- જૂનાગઢના મહેમાન બનેલા ડીજી વિકાસ સહાયે સાઇબર ક્રાઇમ અંગે આપ્યુ વિશેષ માર્ગદર્શન
જૂનાગઢના મહેમાનો બનેલા રાજ્યના ડીજીપી વિકાસ સહાય એ સાયબર ક્રાઇમ અવર નેશનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે, પોલીસ સતર્ક છે, છતાં માનવું પડે છે કે દિન પ્રતિદિન સાયબર ક્રાઈમ વધી રહ્યું છે, ત્યારે સાયબર ક્રાઈમ સાથે લોકોએ જાગૃત થવાની જરૂર છે. સાયબર ક્રાઇમ ત્યારે જ બને જ્યારે વિકટીમ ભૂલ કરે છે અને સાઇબર ક્રાઇમ સફળ થાય છે, પરંતુ વિકટીમે જાતે સજાગ બનવું જોઈએ, અને કોઈપણ પ્રલોભનમાં ફસાવું જોઈએ નહી, અને બીજી બાજુ સાયબર ક્રાઇમને નાથવા રાજ્ય સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવ્યા છે તથા આમ લોકોને ખાતરી આપી હતી કે, ગુજરાત પોલીસ હમેશા તમારી સુરક્ષા માટે તત્પર છે.
રાજ્યના ડીજીપીએ શનિવારે જુનાગઢ ખાતે જણાવ્યું હતું કે, પોલીસે માટે મહિલા અને બાળકોની સુરક્ષા, ફાઈટ અગેન્સ્ટ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયબર ક્રાઇમ આ ત્રણ મુખ્ય ચેલેન્જીંગ કામગીરી છે, અને પોલીસ દ્વારા તેની સામે કડક અને ખૂબ જ સારી રીતે કામગીરી થઈ રહી છે.રાજ્યમાં છેલ્લા એક મહિનામાં શરીર સંબંધી ગુનામાં 10%નો ઘટાડો થયો છે, તેમ જણાવી વિશેષ માહિતી આપી હતી કે, અસામાજિક તત્વો સામેની પોલીસની કામગીરીના સ્વરૂપે એપ્રિલ મહિનામાં 74 ગુના, હત્યાની કોશિશના 51 ગુના તથા શરીર સંબંધી 1122 ગુનાઓ નોંધાયા છે. તથા રાજ્યભરમાં ગુન્હાખોરીને ડામવા 30 દિવસમાં 69 જેટલી એફઆઇઆર દાખલ કરવામાં આવેલ છે, અને આરોપીને પકડી લેવામાં આવ્યા છે. આ સાથે ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા 582 ઇસમોને ઝડપી લેવાયા છે, તેમાંથી 339 શખ્સો તો છેલ્લા એક વર્ષથી ફરાર હતા.
ડીજીપી વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, લોકોમાં એક પ્રકારની સલામતી, સંતોષ અને પોલીસમાં વિશ્વાસ ભાવના પેદા થાય એવા હેતુ સાથે રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં સો કલાકમાં ગુનેગારોની યાદી કરવાની સૂચના આપવામાં આવી હતી, અને બાદમાં તે ગુન્હેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેના કારણે ગુનેગારો ભયમાં છે તથા જે ગુનેગારોએ સરકારી જમીન પર બાંધકામ કર્યું હતું, એવા રાજ્યના 521 બાંધકામોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર વિવિધ જોડાણ લેનાર 799 ઇસમોના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા.
રાજ્યના 1600 કિ.મી. દરિયા કિનારાની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
ગુજરાતના 1600 કિલોમીટરથી વધુ લાંબા દરિયા કિનારાની સુરક્ષા માટે 22 કોસ્ટલ પોલીસ સ્ટેશન બનાવાયા છે અને તેમને ઇન્ટરસેપટર બોટ આપવામાં આવી છે. જે સતત પેટ્રોલિંગ કરી રહી છે, તથા ગુજરાત પોલીસ નેવી તથા કોસ્ટ ગાર્ડના સંકલનમાં રહે છે. આ સાથે ગુજરાતમાં સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક સ્થળો તથા રિફાઇનરી આવેલી છે તેમના રક્ષણનું પણ પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
પોલીસે 1-માસમાં 22 કરોડના મુદ્માલ મુળ માલીકને સોંપ્યો
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત
ગુજરાત પોલીસે છેલ્લા એક મહિનામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અંતર્ગત 669 પ્રોગ્રામ કરીને 22 કરોડનો મુદ્દામાલ રિકવર કરી તેના મૂળ માલિકને સુપ્રત કર્યો છે, જ્યારે ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી અંતર્ગત 1513 કાર્યક્રમનું આયોજન કરીને સ્થાનિક લોકો સાથે પોલીસે સીધો સંવાદ કરી તેના પ્રશ્ર્નોનું નિરાકરણ અને સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.