Abtak Media Google News

રહાણે, પૂજારા શૂન્ય રને પેવેલિયન ભેગા : ઓસીએ સિરીઝમાં ૧-૦ થી લીડ મેળવી

ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય બોલરોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેચ પરની પકડ મજબૂત બનાવી હતી. તેમાં પણ ખાસ અશ્વિનનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું. ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીન્ગે કહ્યું હતું કે, અશ્વિનની નજર અંદાજી ઓસ્ટ્રેલિયન ટીમને ભારે પડી ગઈ. પરંતુ બીજી ઇનિંગમાં ભારતીય બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનના કારણે ભારત ફકી ૩૬ રનમાં ઓલ આઉટ થઈને પેવેલિયન પહોંચ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે ભારતને ૮ વિકેટે હરાવ્યું છે. આ સાથે કાંગારૂએ ડે-નાઈટ ટેસ્ટમાં ન હારવાનો ક્રમ યથાવત્ રાખ્યો છે. કંગારૂ આ જીત સાથે પિન્ક બોલ સાથે રમાયેલી આઠમાંથી આઠ ટેસ્ટ જીતી ગયુ છે. બીજી તરફ, ટીમ ઇન્ડિયા સતત ત્રીજી ટેસ્ટ ત્રણ દિવસની અંદર હારી છે. આ પહેલાં ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટીમ ઇન્ડિયાએ બંને ટેસ્ટ ત્રણ દિવસની અંદર ગુમાવી હતી. વેલિંગ્ટન ખાતે ભારત ૧૦ વિકેટે અને ક્રાઈસ્ટ ચર્ચ ખાતે ૭ વિકેટે હાર્યું હતું.

પ્રથમ મેચમાં ભારતે ૫૩ રનની લીડ મેળવી હતી જ્યારે બીજી ઇનિંગમાં ભારત ફક્ત ૩૬ રનમાં ઓલઆઉટ થતા ૯૦ રનનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ ૨૧ ઓવરમાં ૨ વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. જો બર્ન્સે ૫૧ અને મેથ્યુ વેડે ૩૩ રન કર્યા હતા. ભારત માટે રવિચંદ્રન અશ્વિને ૧ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટની સિરીઝમાં ૧-૦ ની લીડ મેળવી લીધી છે.

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે બીજી ઇનિંગ્સમાં ૯ વિકેટે ૩૬ રન કર્યા હતા. મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થતાં ભારતીય ઇનિંગ્સ સમાપ્ત થઇ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને ૯૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટમાં સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં ટીમ ઇન્ડિયા ૧૯૭૪માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતે ૪૨ રનમાં ઓલઆઉટ થઇ હતી.

પ્રથમ ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાને ૫૩ રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા ૯૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો.કાંગારૂ માટે જોશ હેઝલવૂડે ૫ અને પેટ કમિન્સે ૪ વિકેટ લીધી હતી.  ભારતનો કોઈપણ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો નહીં.

ભારતીય ટીમને કારમી હારનો સામનો લરવો પડ્યો તેની પાછળ મુખ્યત્વે બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન જવાબદાર રહ્યું હતું. વિરાટ કોહલી ૪ રને કમિન્સની બોલિંગમાં ગલીમાં ગ્રીનના હાથે કેચ આઉટ થયો હતો. ચેતેશ્વર પૂજારા શૂન્ય રને કમિન્સની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. એ પછી મયંક અગ્રવાલ ૯ રને જોશ હેઝલવૂડની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે અજિંક્ય રહાણે પણ શૂન્ય રને હેઝલવૂડની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.