Abtak Media Google News

ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે જબરદસ્ત વાપસી કરી છે. પ્રથમ ટેસ્ટમાં ભારતનું પ્રદર્શન નબળું નહીં પરંતુ શરમજનક પ્રદર્શન રહ્યું હતું જ્યારે ભારતે બદલાવ કરીને બીજા મેચમાં નવી પ્રતિભાઓ સાથે મજબૂત મનોબળ બનાવી નવી શરૂઆત કરી હતી અને કહેવાયું છે કે, ’ક્રિકેટ ઇઝ અ મેન્ટલ ગેમ’. ભારતે બીજા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચાટતું કરી દીધું હતું.

બીજા ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં કાંગારૂ પ્રથમ દાવમાં ૧૯૫ રન બનાવી ઓલ આઉટ થયું હતું. જેના જવાબમાં ભારતે ૩૨૬ રન ખડકી દેતા ભારતને કુલ ૧૩૧ રનની લીડ મેળવી હતી. મેચની બીજી ઇનિંગમાં ભારતે ઓસીના બેસ્ટમેનોને ફક્ત ૨૦૦ રનમાં જ પેવેલિયન ભેગી કરી દેતા ભારતે જીત માટે ફક્ત ૭૦ રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો. જે લક્ષ્યાંક ભારતે ટી – બ્રેક પૂર્વે જ ૨ વિકેટની નુક્સાનીએ ૧૫.૪ ઓવરમાં હાંસલ કરી જબરદસ્ત વાપસી કરી હતી.

બીજા ટેસ્ટ મેચમાં ભારતને જીત માટે કુલ ૭૦ રનની જરૂરિયાત હતી ત્યારે ભારતે મયંક અગ્રવાલની ૫ રને અને  ચેતેશ્વર પુજારાની ૩ રને વિકેટ ગુમાવી હતી જે બાદ ભારતીય ટીમના સુકાની અજિંક્યા રહાણે અને યુવા પ્રતિભા શુભમન ગિલે સુકાન સંભાળી મેચને ટી બ્રેક પહેલા પૂર્ણ કરી દીધો હતો.

ભારતીય બોલરોની ‘નો રન’ની રણનીતિ કારગત નીવડી

બીજા ટેસ્ટમાં ભારતની રણનીતિ અંગે જો વાત કરવામાં આવે તો ભારતીય બોલરોએ મોટાભાગના ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર અંકુશ રાખ્યો હતો. ભારતીય બોલરોએ ફક્ત એક જ લક્ષ્ય રાખ્યો હતો કે, કોઈ પણ સંજોગોમાં બેટ્સમેનોને રન આપવાના નથી. જે રણનીતિમાં ભારત મહદઅંશે સફળ રહ્યું હતું.

‘એટેક’માં માનનારી ટીમ ‘ડિફેન્સ’માં ઉણી ઉતરી

ઓસ્ટ્રેલિયન બેસ્ટમેનો હંમેશાથી એટેકની રણનીતિથી રમતા આવ્યા છે. જેના કારણે તેઓ ડિફેન્સ રમવા ટેવાયેલા જ નથી. જે નબળાઈ ભારતીય બોલરો ભલી ભાતી ઓળખી ગયા હતા. ભારતીય બોલરોઓ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર મહદઅંશે નિયંત્રણ મેળવી રન નહીં આપવાની રણનીતિથી બોલિંગ કરી હતી. રન નહીં બનતા ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો અકડાતા ઉતાવાળીયા શોટ્સ મારવામાં વિકેટો ગુમાવી હતી.

પ્રથમ મેચમાં ભારત તો બીજા મેચમાં ઓસ્ટ્રેલિયાને કેચ છોડવા મોંઘા પડ્યા

પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓએ ફિલ્ડિંગને મહત્વ નહીં આપતા અનેક મહત્વના કેચ ખેલાડીઓએ છોડી દેતા ઓસ્ટ્રેલિયા પહાડ જેવો લક્ષ્ય ખડકવામાં મહદઅંશે સફળ રહ્યું હતું. સ્ટીવ સ્મિથનો કેચ છૂટી જતા તેને પણ મહત્વની પારી પ્રથમ ટેસ્ટમાં રમી હતી. ત્યારે ભારતીય ટીમના પૂર્વ ખેલાડી મોહંમદ કૈફએ પણ આ બાબતે ભારતીય ટીમની આલોચના કરી હતી. જે બાદ ભારતે આ બાબતે ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ભારતે પોતાની ભૂલમાંથી શીખ મેળવી હતી જ્યારે કાંગારુએ કોઈ લેશન નહીં કરતા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પણ મેચમાં મહ્ત્વના કેચ છોડી દીધા હતા અને ’કેચિઝ વિન્સ ધ મેચિઝ’ મુજબ ભારતે બીજી ટેસ્ટ સરળતાથી જીતી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.