Abtak Media Google News
  • 24 સપ્ટેમ્બરના રોજ 9 સભ્યોને ચૂંટવા માટે મતદાન થશે: મતદાન થયા બાદ 26 સપ્ટેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 9 સભ્યોની ચૂંટણીને લઈ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયા બાદ આજથી ઉમેદવારીપત્રો ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ 10 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે. 24 સપ્ટેમ્બરના રોજ 9 સભ્યોને ચૂંટવા માટે મતદાન થશે. મતદાન થયા બાદ 26 સપ્ટેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આમ, સપ્ટેમ્બરના અંત સુધીમાં શિક્ષણ બોર્ડના નવા સભ્યો ચૂંટાઈ જશે. ઉમેદવારો 2 સપ્ટેમ્બર સુધી પોતાના ફોર્મ બોર્ડની કચેરી ખાતે જમા કરાવી શકશે. ઉમેદવારીપત્રો જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ બોર્ડની કચેરી ખાતે 20 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન મળી રહશે. આમ, 2 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી પુર્ણ થયા બાદ એક પણ ફોર્મ સ્વિકારવામાં આવશે નહીં.ફોર્મ ભરાઈને મળ્યા બાદ 3 સપ્ટેમ્બરના રોજ ચકાસણી હાથ ધરવામાં આવશે. જેમાં માન્ય રહેલા ફોર્મ અને અમાન્ય રહેલા ફોર્મની વિગતો સાથે સંવર્ગવાર નોંધાયેલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ યાદી પ્રસિદ્ધ થયા બાદ 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પુર્ણ થયા બાદ 10 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી જંગમાં બાકી રહેલા ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે. આમ, 10 સપ્ટેમ્બરના રોજ કયા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવશે. ઉમેદવારોને પ્રચાર માટે પંદર દિવસ જેટલો સમય મળી રહેશે. 24 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ બોર્ડના 9 સભ્યોને ચૂંટવા માટે મતદાન થશે. મતદાન પુર્ણ થયા બાદ બે દિવસ પછી એટલે કે 26 સપ્ટેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

સંચાલક મંડળમાં સૌથી વધુ તીવ્ર સ્પર્ધા

આ વખતની શિક્ષણબોર્ડની ચૂંટણીમાં શાળા સંચાલક મંડળની બેઠક પર સૌથી વધુ તીવ્ર સ્પર્ધા યોજાય તેવી શક્યતા છે. દર વખતની જેમ આ વખતે પણ આ બેઠકમાં રસાકસી થશે. 2023માં પણ રાજકોટના સ્વતંત્ર ઉમેદવાર ડો.પ્રિયદવન કોરાટને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ પોતાના નજીકના હરિફ નારણ પટેલને 1 મતે હરાવી સતત પાંચમી વખત બોર્ડ સભ્ય બન્યા છે.આ વખતે સમગ્ર રાજ્યમાં એક જ બેઠક હોવાથી સ્પર્ધા તીવ્ર રહેશે.

રાજ્યના 74242 મતદારો મતદાન કરશે

શિક્ષણ બોર્ડના વિવિધ 9 જેટલા સભ્યોને ચૂંટવા માટે 24 સપ્ટેમ્બરના રોજ મતદાન થવાનું છે. મતદાનને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા મતદાર યાદી અદ્યતન કરવામાં આવી છે. આ મતદાર યાદી બોર્ડની કચેરી ખાતે 13 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન જોઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઉપરાંત મતદાર યાદી બોર્ડની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાંથી આ ચૂંટણીમાં 74242 જેટલા મતદારો મતદાન કરવાના હોવાનું જાણવા મળે છે. જેથી ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ઉમેદવારો પોત પોતાના સંવર્ગના મતદારોને આકર્ષવાના પ્રયાસોમાં લાગી જશે.

પ્રિન્સીપાલમાં ઢળવું તું અને ઢળ્યા જેવો ઘાટ

ગતવર્ષે 9 બેઠકો પૈકી બીએડ પ્રિન્સિપાલની અને સરકારી શિક્ષકની બેઠકો બિન હરીફ થઈ હતી. એટલે કે 9 બેઠકોમાં પ્રિન્સીપાલની બેઠકમાં સૌથી ઓછા મતદાર છે જેથી તેમાં સ્પર્ધા નહિવત છે. એટલે કે પ્રિન્સીપાલમાં ઢળવું તું અને ઢળ્યા જેવો ઘાટ સર્જાશે.શિક્ષણ બોર્ડના 9 સભ્યોને ચૂંટવા માટે 24 સપ્ટેમ્બરના રોજ મતદાન થવાનું છે. અગાઉ એક સંવર્ગમાં એક કરતા વધુ સભ્યો હતા. પરંતુ બે વર્ષ પહેલા બોર્ડ દ્વારા ફેરફાર કરી તમામ સંવર્ગમાં એક- એક સભ્ય રાખતા હવે માત્ર 9 જ સભ્યોને ચૂંટવા માટે મતદાન થાય છે. જેમાં સંચાલક, આચાર્ય, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક, બી.એડ. કોલેજના પ્રિન્સીપાલ, વાલી મંડળ, કારકુન-પટાવાળા, સરકારી શિક્ષક, ઉત્તર બુનિયાદી આચાર્ય- શિક્ષકનો સમાવેશ થાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.