Abtak Media Google News

ગેરકાયદે પ્રવેશતી ડિજિટલ એપ્લીકેશન સાયબર ડિપાર્ટમેન્ટ માટે મોટો પડકાર 

ચીની એપ્લીકેશન ઉપરના ‘સરકારી પ્રતિબંધ’ને પ્રજા ગાંઠશે?

કોરોના મહામારીએ સમગ્ર વિશ્ર્વને હચમચાવી દીધું છે. ત્યારે આ મહામારી કરતા પણ ભારત માટે વધુ ખતરનાક ચીનનો ડિજીટલ વાયરસ છે. ડિજીટલ વાયરસના કારણે દેશના કરોડો લોકોના ડેટા ચીન લઈ જાય છે. અધુરામાં પૂરું અબજો રૂપિયાનો કારોબાર પણ કરે છે. ડેટા ચોરીનું આ કૌભાંડ વર્ષોથી ચાલ્યું આવે છે. આવા સંજોગોમાં કોરોનાથી પણ ભયંકર ડ્રેગનનો ડિજીટલ વાયરસ ભારત નાથી શકશે કે કેમ તે મોટો પ્રશ્ર્ન બની ગયો છે. કોરોના વાયરસની મહામારીને રોકવા લોકડાઉન સહિતના પગલા કારગત નિવડ્યા છે. ત્યારે ચીનના ડિજીટલ વાયરસને રોકવા માટે ભારતે પ્રથમ તબક્કે ૫૯ મોબાઈલ એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ લાદી દીધો છે.

કેન્દ્ર સરકાર દ્વારા ડેટા પોલીસી અને ભારતના સર્વભૌમત્વનો મુદ્દો આગળ ધરીને ૫૯ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ માટે લેવાયેલ નિર્ણય ભવિષ્ય માટે અગત્યનો બની રહેશે. જો કે, ગેરકાયદે પ્રવેશતી ડિજીટલ એપ્લીકેશન સાયબર ડિપાર્ટમેન્ટ માટે મોટો પડકાર બની ચૂકી છે. કેન્દ્ર સરકારે એપ્લીકેશનોને પ્રતિબંધ રાખવા નિર્ણય તો કર્યો છે. પરંતુ લોકો ચાઈનીઝ એપ્લીકેશન પ્રત્યેનો મોહ છોડશે કે કેમ તે પણ ગંભીર પ્રશ્ર્ન છે.

થોડા મહિના પહેલા જ્યારે ટીકટોકને પ્રતિબંધીત કરવામાં આવ્યું હતું ત્યારે પ્લે સ્ટોર પરથી ટીકટોક ડાઉનલોડ થઈ શકતી ન હતી. જો કે જેની પાસે અગાઉથી જ ટીકટોક ડાઉનલોડ કરેલ હોય તેવા ઉપભોગતાઓ ટીકટોકનો ઉપયોગ કરી શકતા હતા. આ ઉપરાંત એપ્લીકેશનની એપીકે ફાઈલ શેરીંગ કરીને પણ ટીકટોક મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી શકાતી હતી. આવી છટકબારીના કારણે તે સમયે પણ યુઝર્સ ઘટ્યા નહોતા. હવે કેન્દ્ર સરકારે ૫૯ જેટલી એપ્લીકેશનનો દેશની સુરક્ષા ઉપર ખતરો ગણાવી જેમ પ્રતિબંધ મુક્યો છે તેમાં છીંડા રહેશે નહીં. સુત્રો પાસેથી મળતી વિગત મુજબ વર્તમાન સમયે કેન્દ્ર સરકારે મુકેલો પ્રતિબંધ ખુબજ ગંભીર છે.

લદ્દાખમાં તણાવપૂર્ણ સ્થિતિની વચ્ચે ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકીને ભારતે કૂટનીતિનું એક નવું પાસું ફેંકયું છે. જો કે આ એપ્સથી ભળતી ફીચર્સવાળી એપ્લિકેશનની કમી નથી આથી ભારતને નુકસાન નથી. જો ચીન માટે ભારતનું એપ માર્કેટ માત્ર મોટું જ નથી પરંતુ તે વધી રહ્યું હતું. ચીનના ટ્રેડર્સના હિતોને નુકસાન પહોંચાજવા આ એક મોટો નિર્ણય છે. આ એપ્સને હવે ભારતમાં ડાઉનલોડ અને ઉપયોગ કરી શકાશે નહીં. જે રીતે ભારતમાં ચીનની વિરૂદ્ધ માહોલ છે આ પ્રતિબંધ બીજા કેટલાંય સેકટરમાં પણ વધી શકે છે. આ નિર્ણય ચીની વેપારીઓ અને ચીન માટે ભારતની તરફથી એક અગત્યનો સંદેશ છે.

ભારત એવા દેશોમાં સામેલ છે જ્યાં ઇન્ટરનેટના ભાવ વિશ્વમાં સૌથી ઓછા છે. અહીં ૮૦ કરોડથી વધુ ગ્રાહકો છે. આમાંથી અડધાથી વધુ સ્માર્ટફોન યુઝર્સ ૨૫ વર્ષ કે તેથી ઓછી ઉંમરના છે. ૫૯ ચીની એપને બંધ કરીને ભારતે માત્ર પોતાના ઇરાદાને જ વ્યક્ત કર્યો નથી પરંતુ ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ટિકટોક ભારતમાં સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લિકેશન છે. તેમાં ૧૨ કરોડથી વધુ એક્ટિવ યુઝર્સ હતા. તે સામાન્ય રીતે આધુનિક સુવિધાઓથી અછૂત યુવાનોની વચ્ચે ખાસ્સી લોકપ્રિય છે. ટિકટોક પર ૩૦% વીડિયો ભારતીય યુઝર્સ દ્વારા બનાવવામાં આવે છે. ભારતીય યુવાનો આ ચાઇનીઝ એપ્સ પર ઘણો સમય પસાર કરતા હતા એટલે કે ચીન તેમની સામે ઇચ્છે તે મુજબની સામગ્રી આપી શકતું હતું. ભારતે આ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકીને ખૂબ મોટા બજારના દરવાજા બંધ કરી દીધા છે.

