ટેક્સ ભરવામાં ઉદાસીનતા: જામ્યુકોના 1.54 લાખ કરદાતાઓએ નથી ભર્યો મિલકત વેરો

0
29

કારપેટ આધારીત અમલમાં આવી ત્યારથી  મિલ્કત વેરો ભરવામાં ઉદાસીનતા 

આઉટ સોર્સિંગ એજન્સી મારફતે મિલકતવેરો વસુલવા આયોજન હાથ ધરાય તે જરૂરી 

જામનગર મહાનગર પાલિકા નો મુખ્ય આવકનો સ્ત્રોત ગણાય તો તે મિલ્કત વેરો છે. વિકાસના કામો અને મહાનગર પાલિકાની સુવિધા અનેક શહેરીજનો માગી રહ્યા છે ત્યારે આ મિલ્કત વેરામાં જે રકમ મિલ્કત ધારકોએ કરવેરારૂપે ભરવી જોઇએ તે ભરવામાં ખૂબ જ નબળુ વલણ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. શહેરમાં 2020-21ના વર્ષમાં કુલ 2,85,000 મિલ્કત ધારકોમાંથી માત્ર 1,15,000 મિલ્કત ધારકોએ જ મિલ્કત વેરો ભર્યો હોવાનું જાણવા મળે છે. જયારે મહાનગરપાલિકાના વિસ્તારમાં રહીને 1,54,000 જેટલા મિલ્કત ધારકોએ મિલ્કતવેરો ભરવામાં પાછીપાની કરી હોવાનું જાણવા મળે છે.જામનગર મહાનગરપાલિકામાં મિલ્કત વેરો ભરવા માટે 2,85,000 મિલ્કત ધારકોને જાણ કરવામાં આવી હતી. જેમાથી માત્ર 1,15,000 મિલ્કત ધારકોએ મિલ્કત વેરો ભર્યો છે. જયારે 1,54,000 મિલ્કત ધારકોએ મિલ્કત વેરો ન ભર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે, 2020-21ના વર્ષમાં 1,54, 000 મિલ્કત ધારકો મિલ્કત વેરાની રકમ ભરેલ નથી.

મિલ્કતવેરાની નવી પદ્ધીતથી કારપેડ બેઇઝ જયારથી અમલમાં આવી છે ત્યાર પછી મિલ્કત ધારકો મિલ્કત વેરો ભરવામાં આવતો ન હોવાનું પણ જાણવા મળે છે. મહાનગરપાલિકાના મિલ્કત વેરાની રકમ પેટે કરોડો રૂપિયાની વસુલાત બાકી હોવા છતા મહાનગર પાલિકાનું તંત્ર ઉદાસીન વલણ શા માટે દાખવી રહ્યું છે તે એક સવાલ છે. એક તરફ મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરાની વસુલાત માટે ઝુંબેશ ચલાવે છે. પરંતુ કયાંક ને કયાંક કોઇને કોઇ ભલામણો કે શરમ રાખીને મહાનગરપાલિકાની વસુલાત થઇ શકતી નથી કે અન્ય કોઇ કારણ છે તે પણ એક વિચારવા જેવી બાબત છે.એક તરફ મહાનગરપાલિકા પાસેથી વિકાસના કામોની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. રોડ, પાણી, સ્ટ્રીટ લાઇટ, સફાઇ સહિતની સુવિધાઓ સાથે વિકાસ જોઇએ છે પરંતુ વિકાસ કરવા માટે મિલ્કત ધારકોએ જે કરવેરાની રકમ મહાનગરપાલિકામાં નિયમીત ભરવી જોઇએ તે ન ભરતા હોવાનું પણ જાણવા મળે છે. રહેણાંક મકાનના મિલ્કત ધારકો ઉપરાંત ઔદ્યોગીક તેમજ વેપારી સંકુલોની મિલ્કતોના લાખો રૂપિયાની મિલ્કત વેરાની વસુલાત લાંબા સમયથી બાકી રહે છે. ખરેખર તો મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારમાં મિલ્કત વેરાની આવક જે પ્રમાણે થતી હોય તે પ્રમાણે ત્યાં વિકાસના કામો માટે આયોજન કરી ગ્રાંટ ફાળવવી જોઇએ. આ પ્રકારની યોજના અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાઇ હોવાનું જાણવા મળે છે.

મહાનગરપાલિકાની તિજોરી ઉપર આર્થિક ભારણ ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરાની વસુલાત માટે અલગથી જ એજન્સીને કામ સોંપવુ જોઇએ. જે રીતે બેંક દ્વારા તેમજ અન્ય કંપનીઓ દ્વારા તેમની બાકી નીકળતી રકમ માટે ઉઘરાણીની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તે રીતે મહાનગરપાલિકાએ આઉટ સોર્સિંગ એજન્સી મારફત મિલ્કત વેરાની વસુલાત કરવા માટે આયોજન હાથ ધરવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here