૨૦૧૭માં ડાઉનલોડ સ્પીડ સુધારવામાં ભારત ટોચે

downloading speed
downloading speed

બ્રોડબેન્ડની ડાઉનલોડ સ્પીડ સુધારવામાં ભારત પ્રથમ, મોબાઇલ ડેટા સ્પીડ વધારવામાં ભારત દ્વિતીય ક્રમે

ભારતે વિશ્વમાં ટોચની સ્પીડ ધરાવતા દેશોમાં પહોંચવા માટે હજી પણ લાંબી મજલ કાપવાની છે

બ્રોડબેન્ડની ડાઉનલોડ સ્પીડ સુધારવામાં ભારત ૨૦૧૭માં ટોચ પર આવ્યું છે, જ્યારે મોબાઇલ ડેટા સ્પીડ વધારવામાં ભારત બીજા ક્રમે છે, તેમ ઓકલાનો સ્પીડટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સ ૨૦૧૭ દર્શાવે છે. ભારતમાં ફિક્સ્ડ બ્રોડબેન્ડ સ્પીડમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે અને તેની સરેરાશ સ્પીડ ૭૬.૯ ટકા જેટલી સુધરી છે, આમ તેણે સ્પીડ સુધારવામાં ચીન અને અમેરિકાને પણ વટાવી દીધું છે, તેમ બ્રોડબેન્ડ ટેસ્ટિંગ અને વેબ આધારિત નેટવર્ક ડાયગ્નોસ્ટિક એપ્લિકેશન ઓકલાએ જણાવ્યું હતું.

દેશમાં મોબાઇલ ડેટા ડાઉનલોડ સ્પીડ ૪૨.૪ ટકા સુધરીને ૮.૮૦ એમબીપીએસ થઈ છે. જોકે પાકિસ્તાન ૫૬ ટકાથી વધારે સુધારા સાથે ભારતથી આગળ છે. ભારતમાં ઇન્ટરનેટની સ્પીડ ૨૦૧૭માં ૩૦ ટકા કરતાં વધુ વધી છે અને વૈશ્વિક ઝડપ ૨૦.૨૮ એમબીપીએસ રહી છે. છેલ્લા બાર મહિનામાં મોબાઇલની ડાઉનલોડ સ્પીડ ૩૦.૧ ટકા અને અપલોડ સ્પીડ ૩૮.૯ ટકા વધી છે, એમ અહેવાલે જણાવ્યું હતું.

ઓકલાના સહસ્થાપક અને જનરલ મેનેજર ડગ સટલ્સે જણાવ્યું હતું કે, ભારતમાં મોબાઇલ અને ઇન્ટરનેટ બ્રોડબેન્ડ સ્પીડ છેલ્લાં કેટલાંક વર્ષોથી વધી રહી છે. પણ ભારતે વિશ્વમાં ટોચની સ્પીડ ધરાવતા દેશોમાં પહોંચવા માટે હજી પણ લાંબી મજલ કાપવાની છે. ઓકલા ખાતે અમે ભારતીય બજારમાં ઝડપથી વિકસી રહેલી ક્ષમતાને લઈને ખૂબ આશાવાદી છીએ.

ઓકલાએ નવેમ્બરમાં સ્પીડટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સમાં અગાઉ જણાવ્યું હતું કે ભારત મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડમાં વિશ્વમાં ૧૦૯માં ક્રમે છે અને તે ફિક્ડ બ્રોડબેન્ડ સ્પીડમાં વિશ્વમાં ૭૬મા ક્રમે છે અને ૨૦૧૭માં તેની સરેરાશ મોબાઇલ ડાઉનલોડ સ્પીડ ૭.૬૫ એમબીપીએસ રહી હતી.

ઇન્ડેક્સ માટેના સ્પીડ ટેસ્ટ ડેટામાં ઓકલા સ્પીડટેસ્ટ દર મહિને વાસ્તવિક ધોરણે મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સ્પીડની ચકાસણી કરે છે. તેના સમગ્ર વિશ્વમાં ૭,૦૨૧ સર્વર છે, તેમાંથી ૪૩૯ સ્પીડટેસ્ટ સર્વર ભારતમાં હાજરી ધરાવે છે. સ્પીડટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સ ૨૦૧૭ના અહેવાલમાં કરવામાં આવેલી તુલના નવેમ્બર ૨૦૧૬ અને નવેમ્બર ૨૦૧૭ના સ્પીડટેસ્ટના આંકડા પર આધારિત છે.