Abtak Media Google News

Table of Contents

ડરો મત… સાવચેતી જરૂરી

દુકાનો, લારી-ગલ્લા, શોપીંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર સલૂન, બ્યૂટી પાર્લર રાત્રિના 10 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે

હોટલ-રેસ્ટોરન્ટ 75 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરીની 11 વાગ્યા સુધી છૂટ

લગ્નપ્રસંગ, રાજકીય, સામાજીક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં 400 લોકો એકત્રિત થઇ શકશે: અંતિમવિધીમાં 100 વ્યક્તિઓની છૂટ

રાજ્યની આઠ મહાનગર પાલિકાઓમાં ઉપરાંત આણંદ અને નડિયાદમાં પણ 15મી સુધી રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ

સરકારી અને ખાનગી બસ 75 ટકા ક્ષમતા સાથે દોડશે: થિયેટરો, જીમ, સ્વિમિંગ પુલ, લાયબ્રેરી ઓડિયોરિયમ 50 ટકા ક્ષમતાથી ધમધમશે

ધોરણ 1 થી 9માં 31મી જાન્યુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે: ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના વર્ગો 50 ટકા ક્ષમતાથી ચાલુ રહેશે

બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ: મુસાફરોને રાહત

દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના રેકોર્ડ કેસો નોંધાવા લાગ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે કોરોનાની ત્રીજી લહેર આ મહિનાના અંતમાં અને ફેબ્રુઆરીના પ્રારંભમાં સુનામીમાં ફેરવાય એવી શક્યતા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા એક નવા મોડલિંગ અધ્યયનની ભવિષ્યવાણી કરવામાં આવી છે કે જાન્યુઆરીના અંત સુધીમાં દૈનિક ધોરણે 10 લાખથી વધુ કોરોનાના કેસો આવવાની શક્યતા છે.

દેશમાં કોરોના વાઇરસની ત્રીજી લહેર જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં પીક પહોંચે એવી શક્યતા છે, જેની અસર દેશમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં જોવા મળશે. જોકે વિવિધ રાજ્યોમાં ગાઇડલાઇન્સની વિવિધ સ્થિતિઓ થઈ શકે. વિવિધ રાજ્યો માટે ત્રીજી લહેરની પીક જાન્યુઆરીના મધ્યથી ફેબ્રુઆરીના મધ્ય ભાગ સુધી અલગ-અલગ રહેશે, એમ અધ્યયન કહે છે. જોકે માર્ચના પ્રારંભ સુધી કોવિડ-19 ધીમો પડે અથવા સ્થિર થવાની શક્યતા છે.

ભવિષ્યવાણી એ વાતને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે કે પાછલા વેરિયેન્ટ અને રસીકરણથી વસતિનો એક હિસ્સો નવા વેરિયેન્ટને લઈને અતિ સંવેદનશીલ છે. મોડલે માન્યું હતું કે 30 ટકા વસતિ, 60 ટકા કે 100 વસતિ અતિસંવેદનશીલ છે. વાઇરસ પ્રતિ સંવેદનશીલ લોકો ટકાવારીને આધારે દેશમાં દૈનિક કેસો આશરે ત્રણ લાખ, છ લાખ અથવા 10 લાખ હોવાની શક્યતા છે.

દેશમાં ત્રીજી લહેરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા 10 દિવસોમાં કોરોનાના દૈનિક ધોરણે કેસો 18 ગણા વધ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં સરેરાશ દૈનિક કેસોમાં 485 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,17,100  નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 28.8 ટકાનો વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 302  લોકોનાં મોત થયાં છે.

કોરોનાના કેસ વધતા પ્રજા પર પાબંધીઓ શરૂ

આજથી 10 વાગ્યે ઘરમાં પુરાઇ જશો: શાળાઓને પણ તાળા

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા સંક્રમણને અટકાવવા માટે પ્રજા પર પાબંધીઓનો કોરોડો વિઝવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્યની આઠ મહાપાલિકા ઉપરાંત આણંદ અને નડિયાદમાં આજથી 15મી જાન્યુઆરી સુધી રાત્રિના 10

વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ધો.1 થી 9ની શાળાઓ ફરી બંધ કરી દેવામાં આવી છે. 31મી જાન્યુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા હાથ ધરીને રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય-આરોગ્યના વિશાળ હિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગર ઉપરાંત આણંદ શહેર અને નડીયાદમાં દરરોજ રાત્રિના 10:00 કલાકથી સવારના 06:00 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.

દુકાનો વાણિજ્યક સંસ્થાઓ લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર હાટ, હેર કટીંગ સલૂન, સ્પા અને બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 10:00 કલાક સુધી ચાલુ રાખી શકાશે. જ્યારે હોટલ-રેસ્ટોરેન્ટ્સ બેઠક ક્ષમતાના 75 ટકા સાથે રાત્રિના 10:00 કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરીની સેવાઓ રાત્રિના 11:00 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગમાં ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમક્રિયા/દફનવિધીમાં મહત્તમ 100 વ્યક્તિઓની મંજૂરી મળશે.

પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટ નોન.એ.સી. બસ સેવાઓ 75 ટકા ક્ષમતા સાથે જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ 75 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક તથા સ્વિમિંગ પુલ, વાંચનાલયો અને ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના 50 ટકાથી ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 10:00 કલાક સુધી ખુલ્લા રહી શકશે.

ધો.9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ખુલ્લા રાખી શકાશે. રાજ્યભરની શાળાઓમાં ધોરણ 1 થી 9 માં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફલાઇન શિક્ષણ તા.31 જાન્યુઆરી સુધી બંધ રહેશે. માત્ર ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રહેશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસઓપી સાથે યોજી શકાશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે સરકાર દ્વારા નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. જો કેસમાં સતત વધારો થશે તો નિયંત્રણોની અવધી લંબાવવામાં પણ આવશે.

