- મ્યાનમારના ભૂકંપમાં અંદાજિત 694 લોકોના મોત: 1670થી વધુ ઘાયલ
વિશ્વભરમાં દિવસ દરમિયાન હજારો ભૂકંપના આંચકા આવતા હોય છે પરંતુ તેની તીવ્રતા ઓછી હોવાને કારણે તેનો અનુભવ નથી થતો. ક્યારે ગઈકાલે મ્યાનમારમાં 7.9ની અને 7.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા તારાજી સર્જાઇ હતી. ભૂકંપ ના કારણે અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ હતી. તેમજ હાલ સુધીમાં 694 લોકોના મોત અને 1670 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.આ ભૂકંપમાં અનેક બહુમાળી ઈમારતો તૂટી પડી અને બીજા અનેક મકાનોને પણ ભારે નુકસાન થયું. આ સ્થિતિમાં સ્વિમિંગ પુલના પાણી પણ દરિયાના મોજાની જેમ ઉછળ્યા. ડરના માર્યા રહેવાસીઓ શેરીઓમાં દોડી આવ્યા હતા. મ્યાનમારના માંડલેમાં આવેલો પ્રતિષ્ઠિત અવા પુલ પણ ઈરાવદી નદીમાં તૂટી પડ્યો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ સાગાઈંગ શહેરથી 16 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં જમીનમાં દસ કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. આ ભૂકંપના આંચકા થાઈલેન્ડના બેંગકોકથી લઈને ભારત સુધી અનુભવાયા હતા. દિલ્હી એનસીઆર માં પણ તેની અસર જોવા મળી હતી. મ્યાનમાર ભારતની નજીક હોવા છતાં ભારતમાં ભૂકંપની વધુ અસર નથી થઈ જેનું કારણ છે કે ફોલ્ટલાઇન એક જ દિશામાં ગતિ કરે છે અને આ ફોલ્ટ લાઈન ભારતથી 50 કિલોમીટર દૂર આવેલી હતી. જેના કારણે ભારત પર વધુ પડતી અસર જોવા મળી નથી.
અન્ય કયાં દેશો પર ભૂકંપનો ખતરો ?
જે દેશના પેટાળમાં જેટલી વધુ ટેક્ટોનિક પ્લેટ્સનો સંગમ થતો હોય એટલું એ દેશ પર ભૂકંપનું જોખમ વધારે. જાપાન, ચીન અને ઈન્ડોનેશિયા એ ત્રણ દેશ ભૂકંપ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ ગણાય છે. આ ઉપરાંત તૂર્કી, ફિલિપાઈન્સ, ઈરાન, મેક્સિકો, ઈટાલી, યુએસએ, ઈક્વાડોર, નેપાળ, પેરુ, ચિલી, પાકિસ્તાન અને ભારતને માથે પણ ભૂકંપ નામની તલવાર કાયમી લટકતી રહેતી હોય છે. આપણા દેશમાં ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ વિસ્તારોમાં હિમાલય, ગંગાનો મેદાની પ્રદેશ, તથા આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે.
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 4.7 નો ભૂકંપ
અફઘાનિસ્તાનમાં આજે વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાએ લોકોમાં ગભરાટ ફેલાવી દીધો છે. અફઘાનિસ્તાનમાં 4.7 અને 4.3 ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપના કારણે લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી હતી. જોકે, હાલમાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. મ્યાનમાર બાદ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ અનુભવાયો છે. નિષ્ણાતોના મતે, 4.3 અને 4.7 ની તીવ્રતાના ભૂકંપને મધ્યમ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, પરંતુ નબળા માળખાવાળા સ્થળોએ પણ ભારે નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
મ્યાનમારમાં ભૂકંપ બાદ ભારતે મોકલી મદદ
મ્યાનમારમાં આવેલા ભૂકંપ પછી, ભારતે તાત્કાલિક મદદ મોકલી છે. ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, “મ્યાનમારના લોકોને તાત્કાલિક માનવીય સહાય મોકલવામાં આવી છે.” તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાનું ઈ-130 ધાબળા, તાડપત્રી, સ્વચ્છતા કિટ, સ્લીપિંગ બેગ, સૌર લેમ્પ, ફૂડ પેકેટ અને રસોડાના સેટ લઈ જઈ રહ્યું છે. વિદેશમંત્રીએ કહ્યું કે વિમાનમાં શોધ અને બચાવ ટીમ ઉપરાંત એક તબીબી ટીમ પણ મોકલવામાં આવી છે. તેમજ જણાવ્યું હતું કે “અમે પરિસ્થિતિ પર નજર રાખીશું અને વધુ મદદ મોકલવામાં આવશે.”
મ્યાનમારમાં શા માટે ભૂકંપ વધુ આવે છે ?
મ્યાનમારનું ભૌગોલિક સ્થાન એવા સ્થળે છે જેના પેટાળમાં ‘ફોલ્ટ’ છે. એનું નામ છે ‘સાગાઇંગ ફોલ્ટ’. ભારતીય પ્લેટ (ઈન્ડિયન પ્લેટ) અને બર્મા માઈક્રોપ્લેટનું ‘મિલન’ મ્યાનમારના પેટાળમાં થાય છે. અસીમ દબાણ અનુભવતી બંને પ્લેટ પરસ્પર ઘસાતાં સતત ‘તાણ’ (ટેન્શન) સર્જાતું રહે છે. વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે બંને ભૂમિગત ભાગો દર વર્ષે લગભગ 11 મિલિમીટરથી લઈને 18 મિલિમીટર જેટલા સરકે છે. વર્ષો સુધી એકમેકને ધક્કો મારતી રહેતી પ્લેટ્સ વચ્ચેનું દબાણ જ્યારે અસહ્ય બની જાય છે ત્યારે ભૂકંપના રૂપમાં છૂટું પડે છે. આ જ કારણસર મ્યાનમાર ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ ગણાય છે. મ્યાનમારમાં આ ફોલ્ટની લંબાઈ 1,200 કિલોમીટર જેટલી છે.