન્ઝ અને વોલ્વો કંપનીઓ અને અમેરિકાના ઘણા રાજ્યો અને શહેરોએ પણ આ પ્લાન પર હસ્તાક્ષર કર્યા છે.

વોલ્વો જેવી કેટલીક કંપનીઓએ પહેલાથી જ કમ્બશન એન્જિનને બંધ કરવાના લક્ષ્યો નક્કી કર્યા છે.

ભારત માટે આ બાબતમા જે સંભવિત તકો છે તેની સામે પડકારો પણ ઓછા નથી. ભારતને એક સંકલિત સંસ્થાકીય માળખાની જરૂર છે જે સંઘવાદ, રાજકીય અવરોધો અને અમલદારશાહી જેવી જટિલતાના બહુવિધ સ્તરોને દૂર કરવામાં મદદ કરી શકે. આ ખાસ કરીને મહત્વનું છે કારણ કે ગ્રીન ટ્રાન્ઝિશન બહુ-તબક્કાની પ્રક્રિયા હશે. તેમાં અશ્મિભૂત ઇંધણમાંથી વીજળીમાં રૂપાંતર કરવું, નવીનીકરણીય પદાર્થોમાંથી વીજળી ઉત્પન્ન કરવી અને વાતાવરણમાંથી ઉત્સર્જન દૂર કરવું સામેલ હશે. જ્યાં સુધી રિન્યુએબલ તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચે ત્યાં સુધી ફુગાવો અસ્થિર હોઈ શકે છે. તેલ અને કોલસામાંથી રાજકોષીય આવકમાં ધીમે ધીમે ઘટાડો થવો જોઈએ, સાથે આવક બાજુ સુધારા દ્વારા તેને સરભર કરવા જોશે.

વર્ષ 2023 માં જી-20ના યજમાન તરીકે, ભારત તેની ક્રિયા પ્રદર્શિત કરી શકે છે અને અન્ય દેશોને અનુસરવા, સહકાર અને રોકાણ કરવા પ્રોત્સાહિત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, દેશની સૌર ઉર્જા ક્ષમતા છેલ્લા સાત

વર્ષમાં 17 ગણી વધીને 45,000 મેગાવોટ થઈ ગઈ છે. અને ભારત વૈશ્ર્વિક વસ્તીના 17 ટકા હિસ્સો ધરાવે છે અને તેમ છતાં તેના કુલ ઉત્સર્જનના માત્ર ચાર ટકા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.