બીજી લહેર પછીની ભારતીય ઇકોનોમી: હવે સામા પવને નાવડું હાંકવાનું છે..!

બે મહિના પહેલા સૌને બચી જવાની ચિંતા હતી, આજે બચી ગયેલાઓને ફરી કેમ કરીને ગાડી પાટે ચડાવવી એની ચિંતા છે..! હવે આ એક જાણે સિઝનલ સાયકલ બની ગઇ છે! કોવિડ-19 ની મહામારીનાં પ્રથમ તાંડવ માંથી બહાર આવીને ઇકોનોમીને કળ વળે તે પહેલા બીજી વેવ આવી અને ફરી બધું વેરવિખેર કરી ગઇ છે, આમછતાંયે હજુ દેશમાં બધું રાબેતા મુજબ તો થયું જ નથી, પણ થશે તેવી આશા બંધાણી છે.

આજના સંજોગોમાં શું બચ્યું છે તેને અને શું સારૂં થયું તેને યાદ રાખીઐ તો જ ફરી બેઠા થઇ શકાશે એ પણ નક્કી છે. અર્થશાસ્ત્રીઓ હે છે કે ભારતીય અર્થતંત્રની ગાડી જુલાઇ-21 નાં પ્રારંભે પાટે ચડવાની સંભાવના છે. જોકે આ વખતે શેરબજાર ટકી ગયું એ સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે, આ ઉપરાંત સરકારે આવશ્યક સેવાઓને જરૂર પ્રમાણે ખુલ્લી રાખી, એકસાથે આખા દેશમાં સંપૂર્ણ લોકડાઉન ન કરવું પડ્યું અને વેક્સીન અને રેમડેશીવીર રૂપી હાથ વગાં હથિયાર પાસે હતા એ પણ ફાયદો છે. તેથી કદાચ 2020 માં થયેલી બદહાલી જેટલી વધારે ખરાબ હાલત નહીં થાય.

ભારતના ચીફ ઇકોનોમિક એડવાઇઝર કહે છે કે જો ત્રણ શિફ્ટમાં કામ કરીએ તો દરરોજ એક કરોડ લોકોને વેક્સીન આપી શકાય અને 2022 ના સુર્યોદય વખતે કદાચ દેશમાં રસીકરણ અભિયાન પુરૂં થઇ શકે. આ ભલે આસાન નથી પણ અશક્ય પણ નથી. તેમના મતે કોવિડ-19 સામે ના જંગને ચાલુ રાખવા સાથે ઇકોનોમીને દોડતી રાખવા માટેનો આ એક માત્ર વિકલ્પ છે.

આંકડા બોલે છે કે આશરે એક કરોડ લોકોની રોજગારી ગઇ છે. આ આંકડો સતત વધી રહ્યો છે. આગામી દિવસોમાં બેરોજગારીનો દર 12 ટકા સુધી જાય તેવું અનુમાન મુકાયું છે. જે સામાન્ય રીતે ત્રણ થી ચાર ટકા સુધીનો રહે તે ઇચ્છનીય છે.  આ વખતે મોટા માંથાં અને નાનો કર્મચારી વર્ગ સૌને અસર થઇ છે. બીજી વેવમાં હેલ્થ કેર પાછળ 97 ટકા જેટલો મોટો ખર્ચ થયો છે. તેથી મધ્યમ વર્ગીયોની બચતમાં પણ મોટો ઘટાડો થયો છે.

ગત વખતે લોકડાઉન વખતે કામગાર વર્ગને તકલીફ ન પડે તે માટે સરકારે કહ્યું હતું કે પગાર કાપશો નહી. સાથે જ સરકારે રાહતના પટારા ખોલ્યા હતા. તેથી ગરીબીની રેખા હેઠળ જનારા ની સંખ્યામાં વધારાનો દર નીચો રહ્યો હતો. પરંતુ આ વખતે આમાનું કાંઇ નથી તેથી હવે શું થશૈ ખબર નથી.

