ટેસ્ટમેચમાં ભારતનો લોએસ્ટ સ્કોર: હવે બોલરો પર મંડાતી મીટ

બીજી ઈનીંગ દરમિયાન ભારતીય બેટ્સમેનોએ ધબડકો ર્ક્યો: પ્રથમ ઈનિંગમાં બોલરોએ કરેલા પ્રદર્શન પર પાણી ફરી વળ્યું

ભારત-એાસ્ટ્રેલીયા વચ્ચેની ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ભારતે લોએસ્ટ સ્કોર કર્યો હતો. જયાં એક બાજુ ગત ઈનિંગ કરતા વધુ રન થવાની શકયતાઓ સેવાય રહી હતી ત્યાં બીજી બાજુ બેસટમેનોએ તમામ  ઉમીદો પર પાણી ફેરવી દીધું હતું. ભારતે ફકત ૩૧ રનમાં ૯ વિકેટ ગુમાવી દીધી હતી. જેને ધ્યાને રાખતા ભારતનો સ્કોર ૪૦ રન સુધી પહોંચે તે પણ અઘરું લાગી રહ્યું હતું. ભારતીય ટેસ્ટમેચના ઈતિહાસમાં સૌથી ઓછા રનનો સ્કોર આ મેચમાં જોવા મળ્યો હતો.

ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં પ્રથમ મેચ દરમિયાન ભારતના બેટ્સમેનોએ પ્રદર્શન સારૂ કર્યું પરંતુ મેચ પર પક્કડ બનાવવામાં બોલરોએ સૌથી મહત્વનો ફાળો આપ્યો. ટીમ ઓસ્ટ્રેલીયાએ ભારતીય બોલર આર.અશ્ર્વિનને નજર અંદાજ ર્ક્યો જેના કારણે ઓસ્ટ્રેલીયાની વિકેટો ધડાધડ પડવા લાગી. ઓસ્ટ્રેલીયાના બેટ્સમેન અશ્ર્વિનને સમજવામાં થાપ ખાઈ ગયા હોય તે પ્રકારે ઓસ્ટ્રેલીયાનો ડાઉનફોલ શરૂ થયું. ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રીકી પોન્ટીંગના

મત મુજબ ઓસ્ટ્રેલીયન ટીમને અશ્વિનની નજર અંદાજી ભારે પડી.

એડીલેડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ટેસ્ટ મેચનો જંગ જામ્યો છે. પ્રથમ ઈનીંગની વાત કરવામાં આવે તો ભારતે કુલ ૨૪૪ રન કર્યા હતા. જેમાં સુકાની કોહલીએ ૭૪, પૂજારાએ ૪૩ અને રહાણેએ ૪૨ રન કર્યા હતા. ટેસ્ટ મેચની સાપેક્ષમાં આ રનનું પ્રદર્શન શ્રેષ્ઠ કહી શકાય નહીં. મેચનો સ્કોર પણ મોટો ગણી શકાય નહીં. પરંતુ તે દરમિયાન ભારતની ફિલ્ડીંગ લાઈને કમાલ કરી હતી. ભારતીય ઓફ સ્પીનર આર.અશ્વિનનું પ્રદર્શન ટેસ્ટ મેચની પ્રથમ ઈનીંગમાં સર્વશ્રેષ્ઠ રહ્યું હતું. અશ્ર્વિને સ્ટીવ સ્મીથ સહિતના બેટ્સમેનોની વિકેટ ચટકાવી ભારતને પ્રથમ ઈનીંગમાં જોરદાર પક્કડ અપાવી હતી. અશ્ર્વિનની ખાસીયત છે કે, જ્યારે કોઈ તેની ઉપર એટેક કરવાનો પ્રયત્ન કરે ત્યારે તે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ખતરનાક સ્વરૂપ ધારણ કરતો હોય છે અને ટેસ્ટ મેચની પ્રથમ ઈનીંગમાં કંઈક આવું જ બન્યું હતું. સ્ટીવ સ્મીથે અશ્ર્વિન પર આક્રમણ કરવાનો પ્રયત્ન કર્યો બદલામાં સ્ટીવ સ્મીથને પેવેલીયન ભેગો કરી દીધો હતો. સ્મીથની વિકેટ અંગે જો ચર્ચા કરવામાં આવે તો સ્મીથ હરહંમેશથી ઓફ સ્ટમ્પ કવર કરીને રમનાર પ્લેયર છે. પરંતુ અશ્ર્વિનની ઓફમાં નખાયેલી બોલમાં સ્ટીવ આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમની જો વાત કરવામાં આવે તો આ ટીમ હરહંમેશથી અગ્રેસીવલી એટેકથી રમનાર ટીમ છે જે ક્યારેક તેમના માટે પડકારજનક પણ સાબીત થતું હોય છે. ટીમ કાંગારૂ ડિફેન્સીવ રમી શકતું નથી. તેના કારણે પ્રથમ ઈનીંગમાં બોલરો હાવી થયા હતા. પ્રથમ ઈનીંગ દરમિયાન જે રીતે એટેક કરવાની ચાહમાં ટીમ ઓસ્ટ્રેલીયાએ અશ્ર્વિનને નજર અંદાજ કર્યો તેના કારણે ભારતને ૫૩ રનની લીડ મળી હતી. આ ઘટનાને ધ્યાને રાખતા ચોકકસ હિંદી ફિલ્મની પંક્તિ યાદ આવે કે, ‘તેરા ધ્યાન કીધર હૈ, તેરા હિરો ઈધર હૈ’ મુજબ ઓસ્ટ્રેલીયન બેટ્સમેન અશ્ર્વિનની ક્ષમતાને ઓળખી જ શક્યા નહીં પરિણામે થાપ ખાઈ પ્રથમ ઈનીંગ પરથી પક્કડ ગુમાવી હતી.

