Abtak Media Google News

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના બોપલ ખાતે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર દેશને સમર્પિત કર્યુ: ઇન-સ્પેસ અને ખાનગી ક્ષેત્રના 10 સ્ટાર્ટઅપ્સ વચ્ચે એમઓયુ સંપન્ન

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર, (ઇન-સ્પેસ)માં ભારતના અવકાશ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા છે. પ્રાઇવેટ સેકટર હવે સ્પેસ સેક્ટરમાં બીગ વિનરની ભૂમિકા ભજવશે. આવનારા સમયમાં માનવ સમુદાયના ઉજ્જવળ ભવિષ્ય માટે અવકાશ ક્ષેત્રની તાકાત મહત્વની પૂરવાર થશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના બોપલ ખાતે ઇન-સ્પેસ (ઈંગ-જઙઅઈય) નું ઉદ્ધાટન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં કર્યુ હતું.  આ પ્રસંગે ઇન-સ્પેસ અને ખાનગી ક્ષેત્રના 10 સ્ટાર્ટઅપ્સ વચ્ચે એમઓયુ સંપન્ન થયા હતા.

Whatsapp Image 2022 06 10 At 7.21.46 Pm

વડાપ્રધાનએ કહ્યું કે, 21મી સદીના આધુનિક ભારતની વિકાસયાત્રામાં  એક વધુ અધ્યાય ઈન-સ્પેસ હેડ ક્વાર્ટર’ના રૂપમાં ઉમેરાયો છે. ભારત આગામી દિવસોમાં સ્પેસ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરશે.

ઇન-સ્પેસ ભારતના યુવાનોને, ભારતના બેસ્ટ માઇન્ડને પોતાનું ટેલેન્ટ બતાવવાનો અવસર આપશે પછી ભલે તે સરકારમાં હોય કે ખાનગી ક્ષેત્રમાં હોય ઇન-સ્પેસ તમામ વર્ગના લોકોને શ્રેષ્ઠ અવસર પ્રદાન કરશે

તેમણે વધુમાં ઉમેર્યું કે, સામાન્ય માણસના જીવનમાં સ્પેસ ટેક્નોલોજી વણાઇ ગઇ છે. ટેલિવિઝન, જીપીએસ, અર્બન પ્લાનિંગ, ગ્રાઉન્ડ વોટર પ્રોજેક્ટ, ઇન્ફ્રા પ્રોજેક્ટ, કોસ્ટલ એરિયા પ્લાનિંગ ઉપરાંત વરસાદના પૂર્વાનુમાન, કુદરતી આપત્તિઓની આગોતરી જાણકારી સેટલાઇટની મદદથી મળી શકે છે એ દ્રષ્ટિએ સામાન્ય માનવી સાથે જોડાયેલા વિષયોમાં સ્પેસ ટેક્નોલોજીનો સિંહફાળો છે.

વડાપ્રધાનએ ઇન-સ્પેસ ઇઝ ફોર સ્પેસ, ઇન સ્પેસ ઇઝ ફોર પેસ, ઇન સ્પેસ ઇઝ ફોર એસનું સુત્ર આપતા કહ્યું કે, આજે આપણે સૌ વોચ ધી સ્પેસનું મહત્વ સમજી રહ્યા છીએ. આગામી સમયમાં સ્પેસ ટુરિઝમ અને સ્પેસ ડિપ્લોમસીમાં ભારત મહત્વની  ભૂમિકા ભજવશે.

તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર ભારતના ખાનગી ક્ષેત્રમાં વધુમાં વધુ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો માહોલ બનાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. એટલું જ નહીં, અવકાશ ક્ષેત્રમાં સુધારાની આ પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહેશે તેવી ખાતરી પણ આપી હતી.

આ અવસરે કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, ઇન-સ્પેસના મુખ્યાલયના ઉદઘાટન સાથે જ ભારતે સ્પેસ ક્ષેત્રે ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્ટાર્ટ અપ, ખાનગી ક્ષેત્ર અને યુવાનોના સંશોધનોને જોડીને એક ઈકોસિસ્ટમ બનાવી, ભારતને અંતરિક્ષ ક્ષેત્રમાં આગળ વધારવાનું સપનું બે વર્ષ પહેલા નરેન્દ્રભાઈએ જોયું હતું. આવનારા સમયમાં અંતરીક્ષ ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પણ નોંધપાત્ર રીતે કોન્ટ્રીબ્યુટર બનશે.

અમિતભાઈ શાહે દ્રઢતાપૂર્વક કહ્યું કે, આજે આ નાનો દેખાતો કાર્યક્રમ ભારતની સ્પેસ ક્ષેત્રમાં મોટી છલાંગ સાબિત થશે. નરેન્દ્રભાઈની કલ્પનાને સાકાર થતી આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ ત્યારે તેમના જ ઉદગારો યાદ કરીએ પ્રતિભા પર કોઈ બંધી ન હોય શકે, પછી તે સાર્વજનિક ક્ષેત્રની હોય કે ખાનગીક્ષેત્રની આજે ઈનસ્પેસના લોકાર્પણ સાથે અંતરિક્ષ ક્ષેત્રે ભારતની અવિરત યાત્રા તેમણે શરૂ કરાવી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં ઇન-સ્પેસ હેડક્વાર્ટર કાર્યરત કરાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અવકાશી શોધ-સંશોધનના દ્વાર પ્રાઇવેટ પ્લેયર્સ માટે ખોલી આપ્યા છે.

અવકાશ વિજ્ઞાનમાં રુચી ધરાવતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, ખાનગી કંપનીઓ કે ઉદ્યોગો હવે ઈસરો સાથે ભાગીદારીમાં સ્પેસ પ્રોજેક્ટ કરી શકશે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનને પરિણામે ભારતે ડિફેન્સ, સ્પેસ, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, સ્ટાર્ટઅપ અને ડોમેસ્ટિક પ્રોડક્શન ક્ષેત્રે હરણફાળ ભરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ તકે તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રીના આઠ વર્ષના કાર્યકાળમાં જનતાને સુશાસન અને વિકાસની અનુભૂતિ થઈ છે, દેશના ગરીબ માનવીનો સરકારમાં વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે. રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રને નવી દિશા મળી છે, જેથી દેશના સામાન્ય નાગરિકના જીવન ધોરણમાં બદલાવ આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ મહાન વિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈનો ઉલ્લેખ કરીને ઇસરો અને અમદાવાદ વચ્ચેના જૂના સંબંધને વર્ણવ્યો હતો. ઘાટલોડીયા વિસ્તારના ધારાસભ્ય હોવાને નાતે મુખ્યમંત્રીએ બોપલમાં ઇન-સ્પેસ હેડક્વાર્ટરની સ્થાપના કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. આ અવસરે નેશનલ સિક્યુરીટ એડવાઇઝર અજીત ડોભાલ, ઇસરોના ચેરમેન સોમનાથજી, ઇન સ્પેસના ચેરમેન પવન ગોયેન્કા, ગુજરાત ભાજપાના અધ્યક્ષ સી.આર.પાટીલ, ભારતના સ્પેસ ઇન્ડ્સ્ટ્રીના પ્રતિનિધિઓ તેમજ ઇન સ્પેસના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.