હાલમાં થયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે 55 ટકા લોકો કબુલે છે કે આવકમાં ઘટાડો થયો છૈ જ્યારે માત્ર ત્રણ ટકા લોકો કહે છે કે તેમની આવકમાં વધારો થયો છે. આ ત્રણ ટકામાં પણ કદાચ પેલા ઇ-કોમર્સ કે હોમ ડિલીવરી ફૂડવાળાનો એક હિસ્સો હોઇ શકે છે. આગામી દિવસોમાં કદાચ ગરીબીની રેખા હેઠળ જનારો વર્ગ મોટો હોઇ શકે છે.કદાચ એટલે જ મુડીઝ ની ઇન્વેસ્ટર સર્વિસની આગાહી આવી છે કે માર્ચ-2022 ના અંતે ભારતનો ગ્રોથ 9.3 ટકા રહેશે.

હાલમાં હજુ ત્રીજી વેવનો ભય માથે ઝળુંબી રહ્યો છે તેથી લોકો ખર્ચ કરવાના મુડમાં નથી. આ માનસિકતા ઇકોનોમીના ચક્રને બ્રેક મારી શકે છે. આજની ભારતની સ્થિતી એવી છે કે આપણા કરતા બાંગ્લાદેશની માથાદિઠ આવક વધારે થઇ ગઇ છે. માથાદિઠ આવકનો ઘટાડો ગરીબ તથા અમીર વચ્ચેનો તફાવત વધારે છે તથા કેટલી હદે ગરીબી વધી રહી છે તેના સંકેત આપે છે.

હાલની આપણી પરિસ્થિતી જોતા 2022 માં દેશનો  જી.ડી.પી. 10થી નીચે રહેશે જે ખાસ ચિંતાજનક ગણાય. લોનના હપ્તા ચુકવવા માટે અપાયેલા ચેક બાઉન્સ થવાનાં કિસ્સા છેલ્લા એક વર્ષમાં બમણા થયા છે. જ્યારે ક્રડિટ કાર્ડની ચુકવણીના કિસ્સામાં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે.  હવે આગામી દિવસોમાં રિટેલ લોનનાં ડિફોલ્ટના કેસોમાં મોટો વધારો થવાનો ભય ઉભો થયો છે.

ઉપરના તમામ મુદ્દાઓ એવા સંકેત આપે છે કે હાલમાં આપણે સામા પવને નાવડું હાંકી રહ્યા છીએ. છતાં સરકાર હિંમત આપી રહી છે. દેશની નાણાકિય ખાધ બજેટમાં જે ટાર્ગેટ કરાઇ હતી તે જ એટલે કે 6.8 ટકા રહેવા સરકારને ભરોસો છે. સરકારે જે 1.75 લાખ કરોડ રૂપિયાનો ડિસઇન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવ્યો છે તેનો અમલ થશે જ એવો સરકારનો દાવો છે.

વળી સરકાર કહે છે કે ગત વર્ષે મહામારી સામે લડવા માટે સરકારનું આગોતરૂં આયોજન નહોતું એટલે વચ્ચે રાહતો જાહેર કરવી પડી હતી. આ વખતે બજેટમાં જ વિશેષ જોગવાઇ કરવામાં આવી છે તેથી નવી જાહેરાતોની જરુર નથી. ખેર સાચું જે હોય તે પણ સરકાર પાસે જ નાણા નહોય ત્યારે રાહતોની આશા રાખવી નકામી છે.હાલમાં લોકડાઉનનાં કારણે કારોબાર ઠપ્પ છે પણ વહેલી તકે સરકાર ઇન્ફ્રાસ્ટ્રકચર અને બાંધકામનાં પ્રોજેક્ટ શરૂ કરે તેવી  આશા છે જે નીચલા વર્ગના કામદારો માટે રોજગારની તકો ઉભી કરી શકશે. આ બધી એવી આશાઓ છે જે આપણને સામા પવને પણ નાવડું કિનારે ખેચી જવાનું જોમ આપશે..!