Abtak Media Google News

રાજ્ય સરકારે નવી કુલ 21 ઔદ્યોગિક વસાહતોને આપી લીલીઝંડી : સૌરાષ્ટ્રમાં વીંછીયા, છાપરા, સાવરકુંડલા અને નવા બંદરે જીઆઇડીસીનું નિર્માણ કરવાની જાહેરાત

હવે રાજ્યના ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે. કારણકે રાજ્ય સરકારે 21 નવી જીઆઇડીસીને લીલીઝંડી આપી છે. જેમાં 4 જીઆઇડીસી સૌરાષ્ટ્રની છે. આ જીઆઈડીસીમાં વીંછીયા, છાપરા, સાવરકુંડલા અને નવા બંદરનો સમાવેશ થાય છે.

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે સત્ર દરમિયાન ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરના જવાબમાં સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે નવી 21 જીઆઇડીસી બનાવવાની જાહેરાત કરી છે. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ગૃહમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી રોજગારીની તકો વધશે.

સરકાર દ્વારા રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સત્રમાં ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરના જવાબમાં આ મહત્ત્વની જાહેરાત કરાઈ છે. જેમાં અમદાવાદના ગાંગડને નવી જીઆઇડીસી મળશે. બનાસાકાંઠાના થરાદ, વડગામ, લવાણા, ભીલડી, પાલનપુરમાં નવી જીઆઇડિસી બનશે તેવી જાહેરાત કરાઈ છે. પાટણના સિદ્ધપુર અને સાંતલપુર તેમજ રાજકોટના વિંછિયામાં અને છાપરામાં નવી જીઆઈડીસી બનશે. ભરૂચના આમોદ તેમજ મહેસાણાના જોટાણા તથા નાની ભલુમાં જ્યારે ગાંધીનગરના કડજોદરા નવી જીઆઈડીસી સ્થાપાશે. છોટા ઉદેપુરના લડોદમાં અને અમરેલીના સાવરકુંડલા તેમજ ગીર સોમનાથના નવા બંદરમાં નવી જીઆઇડીસીમાં બનાવવાની જાહેરાત કરાઈ છે. ખેડાના ઠાસરામાં પણ નવી જીઆઇડીસી બનશે. ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતા માટે અભ્યાસ કરાશે તેમજ ઉદ્યોગ સ્થાપના માટે આનુષંગિક વ્યવસ્થાનો પણ અભ્યાસ કરવામાં આવશે.

રોજગારીની ભરપૂર તકો ઉભી થશે

ઉદ્યોગમંત્રીએ ઉદ્યોગ વિભાગના પ્રશ્ર્નોના જવાબો આપતાં કહ્યું હતુંકે, રાજ્યમાં જે નવી જીઆઇડીસી બનાવવાની વાત કરવામાં આવી છે. તે માટે ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતા માટે અભ્યાસ કરાશે તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની જાહેરાત કરાઈ છે ત્યારે આ નિર્ણયથી રોજગારીની તકો વધશે.

રાજકોટ જિલ્લાને લોટરી
છેલ્લા 1 વર્ષમાં નવી 5 જીઆઇડીસી મળી

રાજ્ય સરકાર તરફથી રાજકોટ જિલ્લાને લોટરી લાગી છે. કારણકે છેલ્લા એક વર્ષમાં જિલ્લાને નવી 5 જીઆઇડીસી મળી છે. અગાઉ સરકાર દ્વારા ખીરસરા-2, નાગલપર અને પીપરડી જીઆઇડીસીની જાહેરાત કરવામાં આવી હતી. જેનું કામ હાલ ચાલી રહ્યું છે. તેવામાં વીંછીયા ખાતે અને લોધિકાના છાપરા ખાતે સરકારે વધુ બે જીઆઇડીસીની જાહેરાત કરી છે. આમ રાજકોટ જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ હવે નવી ઊંચાઈએ આંબશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.