ફોર્મ્યુલા 2 રેસમાં ભારતનો ત્રિરંગો લહેરાયો : જેહાન દારૂવાલાએ રેકોર્ડ સર્જ્યો

સખત પરિશ્રમ થકી સિદ્ધિ પ્રાપ્ત કરી જ શકાય છે : જેહાન દારૂવાલા

ઇન્ડિયન રેસર જેહાન દારૂવાલાએ રવિવારે ઇતિહાસ સર્જ્યો છે. વિશ્વ કક્ષાની કાર રેસ ફોર્મ્યુલા 2 રેસ જેહાન દારૂવાલાએ જીતી પ્રથમવાર ભારતનો ત્રિરંગો લહેરાવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, આજ સુધીમાં ભારતના કોઈ પણ રેસરે આ ખિતાબ જીત્યું ન હતું.

રેસમાં ફોર્મ્યુલા 2 રેસના ચેમ્પિયન મિક સંકમચર, ડેનિયલ ટિકતમ અને 22 વર્ષીય ભારતીય રેસર જેહાન દારૂવાલા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. રેસની શરૂઆતમાં ટિકતમે લીડ જાળવી હતી. બીજા ક્રમાંકે સંકમચર અને ત્રીજા નંબરે જેહાન રહ્યો હતો. થોડીક કોર્નરો બાદ જેહાને લીડ મેળવવા સારા મુવસ કર્યા હતા. જેના કારણે જેહાન સંકમચરને પાછળ મૂકી બીજા ક્રમાંકે આવ્યો હતો. થોડા લેપ્સ બાદ ફરીવાર સંકમચર બીજા ક્રમાંકે આવીને જેહાનને ત્રીજા ક્રમાંકે મુકવામાં સફળ રહ્યો હતો. પરંતુ જેહાને હાર માની ન હતી અને થોડી ક્ષણો બાદ જેહાન ફરીવાર બીજા ક્રમાંકે આવવામાં સફળ રહ્યો હતો.

રેસ પૂર્ણ થવામાં જ્યારે ફક્ત 10 લેપ્સ બચી હતી ત્યારે જેહાને સારી મૂવ કરી પ્રથમ ક્રમાંકની લીડ મેળવી હતી. અંતે જેહાન ફોર્મ્યુલા 2 રેસમાં ત્રિરંગો લહેરાવવામાં સફળ રહ્યો હતો. ફક્ત 3.5 સેક્ધડના અંતરથી જેપનીઝ રેસર યુકી સુનોડાએ બીજો ક્રમ જ્યારે ટિકતમે ત્રીજો ક્રમ મેળવ્યો હતો.

રેસ જીત્યા બાદ જેહાને કહ્યું હતું કે, ભારતીય રેસરોને યુરોપ જેવી સુવિધાઓ તેમજ ટ્રેનિંગ મળતી નથી તેમ છતાં સખ્ત મહેનત કરીને મંજિલ મેળવી જ શકાય છે.

ઉલ્લેખનીય બાબત છે કે, ફોર્મ્યુલા 2 રેસ એ ફોર્મ્યુલા 1 રેસનો પ્રવેશદ્વાર તો હોય જ છે પરંતુ ફોર્મ્યુલા 2 રેસ જીતેલા રેસરની ફોર્મ્યુલા 1 રેસ જીતી લેવાની શકયતા વધી જતી હોય છે.