Abtak Media Google News

સિટી હોલ ઉપર ખૂંખાર ગેંગનો હુમલો, ગોળીબારથી બિલ્ડીંગ આખી ધણઘણી: સેના તૈનાત કરાઈ

દક્ષિણ પશ્ચિમ મેક્સિકોના સેન મિગુએલ ટોટોલાપન શહેરમાં આડેધડ ગોળીબારની ઘટનામાં 18 લોકો માર્યા ગયા છે.  મૃતકોમાં શહેરના મેયર પણ સામેલ હતા. અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

પોલીસનું કહેવું છે કે બંદૂકધારીઓએ બુધવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 2 વાગ્યે સિટી હોલ પર હુમલો કર્યો હતો.  સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં બિલ્ડિંગ પર ગોળીઓના નિશાન પણ જોઈ શકાય છે.  મેયર કોનરાડો મેન્ડોઝા અલ્મેડાની પાર્ટી પીઆરડીએ તેમની હત્યાની નિંદા કરી અને ન્યાયની માંગણી કરી.  આ હુમલા માટે અપરાધી ગેંગ લોસ ટેકિલરોસ ઉપર આરોપ છે.

અહેવાલ અનુસાર, આ હુમલામાં અનેક પોલીસ અધિકારીઓ અને કાઉન્સિલ પણ માર્યા ગયા છે.  કેટલાક અહેવાલો દાવો કરે છે કે મેન્ડોઝા અલ્મેડાના પિતા, ભૂતપૂર્વ મેયર જુઆન મેન્ડોઝા એકોસ્ટાની પણ સિટી હોલ પર હુમલા પહેલા તેમના ઘરમાં હત્યા કરવામાં આવી હતી.  સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ગુરેરો રાજ્યના એટર્ની જનરલે કહ્યું કે 18 લોકો માર્યા ગયા અને ત્રણ ઘાયલ થયા.  હુમલા બાદ દેશના રક્ષા મંત્રાલયે કહ્યું કે બંદૂકધારી હુમલાખોરોની શોધ માટે આ વિસ્તારમાં સેનાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી રહી છે.

શહેરોમાં આતંક મચાવનાર ખુંખાર ગેંગ ફરી સક્રિય

ગ્યુરેરોના ગવર્નર એવલિન સાલ્ગાડો પિનેડાએ ટ્વિટ કરીને મૃતકો માટે શોક વ્યક્ત કર્યો હતો.  હુમલાના થોડા સમય બાદ, લોસ ટેકિલરોસ ગેંગના કથિત સભ્યોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે તેઓ આ વિસ્તારમાં પાછા ફર્યા છે.  આ ગેંગે 2015 અને 2017 વચ્ચે ગુરેરોમાં આતંક મચાવ્યો હતો.  તે શહેરોના મેયરોને નિશાન બનાવવા માટે જાણીતો હતો.  પરંતુ ગેંગના વડા વિદ્રોહી જેકોબો ડી અલ્મોન્ટેની હત્યા બાદ આ ગેંગ નિષ્ક્રિય થઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.