Abtak Media Google News

આજથી નવી દિલ્હી ખાતે ભારત-યુએઈ વચ્ચે સીપા કરાર અંતર્ગત બે દિવસીય બેઠક કાર્યક્રમ શરૂ

વેપાર, મેન્યુફેક્ચરિંગ તેમજ રોકાણ માટે વિશ્વને એક મંચ આપવા ઉપરાંત વૈશ્વિક ઓળખ ઉભી કરવા ભારત પોતાની દિશા તરફ આગળ વધી રહ્યું છે. મોદી સરકારના નેતૃત્વમાં વિદેશોમાં ભારતની એક આગવી ઓળખ ઉભી થઇ છે ત્યારે હજુ ભારતના અન્ય દેશો સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે.

વૈશ્વિક વેપારમાં પોતાનો હિસ્સો વધારવા માટે ભારત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના ઘણા દેશો સાથે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર- સિપા (CIPA) કરવા માટે પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે આ માટે યુનાઈટેડ આરબ અમીરાતે વધુ ઉત્સાહ અને રસ દર્શાવ્યો છે. જેના ભાગરૂપે આજથી નવી દિલ્હી ખાતે સિપાના પ્રથમ રાઉન્ડની બેઠક શરૂ થઈ છે. જે બે દિવસ સુધી ચાલશે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે આ બેઠકથી ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે. તેમજ બંને દેશ વચ્ચેનો વ્યાપાર આવતા પાંચ વર્ષ સુધીમાં 7.5 લાખ કરોડને પાર થઈ જાય તો નવાઈ નહીં..!! યુએઈના વિદેશ વેપાર રાજ્ય મંત્રી થની બિન જયોદીએ વાણિજ્ય અન કેન્દ્રીય વેપાર મંત્રી પીયૂષ ગોયલ સાથે જણાવ્યું હતું કે, યુએઈ સાથે સીઆઈપીએ કરાર માટે બે દિવસની વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ ગુરુવારથી દિલ્હીમાં શરૂ થશે. આ કરાર પર વાટાઘાટો ચાલુ રહેશે, જો કે મહત્વના કરાર પર હસ્તાક્ષરની અપેક્ષા છે.

સીઆઈપીએ કરાર માટે આજથી શરૂ થતી વાટાઘાટોનો રાઉન્ડ દર થોડા દિવસો સુધી ચાલુ રહેશે અને યુએઈ સાથે કાયમી વ્યાપારી સંબંધો બનાવવા માટે ડિસેમ્બર 2021 સુધીમાં વાટાઘાટોની શરતોને અંતિમ રૂપ આપવામાં આવશે. આ પછી, શક્ય તેટલી વહેલી તકે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, ફેબ્રુઆરી 2022માં બંને દેશોના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાનો દ્વારા તેના પર હસ્તાક્ષર કરવામાં આવશે.

આજથી શરૂ થયેલી વાટાઘાટોમાં, ભારત અને યુએઈ બંને દેશો તેમના સંબંધિત વ્યવસાયિક હિતો વિગતવાર એકબીજાની સામે રજૂ કરશે. CIPA કરારની શરતોમાં બંને દેશોના મહત્તમ વ્યાપારી હિતોની રક્ષા માટે પ્રયાસો કરવામાં આવશે. ભારતના એમએસએમઈ ક્ષેત્ર, કારીગરો, હેન્ડલૂમ અને હસ્તકલા તેમજ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને મોટો ફાયદો થશે. આ કરારથી બંને દેશો વેપારની દ્રષ્ટિએ એકબીજા માટે સૌથી અનુકૂળ દેશો જેવા બની જશે અને આયાત ડ્યુટી સહિતના ટેરિફમાં ફાયદો મળશે.

રોકાણકારોને મોટી રાહત; કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે લોન્ચ કરી સિંગલ વિંડો સિસ્ટમ

સ્થાનિક અને વિદેશી રોકાણકારો તેમજ ઉધોગકારો, વ્યવસાયિકોને માટે મોટી રાહતરૂપ સુવિધા સરકારે શરૂ કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ લોન્ચ કરી છે. જેનાથી હવે પોર્ટલ મંજૂરી અને નોંધણી માટે સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા નહીં પડે અને આવતી મુશ્કેલીઓ દૂર થશે.  કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ પોર્ટલ આજે 18 કેન્દ્રીય વિભાગો અને 9 રાજ્યોમાં મંજૂરીઓ મેળવે છે અને ડિસેમ્બરના અંત સુધીમાં અન્ય 14 કેન્દ્રીય વિભાગો અને 5 રાજ્યોમાં પણ ઉભી કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તે અમલદારશાહી અને વિવિધ વિન્ડોવ્ઝ સિસ્ટમમાંથી વ્યવસાયિકોને આઝાદી અપાવશે. વેપારમાં સરળતા તરફ તે એક મોટું પગલું છે. આનાથી ભારતમાં ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસનો વ્યાપ વધશે. તે ભારતને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક પગલું છે. હવે રોકાણકારોને એક જ પોર્ટલ પરથી મંજૂરીઓ મળી રહેશે. અલગ અલગ જગ્યાએ જવાની જરૂર રહેશે નહીં. વિભિન્ન શાખાઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળતા રોકાણકારોને વધુ પ્રોત્સાહન મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.