ભારતની ઓર્ગેનિક ફૂડ પ્રોડકટની નિકાસમાં 51 ટકાનો ઉછાળો,જાણો વિદેશી હુંડીયામણની કેટલી કમાણી નોંધાઈ

0
115

ભારતની ઓર્ગેનિક ફૂડ પ્રોડકટની નિકાસમાં 51 ટકાનો ઉછાળો 7,078 કરોડના હુંડીયામણની કમાણી 

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના અર્થતંત્રના આધારસ્થંભ ગણાતા કૃષિ ક્ષેત્ર વિકાસદરથી લઈ વિદેશી હુંડીયામણની આવક માટે મુખ્ય સ્ત્રોત બની રહ્યું છે. વર્ષ 2020-21માં દેશના ઓર્ગેનિક ફૂડ પ્રોડકટની નિકાસમાં 51 ટકાથી વધુનો ઉછાળો થવા પામ્યો છે અને એક વર્ષમાં જ 7,078 કરોડ રૂપિયાની વિદેશી હુંડીયામણની આવક નોંધાઈ હતી. વેપાર મંત્રાલયે જારી કરેલા આંકડામાં ગયા વર્ષની તુલનાએ ઓર્ગેનિક ફૂડ પ્રોડકટની નિકાસમાં થયેલા 51 ટકાના વધારાને લઈને 1 બીલીયન અમેરિકન ડોલર એટલે કે, 7,078 કરોડ રૂપિયાની વધારાની આવક થવા પામી છે.  વિદેશમાં થયેલી ઓર્ગેનિક ખેત પેદાશની આવકમાં સૌથી વધુ પશુઓને ખવડાવવાનો ખોળ, લોટ, તેલીબીયા, ફ્રૂટ પલ્પ, ધાન, બાજરો, ગરમ મસાલા, ચા, સુકામેવા, ખાંડ, કઠોળ, કોફી અને દરેક પ્રકારના વિવિધ તેલનો સમાવેશ થાય છે. ભારતમાંથી ઓર્ગેનિક પેદાશોની નિકાસ વિશ્ર્વના અલગ અલગ 58 દેશમાં થાય છે જેમાં અમેરિકા, યુરોપિયન સંઘના દેશો, કેનેડા, ઈંગ્લેન્ડ, સ્વીત્ઝરલેન્ડ, ઈઝરાઈલ અને દક્ષિણ કોરીયાનો સમાવેશ થાય છે.

કોરોના કટોકટી અને આર્થિક મંદીમાં અર્થતંત્ર ને કૃષિ ક્ષેત્રનું પીઠબળ વર્ષ 2020-21માં ઓર્ગેનિક ફૂડ પ્રોડકટની નિકાસમાં ભારે ઉછાળો 

ઓર્ગેનિક પદાર્થોની નિકાસમાં અત્યાર સુધી ભારત માત્રને માત્ર પ્રોસેસ પેકેટ અને જરૂર મુજબના પેકિંગ મટીરીયલ્સનું નિકાસ કરતું હતું. હવે નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડકશન એનપીઓપીના કાર્યક્રમને વધુ વિસ્તારમાં આવ્યું છે. એનપીઓપી પ્રમાણીત નિકાસને યુરોપીયન સંઘ સ્વીત્ઝરલેન્ડ દ્વારા અનપ્રોસેસ્ડ પ્લાન્ટમાં તૈયાર થયેલા પેકિંગ મટીરીયલ્સને આ પ્રમાણપત્રથી નિકાસ કરવાની છૂટ મળી જાય છે. આ ઉપરાંત ભારતની નિકાસનો દાયરો હજુ તાઈવાન, કોરીયા, જાપાન, સંયુક્ત અરબ અમીરાત, ન્યુઝીલેન્ડ જેવા દેશો સાથે વેપાર, કરાર કરવા માટે ભારતના પ્રયાસો શરૂ છે.

વિશ્વમાં ભારતની ઓર્ગેનિક પ્રોડકટની માંગનો દાયરો ખુબજ વધી રહ્યો છે. જો તાઈવાન સહિતના દેશો સાથે ભારત કરારબદ્ધ થવામાં સફળતા મેળવે તો આવનાર દિવસોમાં ભારતનું નિકાસ ક્ષેત્રનો વિકાસ 100 ટકાથી વધુ થવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here