ભારતનો રેકોર્ડ ઓસી માટે ’લોઢાના ચણા’ સમાન!!

ટી-૨૦માં ૧૨ વર્ષથી ભારત ઓસ્ટ્રેલિયાની ધરતી પર શ્રેણી હાર્યું નથી

વનડે શ્રેણી ગુમાવ્યા બાદ ભારત આજે આત્મવિશ્વાસ સાથે ટી-૨૦માં ઉતરશે કેમ કે ઓસ્ટ્રેલિયા સામેના છેલ્લા વન-ડેમાં ટિમ ઇન્ડિયાએ જોરદાર જીત મેળવી હતી બીજી બાજુ ટી-૨૦માં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. છેલ્લાં ૧૨ વર્ષથી ભારત ઓસ્ટ્રેલિયાની ધરતી પર શ્રેણી હાર્યું નથી.ભારતનો રેકોર્ડ ઓસી માટે ’લોઢાના ચણા’ ચાવવા સમાન સાબિત થશે કે કેમ તે જોવાનું રહેશે. એટલે આ પહેલાં ફેબ્રુઆરી-૨૦૦૮માં ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયાની ધરતી પર હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લે ૨૦૧૮માં જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે પણ શ્રેણી ૧-૧થી બરોબર રહી હતી.

આજના મેચમાં ભારતીય મેચમાં સૌ કોઈની નજર લોકેશ રાહુલ પર રહેશે અને તે ઓપનિંગ બેટ્સમેન તરીકે પણ આજે જોવા મળશે કેમ કે આઈ પી એલમાં રાહુલ નું શાનદાર પ્રદશન જોવા મળ્યું હતું. બીજી બાજુ ટિમ ઇન્ડિયાના યંગસ્ટાર બોલર વોસિંગટન સુંદર અને નટરાજન પર પણ સૌ ની નજર રહેશે.

બંને દેશ વચ્ચે કુલ ૮ ટી-૨૦ શ્રેણી રમાઈ ચૂકી છે. જેમાં ભારતે ૩ અને ઓસ્ટ્રેલિયાએ ૨ શ્રેણી જીતી છે, જ્યારે ૩ શ્રેણી ડ્રો રહી છે. ઓવરઓલ મેચની વાત કરવામાં આવે તો બંને ટીમે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી દ્વિપક્ષીય શ્રેણીમાં એકબીજા સામે કુલ ૯ મેચ રમી છે, જેમાંથી ભારતને ૫માં અને ઓસ્ટ્રેલિયાને ૩ મેચમાં જીત મળી છે, જ્યારે ૧ મેચનું પરિણામ આવી શક્યું નહોતું.

વન ડે શ્રેણીમાં ૨ અર્ધસદી ફટકારનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર ટી-૨૦ શ્રેણીમાં પણ ભારતીય બેટિંગનો આધાર રહેશે. કોહલીએ ટી-૨૦ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા સામે વધુ સરેરાશથી રન બનાવ્યા છે. કોહલીએ કાંગારું ટીમ સામે ૧૬ મેચમાં ૬૪.૮૮ની સરેરાશથી ૫૮૪ રન ફટકાર્યા છે.

ભારત તરફથી ટી-૨૦માં જસપ્રીત બૂમરાહ ઓસ્ટ્રેલિયા સામે સૌથી સફળ બોલર રહ્યો છે. ઓસી. સામેની વન ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાના બોલર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ત્રીજી વન ડેને બાદ કરવામાં આવે તો ભારતીય બોલર્સ શરૂઆતના બંને મુકાબલાના પાવર-પ્લેમાં એક પણ વિકેટ ઝડપી શક્યા નહોતા. ત્રીજી વન ડેમાં શાનદાર પ્રદર્શન કરનારા ટી. નટરાજન, શાર્દૂલ ઠાકુર અને કુલદીપે આશા વધારી છે.