ટિકટોક સિવાય, હેલ્લો અને લાઈક જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ખૂબ જ પ્રખ્યાત છે. બીંગો લાઈવ એ યુઝર્સની વચ્ચે પોપ્યુલર છે જે અંગ્રેજીમાં કમ્ફર્ટેબલ નથી. જ્યારે આ યુઝર્સ અચાનક ચીની એપ્લિકેશનોનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે તો તેમની આવકમાં ખાસ્સી એવી નુકસાની થશે. મોટાભાગની એપ્લિકેશનની કમાણી માટે યુઝર્સને વચ્ચે-વચ્ચે જાહેરાતો દેખાડે છે. જો મોટો યુઝરબેઝ જ ગાયબ થઇ જાય તો જાહેરાતમાંથી આવતી આવકને ફટકો પડશે.

ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાથી ભારતને અસર થશે નહીં. જે યુઝર્સ આ એપ્સનો ઉપયોગ કરતા હતા તેમને હવે બીજો વિકલ્પ શોધવો પડશે જે માર્કેટમાં કંઇ ઓછા નથી. બીજું આ પ્રતિબંધને કારણે ઘણા ભારતીય ડેવલપર્સ એપ્સ બનાવવા માટે ઉત્સાહિત થશે. કેટલાંયે તો પોતાની એપ્સમાં મેક ઇન ઇન્ડિયા લખવાનું પણ શરૂ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે ચીનમાંથી ઉત્પન્ન થયેલા કોરોના વાયરસને કારણે આખુ વિશ્ર્વ સંકટમાં મુકાઇ ગયું છે. કરોડો લોકોને કોરોના વાયરસનું સંક્રમણ લાગી ચૂકયું છે અને લાખો લોકોનો ભોગ આ મહામારી લઇ ચુકી છે. મહામારીના લીધે ઉદ્યોગ ધંધાઓ ઉપર પણ માઠી અસર પહોંચી છે. આવી સ્થિતિમાં ભારતમાંથી દર વર્ષે અબજો રૂપિયા ઢસડી જતી ચાઇનીઝ એપ્લિકેશન એટલે કે ડ્રેગનના વાયરસને રોકવા પણ સરકારના પ્રયત્નો કારગત નીવડશે તેવી આશા છે  અત્યારસુધી ચીનની એપ્લિકેશનો વિનામૂલ્યે છે તેવુ ગણીને અબજો રૂપિયા લઇ જતી હતી. ભારતીય નાગરિકોના ડેટા જોખમમાં મુકાયા હતા. જેને રોકવા સરકારે પ્રયત્ન કર્યો છે.

સરકારે કેવી રીતે મુક્યો છે પ્રતિબંધ

ભારત સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવશે જેમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને આ એપ્સને બ્લોક કરવા માટે કહેવામાં આવશે. એપ્લીકેશનના યુઝર્સને ટૂંક સમયમાં સ્ક્રીન પર એક સંદેશ જોવા મળશે કે સરકારની સૂચના પર એપ્લિકેશનનું એક્સેસ રોકી દેવામાં આવ્યું છે. ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલના એપ સ્ટોર પર પણ આ મેસેજ દેખાશે. જો કે એ એપ્સનો ઉપયોગ ચાલુ રહી શકે છે જેમને એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નથી. જો કે આ એપ્સ હવે ભારતમાં ડાઉનલોડ કરી શકાશે નહીં.

એપ્લીકેશન કેવી રીતે કરે છે લોકોના ડેટાની ચોરી

ચાઈનીઝ એપ્લીકેશનોના માધ્યમથી ભારતીય નાગરિકોના સંવેદનશીલ ડેટાની ચોરી થતી હોવાની ફરિયાદો તો અગાઉ અનેક વખત ઉઠી હતી. દા.ત. ટીકટોક એપ્લીકેશન જ્યારે મોબાઈલમાં ડાઉનલોડ કરવામાં આવે છે ત્યારે આવી એપ્લીકેશન કેમેરા, માઈક્રોફોન અને ગેલેરી સહિતની વસ્તુઓને એકસેસ કરવા માટે મંજૂરી માંગતી હોય છે. યુઝર્સ જ્યારે આ મંજૂરી આપે એટલે આવી એપ્લીકેશન બનાવનાર વ્યક્તિ યુઝર્સના સ્માર્ટફોનમાં ડોકીયુ કરવા સક્ષમ બની જાય છે. યુઝર્સના માઈક્રોફોન થકી અન્ય દેશમાં અવાજ પણ સાંભળી શકાય તેવી શકયતાઓ છે. આ ઉપરાંત કેમેરાના માધ્યમથી પણ ડેટા ચોરી થતી હોય છે. યુઝર્સનું લોકેશન પણ લીક થઈ જતુ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.