Abtak Media Google News

સારી વાત કહેવાય કે ખરાબ એતો સ્પષ્ટ નથી. પણ ભારતીયોની આદત છે કે આગળની પેઢીનું વિચારે છે.ભવિષ્યની સુરક્ષા જોવે છે. મતલબ કે આગળની પેઢી માટે કે ભવિષ્ય માટે તે શક્ય તેટલી બચત કરે છે. જો કે તેના કારણે જ અત્યારે દેશ સમૃદ્ધ બન્યો છે. પણ સિક્કાની બે બાજુ હોય તેમ તેના કારણે એક નુકસાન પણ થાય છે. આના કારણે સ્ટેગ્ફ્લેશન એટલે કે ખરીદ શક્તિ હોવા છતાં બચત માટે લોકો ખરીદીથી દુર રહે ત્યારે જે સર્જાય તેવી સ્થિતિ આવે છે. જો કે આનાથી ઉલટું ઘણી વાર ખરીદશક્તિ ન હોવા છતાં પણ લોકો ભરપૂર ખરીદી કરે ત્યારે પણ ઈન્ફલેશન એટલે કે ફુગાવો રહે છે.

ક્રુડતેલનાં ભાવમાં ભડકો, ઘઉં, તેલ, ધી, કઠોળ, તથા ગોળ જેવી મૂળભૂત ખાદ્ય ચીજવસ્તુઓનાં ભાવમાં દૈનિક ધોરણે ઉછાળો અને છતાયે લોકોની ખરિદી ચાલુ..! ફૂગાવાનો દર આસમાને પહોંચવાનું આ એક કારણ છે અને રિઝર્વ બેંકે વ્યાજદરમાં વધારો કર્યો તેનું પણ આ એક કારણ છે. અહેવાલો આવ્યા છે કે આગામી દિવસોમાં રિઝર્વ બેંક વ્યાજદરમાં ફરી વધારો કરશે. તો શું ભારતની ઇકોનોમી એટલી નબળી પડી રહી છે  કે હવે ટકી શકવું મુશ્કેલ છે? અને આપણે સ્ટેગ્ફ્લેશન ઇકોનોમી તરફ જઇ રહ્યા છીએ?
સ્ટેગ્ફ્લેશન ઇકોનોમી એક એવી સ્થિતી છે જેમાં માગ ઘટવાનાં કારણે આર્થિક વૄધ્ધિદર ઘટે છે અને સામે પક્ષે આવશ્યક ચીજવસ્તુઓના અને સર્વિસીઝનાં ભાવ તથા ફુગાવામાં પણ એકસાથે વધારો જોવા મળે છે. આ એક એવા સંકેત છે જેમાં લોકોનો પર્ચેઝ પાવર ઘટે છે, આર્થિક વૄધ્ધિદર પણ ઘટે છે પરંતુ ઉત્પાદન વધવા ઉપરાંત ફૂગાવાનો દર વધતો રહે છે. જો આવું લાબાંગાળા માટે રહે તો તૈયાર માલનો ભરાવો થાય જે માલ વેચાયા વિનાનો પડ્યો રહે તે મુડીરોકાણ સાથે મજૂરીનાં ખર્ચામાં વધારો કરે, આગળ જતાં બેરોજગારી વધારે અને સમયની સાથે નાણાકિય વ્યવહારો ખોરવાય. ૧૯૭૦ ના વર્ષમાં ઘણા વિકસીત દેશોમાં સ્ટેગ્ફ્લેશનની સ્થિતી જોવા મળી હતી.   જ્યારે ઓદ્યોગિક ક્ષેત્રે મોટાપાયે બેરોજગારી જોવા મળી હતી.
આ મુદ્દો એટલા માટે ઉઠ્યો છે કે આજે ઘણા લોકો એવું કહે છે કે શું ભારતમાં સ્ટેગ્ફ્લેશનની સ્થિતી નિર્માણ થઇ રહી છે? પરંતુ અર્થશાસ્ત્રીઓ ભારત માટે સ્ટેગ્ફ્લેશનનું લેબલ લગાવવા તૈયાર નથી. તેમના મતે ભારત હજુ આવી સ્થિતીથી ઘણું દૂર છે.  તેમના મતે સ્ટેગ્ફલેશન એટલે સતત વધતા ફૂગાવા વચ્ચે સતત છ મહિના સુધી નેગેટીવ ગ્રોથ. જો કે ભારત હાલમાં પણ નેગેટીવ જીડીપી ગ્રોથની રેખામાં આવ્યું નથી. બેશક લોકડાઉન વખતે થોડા સમય માટે એવી સ્થિતી હતી. પરંતુ ત્યારબાદ  ગાડી પાટે ચડી ગઇ હતી. ભારતને લાગે વળગે છે ત્યાં સુધી હાલમાં ફુગાવાનો દર છેલ્લા ૧૪ મહિનાની સૌથી ઉંચી સપાટીએ છે. આ એક ચિંતાનો વિષય જરૂર છે. પરંતુ આજની સ્થિીતીને સ્ટેગ્ફલેશન કહી શકાય નહીં. હજુ ફુગાવાનો દર ૮% થી ઉપર જાય ક્રુડતેલનાં ભાવ ૧૪૦ ડોલર થાય ત્યાં સુધી ભારતે ચિંતા કરવાની  જરૂર નથી.બેશક સાવચેત રહેવું જરૂરી છે.
દેશની આર્થિક નીતિનું એક ચક્ર હોય છે. ત્રણ દાયકા પહેલા નરસિંહરાવ સરકારે ચક્ર બદલીને ઉદારીકરણનો અમલ કર્યો હતો. આ નીતિ સફળ પણ રહી છે. પરંતુ દરેક રણનીતિનું સમયાંતરે મુલ્યાંકન કરવાનું હોય છે. ૩૦ વર્ષનાં ઉદારીકરણનાં સમયગાળામાં લાખોને નવી રોજગારી મળી છે.
27 કરોડ લોકો ગરીબીની રેખા માંથી બહાર આવ્યા છે. વૈશ્વિક બજારોમાં ભારતનો માલ ખુશી-ખુશી વેચાઇ રહ્યો છૈ. પરંતુ અમુક સેક્ટરો એવા છે જેમાં સમયની સાથે બેકફૂટ ઉપર જઇને નવી નીતિ બનાવવી પડતી હોય છે. તો આજના સંજોગો એવું કહે છે કે શું આપણે હવે ઉદારીકરણના ઘોડાને લગામ પહેરાવવી જોઇએ? વૄધ્ધિદર ઘટતો હોય તો  આવા પગલા લઇને પરિસ્થિતી ઉપર પ્રયોગ  કરી શકાય  છે. જો એ સફળ દેખાય તો વધારે ટુચકા પણ કરી શકાય. કારણ કે આજના સંજોગોમાં ક્યો કારોબાર કેટલો ચાલશે તે નક્કી કરવું મુશ્કેલ હોય છે. જો પ.સ્થિતી ઉપર ચાંપતી નજર નહી તો ભારતની સ્થિતી શ્રીલંકા જેવી બની શકે છે.
ફુગાવાનો દર ભારતીય રાજકારણમાં બહુ જ સેન્સીટીવ નુદ્દો ગણાય છે. એટલેજ જ્યારથી ફુગાવો ૬.૦ ટકાથી વધારે ગયો છે ત્યારે સરકારને નવા પ્રયોગો કરવા જ પડશે. સરકારને ટકી રહેવું હશે તો દેશને ટકાવી રખાય એવા નક્કર પગલાં જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.