ચિત્રોડા પરિવારની પ્રેરણાદાયી પહેલ, સમરસમાં સારવાર લઈને ત્યાં 10 વ્હીલચેરનું અનુદાન કરી સારવારનું ઋણ ચુકવ્યું

કોરોના મહામારી સમયે કોઇપણ દર્દી સારવારના અભાવે મૃત્યુ ન પામે તેવા શુભાશય સાથે સમર્પીત ભાવે અભિયાન સ્વરૂપ કાર્ય દ્વારા રાજયમાં છેક ગ્રામ્યકક્ષા સુધી આરોગ્યલક્ષી સેવાઓનું માઇક્રો પ્લાનિંગ કરી કોરોના સંક્રમણને અટકાવવા ગુજરાત સરકાર પ્રયત્નશિલ છે. રાજય સરકારના માર્ગદર્શન હેઠળ કોરોનાના કપરા કાળમાં દિવસ રાત કાર્યરત આરોગ્ય વિભાગ દ્વારા નિ:શુલ્ક આરોગ્ય સેવા થકી અનેક પરિવારનો માળો ફરી હર્યોભર્યો બની રહયો છે. જેનું ઋણ ચૂકવવા આ વિપદ કાળમાં આરોગ્યકર્મીઓની સારવાર અને નિષ્કામ સેવા થકી સ્વસ્થ બનેલા અનેક નાના અદના લોકોથી માંડીને સાધન સંપન્ન જાગૃત લોકો ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન રોકડ દાન અને સાધન સહાય આપી અનુકરણીય રાહ ચીંધી રહયાં છે.

આવોજ એક કિસ્સો હાલ રાજકોટ ખાતેના સમરસ હોસ્પિટલ ખાતે બનવા પામ્યો છે. રાજકોટના  ગોપાલનગરમાં રહેતા ચંપાબેન ચિત્રોડા ઉ.વ. 63ને કોરોના સંક્રમણ થતાં સમરસ હોસ્પિટલ ખાતે તા. 19 એપ્રીલના રોજ દાખલ કરાયા હતા. ત્યારબાદ તેમના પતિ રમણીકભાઇ ચિત્રોડા ઉ.વ. 68ને પણ શ્વાસમાં તકલીફ હોઇ કોરોના પોઝીટિવ હોવાનું નિદાન થતાં સમસર હોસ્પિટલ ખાતે સઘન સારવાર માટે તા. 26મી એપ્રીલના રોજ દાખલ કરાયા હતા. સમરસ હોસ્પિટલના તમામ ફરજ પરસ્ત ડોકટરો અને નર્સોની ઉત્તમ સારવાર થકી ચંપાબેન તા.2/05/21ના રોજ તથા રમણીકભાઇ તા. 6/05/21ના રોજ સ્વસ્થ બનતા તેઓને ડીસ્ચાર્જ કરાયા હતા.

તેમના પુત્ર હિમાંશુભાઇ પાસે રમણીકભાઇએ સમર્પિત ભાવે સારવાર કરનાર આરોગ્ય વિભાગના સ્ટાફ કર્મીઓ અને જિલ્લા વહિવટી તંત્રના આયોજન પ્રત્યે અહોભાવ વ્યકત કરતાં સમાજને આ વિપદ કાળમાં સહયોગ કરી કંઇક ઉપયોગી બનવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. પિતાજીના આ વિચારને તેમના પુત્રએ અમલમાં મૂક્યો અને આ હોસ્પિટલમાં આવતા ઉંમરલાયક કોવીડ-19ના પેશન્ટોને ઉપયોગી થાય તેવી 10 વ્હીલચેરનું દાન કર્યું. આમ તેઓએ સમાજ પ્રત્યેના ઋણને ચુકવવા આ વિપદ પરિસ્થતીમાં સહયોગી બનવાનો અનુકરણીય રાહ અન્યોને બતાવ્યો છે.

સરકારની સમરસ હોસ્પિટલમાં તદન નિ:શૂલ્ક છતાં ઉત્તમ સારવાર અને સ્ટાફની સમર્પિત ભાવે કરાયેલ સેવા સુશૃષા બદલ ચિત્રોડા પરિવારે હોસ્પિટલના તમામ સ્ટાફ અને કલેકટર રેમ્યા મોહન, વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યકત કર્યો છે. રમણીકભાઇ પરીવાર દ્વારા 10 વ્હીલચેરના દાન કરવાના સરાહનીય કાર્ય થકી કોરોના સંક્રમણની અટકાયત અને દર્દીઓની આદર્શ સારવારમાં સહયોગી બનવા બદલ વહિવટીતંત્ર દ્વારા તેઓનો આભાર વ્યકત કરાયો હતો.