Abtak Media Google News

ભારત આતંકવાદનું વિરોધી છે, અફઘાનનું નહિ!!

ભારતે મદદનો હાથ લંબાવી જાહેર કર્યું કે ત્યાંના નાગરિકો પ્રત્યે ભારત હમેશા સંવેદનશીલ રહ્યું છે અને વિપરીત પરિસ્થિતિમાં પણ રહેશે

અબતક, નવી દિલ્હી : અફઘાનિસ્તાન સાથે ભારતને વર્ષોથી સારા સબંધ રહ્યા છે. ભારત વસુધૈવ કુટુંબકમમાં માનનારો દેશ છે. તેમાં પણ અફઘાનિસ્તાન પાડોશી દેશ હોય સંકટ સમયે ભારત હમેશા તેની મદદે આવ્યું છે. ત્યારે હવે આ દેશ તાલિબાનના કબ્જામાં હોય છતાં આ દેશ અને આ દેશના લોકોની મદદ કરવામાં ભારત પાછી પાની કરવાનો નથી. ભારતે અફઘાન લોકોને ભૂખમરાથી બચાવવા માટે 50 હજાર મેટ્રિક ટન ઘઉનો જથ્થો અને દવાનો જથ્થો મોકલવાનો નિર્ણય લીધો છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું ધરાર સાશન સ્થપાયું છે. ત્યાં તાલિબાને પોતાની મરજીથી સરકાર રચી છે. ભારતે પણ જાહેર કરી દીધું છે. જ્યાં સુધી લોકોની સરકાર નહિ બને ત્યાં સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને અમે માન્યતા આપીશું નહિ. વધુમાં ભારતે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરી દીધું છે. ભારત ત્યાંની સરકાર રચવાની પદ્ધતિ અને આતંકવાદનું જ વિરોધી છે. દેશ વિરોધી નથી. ભારત અફઘાનિસ્તાનના નાગરિકો સામે સતત સંવેદનશીલતા જ દાખવી રહ્યું છે.

હાલ અફઘાનિસ્તાનમાં ખાદ્ય ચીજ વસ્તુઓની તીવ્ર અછત સર્જાઈ છે. જેના પગલે ભૂખમરાની સ્થિતિ ઉદભવી છે. ત્યારે અફઘાનિસ્તાનના નાગરિકોની વ્હારે ભારત આવ્યું છે. ભારત સરકારે અફઘાનિસ્તાનના નાગરિકો માટે 50, 000 મેટ્રિક ટન ઘઉં અને દવાનો જથ્થો મોકલવાનો નિર્ણય લીધો છે. જેને કારણે ત્યાંના નાગરિકોની મુશ્કેલીમાં થોડા અંશે ઘટાડો થાય.

અફઘાનિસ્તાનમાં ખોરાકની કટોકટી લાખો લોકોને ભૂખમરાની આરે લઈ જઈ રહી છે. ત્યારે ભારત તાલિબાન શાસિત દેશમાં 50,000 મેટ્રિક ટન ઘઉં અને તબીબી સહાય મોકલવાનું આયોજન ઘડી રહ્યું છે. આ માટે પરિવહનનો વિકલ્પ શોધવા સરકારે કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુમાં ગયા સપ્તાહે પોતાના જી20 સંબોધનમાં, પીએમ નરેન્દ્ર મોદીએ અફઘાન લોકો માટે અવિરત અને તાત્કાલિક માનવતાવાદી સહાયની પણ હાકલ કરી હતી.  ભારતે એમ પણ કહ્યું છે કે, તાલિબાન સાથે ભારતના સંબંધોને ધ્યાનમાં લીધા વગર, અફઘાન લોકો સાથે તેના પરંપરાગત રીતે મૈત્રીપૂર્ણ સંબંધો અફઘાનિસ્તાન પ્રત્યેના તેના અભિગમને માર્ગદર્શન આપતા રહેશે.  આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ભારતે આગામી મહિને દિલ્હીમાં આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને જેના માટે અનેક દેશોને આમંત્રણ પણ આપ્યું છે. ખાદ્ય સહાય સહિત માનવતાવાદી સહાય આ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો હશે.

ભારત અફઘાનિસ્તાન માટે ઘઉંનો મુખ્ય સ્ત્રોત રહ્યું છે, જેણે છેલ્લા 10 વર્ષમાં એક મિલિયન મેટ્રિક ટનથી વધુ અનાજ સપ્લાય કર્યું છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આરૂઢ થયા ત્યારથી તેઓએ અફઘાનિસ્તાન ઉપર વિશેષ ધ્યાન રાખ્યું છે. અફઘાનિસ્તાનની ભૌગોલિક પરિસ્થિતિ જોતા અફઘાનિસ્તાન ભારત માટે મહત્વપૂર્ણ લોકેશન છે. જેથી ભારતે વર્ષો સુધી મહેનત કરી ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ખૂબ ભાર આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.