Abtak Media Google News

ના, ના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે… કરના થા ઈન્કાર મગર ઈકરાર કર બેઠે…. આ ફિલ્મી ગીત ભારતમાં ડિજિટલ કરન્સીના મુદ્દા પર સંપૂર્ણપણે બંધ બેસી રહ્યું છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં ડિજિટલ કરન્સીને અમલી બનાવવા મુદ્દે કોઈ ખાસ પ્રતિભાવ ન આપી મનાઈ જ ફરમાવવામાં આવતી હતી. પરંતુ હાલ  રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારત દેશની પોતાની ડિજિટલ કરન્સી હોય તે પર ભાર મૂકી એક મહત્વનું નિવેદન આપ્યું છે.

ભારતમાં પણ ક્રીપ્ટો જેવી પોતાની ડિજિટલ કરન્સી ચલણમાં મૂકવા આરબીઆઈ વ્યૂહરચના ઘડી રહી છે: ડે.ગવર્નર રવિશંકર

આરબીઆઈ ડિજિટલ કરન્સી ભારતમાં કઈ રીતે અમલી બનાવશે તેનો એક તબક્કાવારનો પ્લાન રજુ કર્યો છે. આજના 21મી સદીના આધુનિક યુગમાં દરેક સેવાઓ ડિજિટલ બનતી થઈ છે. સવલતો આંગળીના ટેરવે ઘરઆંગણે મળતી થઈ છે. ઓનલાઇન પેમેન્ટ માધ્યમ દ્વારા ચુકવણા તો ડિજિટલ બન્યા છે પણ આ સાથે હવે ચુકવણું પણ ડિજિટલ બને એટલે કે ફિઝિકલ કરન્સીની જગ્યા હવે ડિજિટલ કરન્સી લેશે.

વિશ્વના ઘણા ખરા દેશોમાં ડિજિટલ કરન્સી મારફત વેપાર-ધંધા થાય છે પરંતુ ભારતમાં હજુ ડિજિટલ કરન્સીને કાયદાકીય સ્વરૂપ અપાયું નથી. આ પાછળ મજબૂત સાયબર સુરક્ષાનો અભાવ સહિતના પરિબળો જવાબદાર છે. અત્યાર સુધી સરકાર સહિત રિઝર્વ બેન્ક દ્વારા ડિજિટલ કરન્સીના અમલીકરણ પર ના કહેવામાં આવતી હતી. આને ગેરકાયદે ઠેરવવામાં આવતી પરંતુ હવે વિશ્વભરમાં ડિજિટલ કરન્સીના ક્રેઝને ધ્યાનમાં લેતા ભારતે પણ આ તરફ ઝંપલાવ્યુ છે. દેશમાં ક્રિપ્ટો કરન્સી જેવી ડિજિટલ કરન્સીને કાયદાકીય સ્વરૂપ આપવા માટે આરબીઆઇએ કવાયત હાથ ધરી છે.

આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરે આ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે આરબીઆઈ તબક્કાવાર રીતે પોતાની ડિજિટલ કરન્સી રજૂ કરવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. કેન્દ્રીય બેંક જથ્થાબંધ અને છૂટક ક્ષેત્રોમાં તેને પાયલોટ ધોરણે રજૂ કરવાની તૈયારીમાં છે. તેમણે કહ્યું કે સેન્ટ્રલ બેંક ડિજિટલ ચલણ ( સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી-સીબીસીડી ) સોશિયલ આઇડિયાના સ્તરથી ઘણી દૂર છે.

વિશ્વની ઘણી મધ્યસ્થ બેન્કો આ દિશામાં કાર્ય કરી રહી છે. લો સેન્ટર ફોર લીગલ પોલિસી’ના ઓનલાઇન કાર્યક્રમ દરમિયાન ચર્ચામાં ભાગ લેતા, તેમણે કહ્યું કે ડિજિટલ કરન્સીમાં હજુ ઘણી અસ્થિરતાઓ રહેલી છે જેનાથી ગ્રાહકોને બચાવવા પણ જરૂરી છે. નોંધનીય છે કે નાણાં મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય આંતર પ્રધાન સમિતિએ નીતિ અને કાનૂની માળખાની તપાસ કરી છે. તેણે સીબીડીસીને દેશમાં ડિજિટલ ચલણ તરીકે રજૂ કરવાની ભલામણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.