ગુજરાતમાં સતત પાંચમા દિવસે કોરોના કેસમાં 1000નો ઉછાળો: 5396 સંક્રમિત

રાજ્યમાં રંગ બદલતા મૌસમની સાથે કોરોના કેસ જેટ ગતિએ વધી રહ્યા છે. જેમાં સતત પાંચમા દિવસે ગુજરાતમાં કોરોના કેસમાં સતત 1000નો ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે ગઈ કાલે વધુ 5396 લોકો સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે મૃત્યુ દર નહીવતની જેમ હોય તેમ એક દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં સૌથી વધુ રાજ્યના

સૌથી વધુ 2311 કેસ અમદાવાદ શહેર અને જિલ્લામાં નોઁધાયા છે. તો સુરત શહેર અને જિલ્લામાં 1452 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં એક દર્દીનું મોત સુરત જિલ્લામાં નોંધાયું છે. જ્યારે વડોદરામાં વધુ 281 લોકો કોરોનાની ઝપટે ચડ્યા છે. રાજ્યમાં હાલ 18,583 એક્ટિવ કેસ નોંધાયા છે. તો 19 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેઓને વેન્ટિલેટર પર સારવાર અપાઈ રહી છે.

ગુજરાતમાં બીજી લહેરમાં મૃત્યુદર અધધ.. 230%!!

ભારત, કેનેડા અને યુ.એસ.ના સંશોધકો દ્વારા એક સંશોધન પેપર તૈયાર કરવામાં આવ્યું છે. જે પેપર દર્શાવે છે કે ગુજરાતમાં કોવિડ-19ની બીજી તરંગ જ્યારે તેના ચરમ પર હતી તે એપ્રિલ-મે 2021 દરમિયાન એકંદરે તમામ પ્રકારના મૃત્યુ 2018-19 માં નોંધાયેલા સરેરાશ માસિક મૃત્યુદરની સરખામણીએ 230% જેટલા વધુ હતા. આ સંશોધન પત્રમાં અંદાજ આપવામાં આવ્યા મુજબ ગુજરાતમાં પ્રતિ મહિને સરેરાશ 17,000 જેટલા

નોંધાતા મૃત્યુઆંકમાં વધારો થઈને એપ્રિલ-મે 2021 દરમિયાન પ્રતિ મહિને 39,000 મૃત્યુ નોંધાયા હતા. તેમજ બીજી લહેરના આ પીક સમયના સર્વે મુજબ આ મૃત્યુ આંકડા અન્ય 16 ભારતીય રાજ્યો કરતા સૌથી વધુ હતા. ઈન્ટરનેશનલ જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધન પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે આખા ભારતનો સરેરાશ મૃત્યુદર એપ્રિલ-મે 2021 દરમિયાન 120% જેટલો વધ્યો હતો. આ બે મહિનામાં દેશમાં મૃત્યુ સરેરાશ 3.75 લાખથી વધીને 4.5 લાખ થઈ ગઈ હતી.

‘જોખમી’ દેશોમાંથી આવનારા તમામ યાત્રિકો માટે 7 દિવસનું કવોરેન્ટાઇન ફરજિયાત

ભારતમાં વિદેશથી આવનારા તમામ મુસાફરોએ 7 દિવસ માટે ફરજિયાતપણે હોમ ક્વોરેન્ટાઇન થવું પડશે અને વિદેશથી આવ્યાના આઠમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. કોરોના સંક્રમણ વધતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ આદેશ જારી કર્યો છે, જે 11 જાન્યુઆરીથી અમલમાં આવશે.કેન્દ્ર સરકારે કોરોનાની દૃષ્ટિએ

જોખમવાળા દેશોની યાદી પણ જારી કરી છે. તે દેશોમાંથી ભારત આવનારાઓએ વધારાની તકેદારીઓનું પાલન કરવાનું રહેશે. જોખમવાળા દેશોની યાદીમાં બ્રિટન સહિત યુરોપના દેશો, દ.આફ્રિકા, બોત્સવાના, ચીન, ઘાના, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, ટાન્ઝાનિયા, હોંગકોંગ, ઇઝરાયલ, કોંગો, ઇથિયોપિયા, કઝાકિસ્તાન, કેન્યા, નાઇજિરિયા, ટ્યૂનિશિયા અને ઝામ્બિયા સામેલ છે. કોરોના સંક્રમણ વધતાં દિલ્હી એઇમ્સમાં રૂટીન પેશન્ટ્સને દાખલ કરવા પર રોક લગાવી દેવાઇ છે. એઇમ્સમાં ઓપીડી સેવા ચાલુ રહેશે.

કોરોનાએ પરીક્ષાની ‘પરીક્ષા’ લેવાનું શરૂ કર્યું

રાજ્ય સરકારે શુક્રવારે કોરોનાના વધતા સંક્રમણને નવી કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કરી છે.  જો કે, પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે કે ઓફલાઇન લેવાશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. જીટીયુના સૂત્રોએ જણાવ્યું હતું કે, આનાથી ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ફિક્સમાં મુકાઈ ગઈ છે કારણ કે યુનિવર્સિટીની પરીક્ષાઓ 20 જાન્યુઆરીથી શરૂ થવાની છે. રાજ્યમાં કોવિડ -19 કેસોમાં વધારો થયો છે.

લગભગ 60,000 વિદ્યાર્થીઓ આગામી પરીક્ષા આપે તેવી અપેક્ષા છે.  સરકારે સ્પષ્ટતા કરવાનાઈ તાતી જરૂરિયાત છે જેથી કોલેજો માટે તૈયારી કરવી સરળ બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.