Abtak Media Google News

આ કફ સીરપ પીવાથી આફ્રિકાના ગામ્બિયામાં 66 બાળકોના મોત નિપજતા અરેરાટી

ભારતમાં બનેલી 4 કફ સીરપ પીવાથી આફ્રિકાના ગામ્બિયામાં 66 બાળકોના મોત નિપજ્યા છે. જેને પગલે ડબ્લ્યુએચઓએ આ 4 કફ સીરપ સામે એલર્ટ જાહેર કર્યું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ બુધવારે મેઈડન ફાર્માસ્યુટિકલ લિમિટેડ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ કફ-કોલ્ડ સિરપને લઈને ચેતવણી જારી કરી છે. ગામ્બિયામાં 66 બાળકોના મોત બાદ ડબલ્યુએચઓએ લોકોને તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.  ચારેય સિરપ – પ્રોમેથાઝીન ઓરલ સોલ્યુશન, કોફેક્સમાલિન બેબી કફ સીરપ, મેકોફ બેબી કફ સીરપ અને મેગ્રીપ એન કોલ્ડ સીરપ મેડેન ભારતમાં હરિયાણામાં સ્થિત ફાર્માસ્યુટિકલ દ્વારા બનાવવામાં આવે છે.

ડબ્લ્યુએસચઓએ કહ્યું કે આજ સુધી કંપનીએ આ ઉત્પાદનોની સુરક્ષા અને ગુણવત્તાની ખાતરી આપી નથી.  ચાર ઉત્પાદનોના નમૂનાઓનું લેબોરેટરી પૃથ્થકરણ પુષ્ટિ કરે છે કે તેમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલની અસ્વીકાર્ય માત્રા મળી આવી છે.

ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલનું સેવન જીવલેણ સાબિત થઈ શકે છે.  તેની અસરોથી પેટમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા, પેશાબ કરવામાં અસમર્થતા, માથાનો દુખાવો, બદલાયેલ માનસિક સ્થિતિ અને કિડનીની સમસ્યાઓ થઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે જ્યાં સુધી સંબંધિત રાષ્ટ્રીય નિયમનકારી સત્તાવાળાઓ દ્વારા યોગ્ય રીતે પરીક્ષણ કરવામાં ન આવે ત્યાં સુધી ઉત્પાદનોના તમામ બેચને અસુરક્ષિત ગણવા જોઈએ.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ડબ્લ્યુએચઓએ 29 સપ્ટેમ્બરના રોજ ગામ્બિયામાં થયેલા મૃત્યુ અંગે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને જાણ કરી હતી.  સીડીએસસીઓ (સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન) એ તરત જ રાજ્યના ડ્રગ કંટ્રોલર સાથે આ મામલો ઉઠાવ્યો છે.  પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કંપનીએ અત્યાર સુધી આ ઉત્પાદનોની નિકાસ માત્ર ગામ્બિયામાં જ કરી છે.  આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આયાત કરનાર દેશ ગુણવત્તાના માપદંડો પર આ ઉત્પાદનોનું પરીક્ષણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.