જો કે, બીજી ઈનીંગની વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ધબડકો કર્યો હતો. પ્રથમ ઈનીંગમાં બોલરોએ જે મહેનત કરી પક્કડ મજબૂત બનાવી હતી તે મહેનત ઉપર બેટ્સમેનોએ પાણી ફેરવી નાખ્યું હતું. ટીમ ઈન્ડિયાની ફકત ૧૯ રનમાં ૬ વિકેટ પડી ગઈ હતી. જેમાં સુકાની વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાના એક પણ પ્લેયર બે આંકડામાં રન બનાવી શકયા નહોતા. વિરાટ કોહલી પેટ કમીન્સની બોલમાં આઉટ થયો હતો. કોહલીએ ૮ બોલમાં ફકત ૪ રન કર્યા હતા. જ્યારે પૃથ્વી શો ૪ બોલમાં ૪ રન, મયંક અગ્રવાલ ૯ રન, જસ્પ્રીત બુમરાહ ૨ રન, ચેતેશ્ર્વર પુજારા ૦, અંજીકય રહાણે ૦ રનમાં પેવેલીયન ભેગા થયા હતા. ટીમ ઈન્ડિયાએ બીજી ઈનીંગ દરમિયાન એક પરિવર્તન કર્યું હતું. જસ્પ્રીત બુમરાહને ૧૧માં નંબરની જગ્યાએ વનડાઉન પર મોકલી ટીમ ઓસ્ટ્રેલીયાનું મનોબળ તોડવા પ્રયત્ન કર્યો હતો. અમુક અંશે બુમરાહ સફળ પણ રહ્યો હતો પરંતુ પેટ કમીન્સે જસ્પ્રીત બુમરાહને ૨ રનમાં પેવેલીયન ભેગો કરી દીધો હતો. જો હજુ અડધી કલાક બુમરાહ પીચ પર રહ્યો હોત તો ટીમ ઓસ્ટ્રેલીયાનું મનોબળ ચોક્કસ તૂટી જાય તેવું હતું.

બીજી ઈનીંગને ધ્યાને રાખી હાલના તબક્કે ચોકકસ લાગી રહ્યું છે કે, આ મેચ લો સ્કોરીંગ મેચ રહેશે. જો ઈન્ડિયા આ મેચમાં સવાસો રનનો લક્ષ્ય પણ હાંસલ કરે તો ટીમ કાંગારૂને આ ટાર્ગેટ ચેઈઝ કરવો અઘરો પડી શકે છે. આ પીચ પર બેટ્સમેનની સાપેક્ષે બોલરોની ભૂમિકા વધુ છે. ત્યારે મેચનો તમામ દારોમદાર બોલરો ઉપર છે. આ ઈનીંગને કબજે કરવા ટીમ ઈન્ડિયાએ ઓછામાં ઓછા સવા સો રન કરવા જરૂરી છે. જે રીતે હાલ બેટ્સમેનોની વિકટ પડી રહી છે તે મુજબ હાલના તબક્કે એવું લાગી રહ્યું છે કે, આ મેચ ચોથા દિવસ સુધી પહોંચશે નહીં.