Abtak Media Google News

કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરોનું લક્ષ્યાંક હાંસલ કરવા લોકસભામાં એનર્જી ક્ધઝર્વેશન બિલ પાસ: બિલમાં ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા, બાયોમાસ અને ઇથેનોલ જેવા બિન અશ્મિભુત ઇંધણનો વપરાશ વધારવાની જોગવાઈ

કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરોનું લક્ષ્યાંક હાંસલ કરવા સરકાર વિવિધ દિશામાં પગલાં લઈ રહી છે. જેમાં સરકાર હવે 2030 સુધીમાં વીજળીનું 50 ટકા ઉત્પાદન બિન અશ્મિભુત ઇંધણથી કરશે. જેના માટે લોકસભામાં એનર્જી ક્ધઝર્વેશન બિલ રજૂ કરાયું છે. આ બિલમાં ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા, બાયોમાસ અને ઇથેનોલ જેવા બિન અશ્મિભુત ઇંધણનો વપરાશ વધારવાની જોગવાઈ છે.

કેન્દ્ર સરકારે તેના આબોહવા પરિવર્તનના લક્ષ્યોને સરળ બનાવવા માટે બુધવારે 3 ઓગસ્ટના રોજ લોકસભામાં એનર્જી ક્ધઝર્વેશન (એમેન્ડમેન્ટ) બિલ, 2022 રજૂ કર્યું હતું. આ અંતર્ગત ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા, બાયોમાસ અને ઇથેનોલ જેવા બિન અશ્મિભુત ઇંધણ સ્ત્રોતોનો ઉર્જા માટે ઉપયોગ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

સરકાર કહે છે કે તેનો ઉદ્દેશ્ય કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવાનો છે, કારણ કે અશ્મિભૂત ઇંધણ હવામાન પરિવર્તનમાં મોટી ભૂમિકા ભજવે છે.

સંસદે 2001માં એનર્જી ક્ધઝર્વેશન બિલ પસાર કર્યું હતું.  આ કાયદો દેશમાં ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ, તેના સંરક્ષણ અને આ વિષયને લગતી બાબતો પર નિયમો બનાવવા માટે લાવવામાં આવ્યો હતો.  પાછળથી વર્ષ 2010 માં, આ અધિનિયમમાં ઉર્જા ક્ષેત્રના તમામ ફેરફારો સાથે ગતિ જાળવી રાખવા અને ઊર્જા બજારના વિકાસમાં યોગદાન આપવા માટે સુધારો કરવામાં આવ્યો હતો.

હવે કેન્દ્ર સરકાર ફરી એકવાર આ કાયદામાં સુધારો કરી રહી છે. ગ્રીન એનર્જીના ઉપયોગની સાથે સાથે કાર્બન માર્કેટ બનાવવા માટે પણ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે.  આ સાથે મોટી રહેણાંક ઈમારતોને ઉર્જા સંરક્ષણના દાયરામાં લાવવા, એનર્જી ક્ધઝર્વેશન બિલ્ડીંગ કોડનો વ્યાપ વધારવા અને દંડની જોગવાઈઓમાં સુધારો કરવાની યોજનાઓ બનાવવામાં આવી છે.

આ ઉપરાંત, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીની ગવર્નિંગ કાઉન્સિલમાં સભ્યોની સંખ્યા વધારવા અને રાજ્ય વિદ્યુત નિયમનકારી આયોગને વધુ સત્તાઓ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી જેથી રાજ્યો તેમની જરૂરિયાતો અનુસાર નિયમો બનાવી શકે.

ગયા વર્ષે નવેમ્બરમાં, સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ક્લાઈમેટ ચેન્જ  પર એક કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ભારત સહિત 120 દેશોએ ભાગ લીધો હતો.  આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે ભારત વતી ’પંચામૃત’નો સિદ્ધાંત રજૂ કર્યો હતો.

’પંચામૃત’ હેઠળ, ભારતે આબોહવા પરિવર્તનને રોકવા માટે પાંચ લક્ષ્યો નક્કી કર્યા છે, જેમાં 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતા સુધી પહોંચવા, 2030 સુધીમાં અને 2070 સુધીમાં નવીનીકરણીય ઉર્જા સાથે 50% ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલ આ નવું બિલ આ ’પંચામૃત’ની જોગવાઈઓને લાગુ કરવાનો માર્ગ મોકળો કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.